December 28, 2024

પત્ની અને બાળકોની સામે જ પૂર્વ ક્રિકેટરની ગોળી મારીને હત્યા

Dhammika Niroshana Dead: શ્રીલંકાથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક અજાણ્યા વ્યક્તિએ પૂર્વ ક્રિકેટરના ઘરમાં ઘૂસીને તેમની હત્યા કરી નાખી છે. એક અજાણ્યા વ્યક્તિએ શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર ધમ્મિકા નિરોશનને તેના બાળકો અને પત્નીની સામે ગોળી મારી દીધી હતી, જેના પરિણામે ક્રિકેટરનું મોત નીપજ્યું છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના અંબાલાંગોડા સ્થિત તેમના ઘરે બની હતી.

સ્થાનિક પોલીસે માહિતી આપી
અહેવાલો અનુસાર, સ્થાનિક પોલીસે માહિતી આપતા કહ્યું કે ધમ્મિકા નિરોશન તેની પત્ની અને બે બાળકો સાથે ઘરે હતો. ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના પર ગોળીબાર કર્યો, જેના કારણે ધમ્મિકા નિરોશને જીવ ગુમાવ્યો. હજુ સુધી પોલીસ અજાણ્યા શખ્સને પકડી શકી નથી. હાલ પોલીસ આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને ધમ્મિકા નિરોશનની હત્યા શા માટે કરવામાં આવી તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

ધમ્મિકા નિરોશનની કારકિર્દી એટલી ખાસ નહોતી
ધમ્મિકા નિરોશન ડાબા હાથનો સારો ફાસ્ટ બોલર હતો. જોકે તેને ક્યારેય સિનિયર શ્રીલંકન ક્રિકેટ ટીમમાં રમવાની તક મળી નથી. ધમ્મિકા નિરોશને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 12 મેચ રમી હતી, જેમાં તેણે 19 વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે લિસ્ટ Aમાં 8 મેચ રમી હતી, આ 8 મેચમાં તેના નામે 5 વિકેટ હતી.