June 29, 2024

સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે સુરતના તબીબ સાથે રૂ.1.34 કરોડની છેતરપિંડી

અમિત રૂપાપરા, સુરત: સ્વામિનારાયણ મંદિર માટે જમીન ખરીદવાની છે તેવું કહીને સુરતના જ ડોક્ટર સાથે મંદિરના મહંત સહિત 8 લોકોએ 1.34 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જોકે ડોક્ટરને અવારનવાર પૈસાની માગણી કરવા છતાં પણ પોતાના પૈસા પરત ન મળતા અંતે સ્વામીનારાયણ સંપ્રદાયના મહંત સહિત ડોક્ટર દ્વારા 7 લોકો સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ અર્ચના સ્કૂલ સામે વિવેકાનંદ સોસાયટીમાં રહેતા અને ક્લિનિક ચલાવતા ડોક્ટર બાલકૃષ્ણનો સંપર્ક વર્ષ 2015માં પોતાના મિત્ર ભરત ગોહિલની સાથે રહેતા અને લંબે હનુમાન રોડ પર આવેલા ગંગા સાગર એપાર્ટમેન્ટમાં રહેતા જમીન દલાલી તરીકેનું કામ કરતા સુરજ ઘોરી નામના ઇસમ સાથે થયો હતો.

સુરજ ઘોરી વર્ષ 2016માં ડોક્ટર બાલકૃષ્ણના ક્લિનિક પર ગયો હતો. સુરજ દ્વારા ડોક્ટરને જણાવવામાં આવ્યું હતું કે, આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં આવેલા રીંઝા ગામમાં એક જમીન છે. તેને સ્વામિનારાયણ સંપ્રદાયના જુનાગઢ મંદિર સાથે જોડાયેલા મહંત જે કે સ્વામી ખરીદવા ઇચ્છી રહ્યા છે. આ ગામમાં જમીન ખરીદ્યા બાદ નીલકંઠધામ પોઇચામાં જે પ્રકારે સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે તે પ્રકારનો મોટો પ્રોજેક્ટ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઊભો કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં જમીન લેવાવાળા અને જમીન વેચવાવાળા બંને તૈયાર છે અને તેમાં માત્ર મધ્યસ્થી રહીને સારો એવો નફો પણ મળશે તેવી વાત સુરજ દ્વારા ડોક્ટર બાલકૃષ્ણને કરવામાં આવી હતી.

આ પણ વાંચો: હિંદુવાદી નેતાની હત્યાના ષડયંત્રના કેસમાં મોટો ખુલાસો, ટાર્ગેટ પર હતા વધુ પાંચ લોકો

ત્યારબાદ સૂરજ દ્વારા ડોક્ટર બાલકૃષ્ણની મુલાકાત સ્વામિનારાયણ મંદિરના મહંત જે કે સ્વામી સાથે થઈ હતી. જમીન માલિકો સાથે સ્વામી દ્વારા જમીનનો શોદો પણ નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડોક્ટર બાલકૃષ્ણ દ્વારા જમીન માલિકને 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા અને 100 સ્ટેમ્પ પેપર પર આ બાબતે લખાણ પણ લેવામાં આવ્યું હતું અને સોદો નહીં થાય તે માટે અલગ-અલગ સમયે ડોક્ટર પાસેથી બીજા પૈસા પણ લેવામાં આવ્યા હતા. આમ ડોક્ટર પાસેથી 1.50 કરોડ કરતાં વધારે રકમ લેવામાં આવી હતી અને ત્યારબાદ ડોક્ટરને પૈસા પરત આપવામાં સ્વામી દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવતા હતા.

સ્વામી દ્વારા ડોક્ટરને કહેવામાં આવ્યું હતું કે કેનેડાથી 14.80 લાખ ડોલર મોકલવામાં આવ્યા છે પરંતુ આ પૈસા બેંકમાં ફ્રીઝ થઈ ગયા છે. તેથી ડોક્ટર દ્વારા શરૂઆતમાં જમીન માટે પૈસાનું રોકાણ કરવામાં આવ્યું હતું પરંતુ અંતે ડોક્ટરને પોતે છેતરાયો હોવાનું માલુમ થતા તેણે સ્વામી પાસેથી પૈસાની માગણી કરી હતી અને સ્વામી દ્વારા પૈસા આપવામાં આવતા ન હતા. આ સમગ્ર મામલે ડોક્ટર બાલકૃષ્ણ દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં સ્વામી સહિત આઠ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ડોક્ટર બાલકૃષ્ણ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં ચાંદલોડિયાના ખોડીયાર નગરમાં રહેતા સુરેશ ભરવાડ, જે કે સ્વામી, સ્નેહલ, વિવેક, દર્શન શાહ સુરતના વરાછા વિસ્તારમાં સરથાણા નજીક રહેતા અતુલ સાંગાણી તેમજ સુરેશ કોળી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.