January 15, 2025

ખેડૂતોને રોકવા દિલ્હીમાં કિલ્લેબંધી, કલમ 144 લાગુ કરી

નવી દિલ્હી: પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ઘણા ખેડૂત સંગઠનો દિલ્હી કુચ કરવા માટે તૈયાર છે. જેને લઈને પંજાબ અને હરિયાણાની બોર્ડર પર સુરક્ષાને વધારી દેવામાં આવી છે. હરિયાણા સહિત 15 જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજધાની દિલ્હીની સીમાઓ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

દિલ્હીની સીમાઓ પર કાટાવાળા તાર લગાવી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ખેડૂત મજુર મોર્ચા અને સંયુક્ત ખેડૂત મોર્ચાના ખેડૂતો પંજાબના અલગ અલગ વિસ્તારમાંથી કુંચ કરશે. જેઓ 13 ફેબ્રુઆરીના બપોર સુધીમાં ફતેહગઢ સાહિબ સુધી પહોંચવાનો પ્લાન કરી રહ્યા છે. કિસાન મજુર મોર્ચાના સંયોજક સરવન સિંહ પંઢેરે આ પ્રદર્શન વિશે વાત કરતા જણાવ્યું કે, પંજાબના અલગ અલગ વિસ્તારમાંથી હજારો ટ્રેક્ટરો દિલ્હી તરફ આવવા નિકળવાના છે. જે મંગળવાર બપોર સુધીમાં દિલ્હી પહોંચી જશે. રાતે ત્યાં રસ્તા પર જ ખેડૂતો રહેશે. આ સાથે ત્યાં જ તેઓ સરકાર સાથે ચર્ચા કરશે. 1000 ટ્રેક્ટર ઉત્તર પ્રદેશમાં આજે આવવાના છે.

ખેડૂતોની 12 મુખ્ય માગ
આ તમામ ખેડૂતો પોતાની 12 માગ સાથે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવા જઈ રહી છે. જેમાં ખેડૂતોની પહેલી માંગ છે કે, ન્યૂનતમ સમર્થન મુલ્ય(MSP) પર કાયદો બનાવવામાં આવે. જે ડૉ. સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પર આધારિત હોય.

– ખેડૂત અને મજૂરોનું બધું દેવુ માફ કરવામાં આવે

– લખીમપુર ખીરી કાંડના આરોપીઓને સજા આપવામાં આવે અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે

– ભૂમિ અધિગ્રહણ બીલ 2013માં બદલાવ કરવામાં આવે જેના ખેડૂતોની લેખિત સહમતિ અને કલેક્ટર રેટના ચાર ગણુ વધારે કિંમત ચુકવવામાં આવે

– ખેડૂતો અને મજુરોને પેન્શન આપવામાં આવે

– વિશ્વ વ્યાપાર સંગઠનના નિયમોથી થોડી છુટછાટ લેવામાં આવે. આ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને પ્રતિબંધિત કરવામાં આવે.

– દિલ્હી આંદોલનના સમયે માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને વળતર આપવામાં આવે, આ સાથે એ ખેડૂતના પરિવારના એક સદસ્યને નોકરી પણ આપવામાં આવે.

– એક વર્ષમાં ઓછામાં ઓછા 200 દિવસ રોજગાર મળવાની ગેરેન્ટ આપવામાં આવે. આ ઉપરાંત મનરેગા અંતર્ગત 700 રુપિયા એક દિવસના ચૂકવવામાં આવે.

– વિદ્યુત સંશોધન બિલ 2020ને ખતમ કરવામાં આવે

– મરચા, હળદર અને અન્ય મસાલાઓને લઈને એક રાષ્ટ્રીય સ્તર પર આયોગની રચના કરવામાં આવે

– ખરાબ બીજ, પેસ્ટિસાઈડ અને ઉર્વરક બનાવવા માટે કંપનીઓને દંડ આપવામાં આવે. આ સાથે બીજની ગુણવત્તામાં પણ સુધારો કરવામાં આવે

– કંપનીઓને આદિવાસીઓની જમીન પર કબ્જો કરતા રોકવામાં આવે. જળ, જંગલ અને જમીનના અધિકારને સુનિશ્ચિત કરવામાં આવે.

જગજીત ડલ્લેવાલે કહ્યું કે, કુલ 26 લોકો આ બેઠકમાં જોડાશે. ખુબ જ શાંતિથી પ્રદર્શન કરવામાં આવશે. અમે ખેડૂતોને કહ્યું છે કે શાંત રહેજો, પરંતુ હરિયાણા સરકાર જે રીતનો વ્યવહાર કરી રહી છે. એ જોઈને ખેડૂતો ખુબ જ હેરાન થઈ રહ્યા છે.મહત્વનું છેકે, ખેડૂતોની આ 12 માંગ સામે સરકાર તરફથી આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જૂન મુંડા, પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય જોડાશે.