કોંગ્રેસમાં જોડાતા પહેલા રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાનું રેલવેમાંથી રાજીનામું
Haryana Assembly Election 2024: પૂર્વ ભારતીય રેસલર વિનેશ ફોગાટે રેલવેમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામા પત્રમાં કહ્યું કે તેઓ હંમેશા રેલ્વેના આભારી રહેશે. વિનેશ ફોગાટ આજે બપોરે રેસલર બજરંગ પુનિયા સાથે કોંગ્રેસમાં જોડાશે.
વિનેશ ફોગાટે પોતાના રાજીનામા પત્રમાં કહ્યું છે કે ભારતીય રેલવેમાં સેવા આપવી એ તેના જીવનનો યાદગાર અને ગર્વનો સમય છે. મારા જીવનના આ તબક્કે, મેં મારી જાતને રેલ્વે સેવાથી અલગ કરવાનો નિર્ણય કર્યો છે અને ભારતીય રેલ્વેના સક્ષમ અધિકારીઓને મારું રાજીનામું સુપરત કર્યું છે. રેલ્વે દ્વારા મને દેશની સેવા કરવાની તક આપવા બદલ હું ભારતીય રેલ્વે પરિવારની હંમેશા આભારી રહીશ.
તો સાથે સાથે, એવી ચર્ચા પણ થઈ રહી છે કે રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા થોડા સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. થોડા દિવસો પહેલા, બંને રેસલર્સ રાહુલ ગાંધીને મળ્યા હતા, ત્યારબાદ બંનેના રાજકારણમાં આવવાની ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી.
આ બેઠક બાદ માનવામાં આવી રહ્યું છે કે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા બાદલી બેઠક પરથી પરથી ચૂંટણી લડી શકે છે. અથવા બેમાંથી એક કુસ્તીબાજ ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે.
રાહુલને મળ્યા બાદ બજરંગ અને વિનેશે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે પણ મુલાકાત કરી હતી. પેરિસથી પરત ફર્યા બાદ વિનેશ ફોગાટ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડા તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. વિનેશને આવકારવા માટે નીકળેલી શોભાયાત્રામાં દીપેન્દ્ર ખાસ્સા દૂર સુધી ચાલ્યા હતા. દરમિયાન બજરંગ પુનિયા પણ તેમની સાથે હતા. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી શકે છે. ત્યારબાદ, બંને રેસલર્સ દિલ્હીમાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને પણ મળ્યા હતા.