December 16, 2024

ભીખ આપશો તો થશે FIR, આ શહેરમાં 1-જાન્યુઆરીથી નિયમ લાગુ

Indore Beggers: મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં વહીવટીતંત્ર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આજે શહેરના એક ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે 1 જાન્યુઆરી, 2025થી ઈન્દોરમાં ભિખારીઓને ભીખ આપનારા લોકો સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવશે. ઇન્દોરને ભિખારીથી મુક્ત કરવાના લક્ષ્યને હાંસલ કરવાના તેના પ્રયાસોના ભાગરૂપે વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે.

શું છે સમગ્ર મામલો?
1 જાન્યુઆરીથી ઈન્દોર શહેરમાં ભીખ આપનારા લોકો સામે પણ FIR દાખલ કરવામાં આવશે. ઈન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે કહ્યું, શહેરમાં આ મહિનાના (ડિસેમ્બર) અંત સુધી ‘ભિખારી વિરુદ્ધ અમારું જાગૃતિ અભિયાન ચાલશે. 1 જાન્યુઆરીથી જો કોઈ વ્યક્તિ ભીખ આપતો જોવા મળશે તો તેની સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવશે.

ભીખ આપીને પાપના સહભાગી ન બનો – જિલ્લા મેજિસ્ટ્રેટ
ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે કહ્યું છે કે વહીવટીતંત્રએ શહેરમાં ભીખ આપવા પર પ્રતિબંધ મૂકતો આદેશ પહેલેથી જ જારી કરી દીધો છે. તેમણે કહ્યું, “હું ઈન્દોરના તમામ લોકોને અપીલ કરું છું કે લોકોને ભીખ આપીને પાપમાં સહભાગી ન બનો.” જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે એ પણ માહિતી આપી છે કે શહેરના વહીવટીતંત્રે છેલ્લા કેટલાક મહિનામાં ભીખ માંગવામાં સામેલ વિવિધ ગેંગનો પર્દાફાશ કર્યો છે.

કેન્દ્ર સરકારનો પાયલોટ પ્રોજેક્ટ
ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું છે કે વહીવટીતંત્રે ભીખ માંગવામાં સામેલ ઘણા લોકોનું પુનર્વસન કર્યું છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અંતર્ગત દેશના 10 શહેરોને ભિખારી મુક્ત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં ઈન્દોરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.