September 8, 2024

તેલના ડબ્બા, સ્કોલરશીપના નામે શખ્સે મધ્યમ વર્ગની મહિલાઓને છેતરી લાખોનો ચૂનો ચોપડ્યો

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: કહેવાય છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આ કેહવત સાચી થઈ છે અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં જ્યાં સ્કોલરશીપ અને તેલનાં ડબ્બાનાં નામ પર લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. ત્યારે છેતરપીંડીનો અહેસાસ થતા મહિલાઓએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો.

આરોપી રાહુલ પરમાર નામના શખ્સ દ્વારા અમરાઈવાડી મેટ્રો સ્ટેશન નીચે સોચ ફાઉન્ડેશનના નામે ઓફિસ ખોલી બાળકોને સ્કોલરશીપ આપવામાં આવશે તેમ કહીનેને રૂપિયા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. અમરાઈવાડી, વસ્ત્રાલ, ઓઢવ નિકોલમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તેણે ટાર્ગેટ કર્યા હતા.

રાહુલ પરમારની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો તેણે મહિલાઓને આંગણવાડી અને ચાલીઓમાં મોકલીને લોકોને લોભામણી લાલચ આપી હતી. જેમાં 200 રૂપિયા રોકીને ધો. 1થી 6નાં વિદ્યાથીઓને 1000 અને 7-10નાં વિદ્યાથીઓને 400ની સામે 1500 અને 11-12નાં બાળકોને 2000 રૂપિયા આપવાની લાલચ આપી હતી. જેમાં હજારો લોકોએ રૂપિયા રોક્યા હતા. તો બીજી તરફ તેલનાં ડબ્બા માટે પણ 150-300 રૂપિયા લેવામાં આવ્યા હતા અને તમામને 25 જુલાઈનાં રોજ રૂપિયા લેવા માટે આવવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ, આજે જ્યારે લોકો સોચ ફાઉન્ડેશનની ઓફિસમાં ગયા ત્યારે ત્યાં ખંભાતી તાળુ લટકતું જોઈને લોકો વિફર્યા હતા. સોચ ફાઉન્ડેશનમાં અંદાજિત 20 હજાર જેટલા લોકોએ 200 થી લઈને 1500 અને 2000 રૂપિયા સુધીનું રોકાણ કરતાં લાખો રૂપિયા લઇને રાહુલ પરમાર પલાયન થઈ ગયો છે.

સોચ ફાઉન્ડેશન દ્વારા ફ્રોડ કરવામાં આવ્યું હોવાનો મેસેજ મળતાં જ મોટી સંખ્યા લોકો સંસ્થાની ઓફિસે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. સોચ ફાઉન્ડેશનમાં કઈ ન મળતાં રોકાણકારો અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને રાહુલ પરમાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે હલ્લાબોલ કર્યો હતો. ત્યારે, પોલીસે લોકોએ રોકેલ પૈસાની પહોંચ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.