December 28, 2024

આર્થિક સલાહકારથી લઈને PM સુધી, અમલદારશાહી-રાજકારણમાં પાંચ દાયકાની સફર…

Manmohan Singh Death: આર્થિક સુધારાના પિતા અને 10 વર્ષ સુધી દેશનું નેતૃત્વ કરનારા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે અવસાન થયું હતું. તેઓ ભારતીય રાજકારણના એવા વ્યક્તિત્વ હતા જે બહુ ઓછું બોલતા હતા. પરંતુ જ્યારે તે બોલતા ત્યારે ખૂબ જ મક્કમતાથી બોલતા હતા. ગમે તેટલી વિષમ પરિસ્થિતિ હોય, પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, તે ચૂપચાપ ઉકેલ શોધી લેતા હતા.

1991માં જ્યારે દેશ આર્થિક સંકટથી ઘેરાયેલો હતો, ત્યારે તેમણે ભારતની અર્થવ્યવસ્થાને વિશ્વના રોકાણકારો માટે ખોલીને આર્થિક ક્રાંતિ સર્જી હતી. જેનું મૌન પણ બોલતું હતું… હવે એ વ્યક્તિત્વ કાયમ માટે મૌન થઈ ગયા. તેમણે 92 વર્ષની વયે દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા હતા. મનમોહન સિંહ એવા નેતા હતા જેમણે પરમાણુ કરાર માટે સરકારને દાવ પર લગાવી હતી. ચાલો, અમલદારશાહી અને રાજકારણમાં તેમની પાંચ દાયકાની કારકિર્દીની એક ઝલક જોઈએ…

આ પણ વાંચોઃ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર ક્યાં, ક્યારે અને કેવી રીતે થશે? જાણો સરકારી પ્રોટોકોલ

પૂર્વ PM મનમોહન સિંહની પાંચ દાયકાની સફર

  • 1954 – પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી.
  • 1957 – કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી 1957 ઇકોનોમિક્સ ટ્રિપોસ (ત્રણ વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ).
  • 1962 – ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલ.
  • 1971 – ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા.
  • 1972 – નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત.
  • 1980-82 – આયોજન પંચના સભ્ય.
  • 1982-1985 – ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર.
  • 1985-87 – આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી.
  • 1987-90 – જીનીવામાં દક્ષિણ કમિશનના સેક્રેટરી-જનરલ.
  • 1990 – આર્થિક બાબતો પર વડાપ્રધાનના સલાહકાર તરીકે નિયુક્ત.
  • 1991 – યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત.
  • 1991 – આસામમાંથી રાજ્યસભા માટે ચૂંટાયા અને ત્યારબાદ 1995, 2001, 2007 અને 2013માં ફરીથી ચૂંટાયા હતા.
  • 1991-96 – પીવી નરસિમ્હા રાવ સરકારમાં નાણાં મંત્રી.
  • 1998-2004 – રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા.
  • 2004-2014 – ભારતના વડા પ્રધાન.

આ પણ વાંચોઃ મનમોહન સિંહની જિદ્દ, સરકારને દાવ પર લગાવી કરી હતી ભારત-US ન્યૂક્લિયર ડિલ

26 ડિસેમ્બર 2024
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, આર્થિક સુધારાના પ્રણેતા, ગુરુવારે રાત્રે અવસાન પામ્યા છે.તેઓ 92 વર્ષના હતા. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) દિલ્હીએ મનમોહન સિંહના નિધનની પુષ્ટિ કરી છે. રાત્રે લગભગ 8.30 વાગ્યે તેમને ગંભીર હાલતમાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઈમ્સે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, 26 ડિસેમ્બરના રોજ તેઓ તબીબી સારવાર લઈ રહ્યા હતા અને અચાનક ઘરે બેહોશ થઈ ગયા હતા. તેમને ઘરે તરત જ ભાનમાં લાવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાત્રે 8.06 કલાકે દિલ્હી એઇમ્સમાં લાવવામાં આવ્યા હતા. તમામ પ્રયાસો છતાં તેમને ભાનમાં લાવવામાં ડોક્ટર્સ અસફળ રહ્યા હતા. રાત્રે 9.51 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મોડી રાત્રે ડૉ. સિંહના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાન 3, મોતીલાલ નહેરુ માર્ગ પર લઈ જવામાં આવ્યો હતો. તેમના પરિવારમાં તેમની પત્ની ગુરશરણ કૌર અને ત્રણ પુત્રીઓ છે. 10 વર્ષ સુધી વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક રાષ્ટ્રના વડાપ્રધાન રહેલા મનમોહન સિંહને તેમની આર્થિક શાણપણ અને કાર્ય માટે વિશ્વભરમાં આદર આપવામાં આવશે.