December 19, 2024

મેટ્રો પ્રોજેક્ટમાં ભાડે મૂકવાના બહાને ગાડીના માલિકો સાથે છેતરપિંડી કરનાર ચાર ઈસમોની ધરપકડ

અમિત રુપાપરા, સુરત: સુરત શહેરમાં મેટ્રોનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ મેટ્રોની કામગીરી દરમિયાન કાર મેટ્રો પ્રોજેક્ટમાં ભાડે મૂકવાના બહાને ગાડી માલિકો પાસેથી કાર ભાડેથી લઈને કેટલાક ઈસમો દ્વારા આ ગાડીઓ અન્ય લોકોને ગીરવે અથવા તો ભાડેથી આપીને ગાડીના માલિકો સાથે છેતરપિંડી કરી હતી. આ ઘટનાને લઈને કાર માલિકો દ્વારા સુરત પોલીસ કમિશનરને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. બીજી બાજુ, અમરેલી રૂરલ પોલીસે આ ગેંગના ચાર ઈસમોની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ બાદ સુરતમાંથી ક્રાઈમ બ્રાન્ચે 11 જેટલી ગાડીઓ કબજે લઈ અમરેલી રૂરલ પોલીસને ચોંપવાની તજવીજ હાથ ધરી છે.

અમરેલી રૂરલ પોલીસ દ્વારા લોકોને ઊંચી રકમે કાર ભાડું આપવાની લાલચ આપી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી કાર માલિકો પાસેથી કાર લઇ તેમને શરૂઆતમાં બેથી ત્રણ મહિનાનું ભાડું ચૂકવી ત્યારબાદ આ કારને અન્ય લોકોને ભાડે આપી આ ઉપરાંત ગીરવે મૂકી કાર માલિકો સાથે છેતરપિંડી કરતી ગેંગના ચાર ઈસમોની ધરપકડ કરી હતી. જેમાં અલ્પેશ ઉર્ફે જાડો જરીવાલા, મયુર ઉર્ફે સની સાંડિસ, યોગેશ પટેલ અને મીત રાઠોડનો સમાવેશ થાય છે.

અમરેલી રૂરલ પોલીસે આરોપી પાસેથી 28 કાર સાથે કુલ મળીને 3,74,54,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓની પૂછપરછમાં આ ઈસમો દ્વારા કેટલીક કાર સુરતના લોકોને આપી હોવાની માહિતી મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાયું હતું. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ બાબતે તપાસ કરીને 11 કાર શોધી કાઢવામાં આવી છે અને આ તમામ કારનો કબજો અમરેલી પોલીસને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવશે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ લોકો પાસેથી આ કાર કબજે કરવામાં આવી છે, તેના મુદ્દામાલની રકમ અંદાજિત 1 કરોડ રૂપિયા જેટલી છે. હવે આ કાર અમરેલી રૂરલ પોલીસની મદદથી કાર માલિકોને પરત કરવામાં આવશે.