January 1, 2025

UPના પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી વધુ એક કેસમાં દોષી જાહેર

Mukhtar Ansari: ઉત્તર પ્રદેશના પૂર્વ બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. હવે વધુ એક કેસમાં મુખ્તાર અંસારીને દોષી જાહેર કરવામાં આવ્યા છે. વારાણસી કોર્ટે ખોટી રીતે હથિયારના લાઈસન્સના મામલામાં પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને દોષી જાહેર કરવામાં આવ્યા છે. મહત્વનું છેકે, બુધવારે મુખ્તાર અંસારીને આ ગુના માટેની સજા સંભળાવામાં આવશે.

મંગળવારે ભૂતપૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બાંદા જેલમાંથી સ્પેશિયલ જજ અવનીશ ગૌતમની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન મુખ્તાર અંસારીને આર્મ્સ એક્ટ હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા હતા. મુખ્તાર અંસારીની સજાના મુદ્દે બુધવારે 12 વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવશે. મહત્વનું છેકે, મુખ્તાર અંસારીને ભ્રષ્ટાચારના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી પર આરોપ છે કે, તેણે 10 જૂન 1987ના રોજ ગાઝીપુરના જિલ્લા મેજિસ્ટ્રેટને ડબલ બેરલ બંદૂકના લાયસન્સ માટે અરજી આપી હતી. મુખ્તાર અંસારીએ ગાઝીપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકની નકલી સહીઓ કરીને ભલામણ મેળવીને હથિયારનું લાઇસન્સ મેળવ્યું હતું.

1990માં 5 લોકો વિરુદ્ધ FIR નોંધાઈ
છેતરપિંડીનો પર્દાફાશ થયા બાદ સીબીસીઆઈડી દ્વારા 4 ડિસેમ્બર, 1990 ના રોજ મુખ્તાર અંસારી, તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર અને અજાણ્યા અન્ય લોકો સહિત પાંચ નામના વ્યક્તિઓ વિરુદ્ધ મુહમ્દાબાદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. જે તપાસ બાદ 1997માં તત્કાલિન ઓર્ડનન્સ ક્લાર્ક ગૌરીશંકર શ્રીવાસ્તવ અને મુખ્તાર અંસારી વિરુદ્ધ ચાર્જશીટ કોર્ટમાં મોકલવામાં આવી હતી.

પૂર્વ મુખ્ય સચિવ અને પૂર્વ ડીજીપી પણ સાક્ષી બન્યા
આ કેસમાં રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ આલોક રંજન અને પૂર્વ ડીજીપી દેવરાજ નાગર સહિત 10 સાક્ષીઓના નિવેદનો ફરિયાદ પક્ષ દ્વારા નોંધવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ હેઠળ આરોપીઓ સામે ચાર્જશીટ હોવાને કારણે આ કેસની સુનાવણી વારાણસીની વિશેષ અધિકારક્ષેત્ર કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન અશ્વની ઉપાધ્યાય વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયાના કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશને કારણે ઉપરોક્ત કેસ સ્પેશિયલ કોર્ટમાં વિચારણા હેઠળ રહ્યો હતો. જેમાં આજે નિર્ણય આવ્યો હતો.