January 1, 2025

પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભવાની ધામ ટ્રસ્ટના અગ્રણીઓ સાથે કરી બેઠક

જયેશ ચૌહાણ, અમદાવાદ: સમસ્ત રાજપૂત સમાજના આરાધ્યદેવી મા ભવાનીના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામ ખાતે પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે 32 એકરમાં મંદિર નિર્માણકાર્યની પ્રગતિ તથા મંદિર પરિસરની આસપાસ સામાજિક કલ્યાણ માટે અલગ-અલગ સુવિધાઓ વિકસાવવા અને આગામી યોજનાઓ વિશે ચર્ચા-વિચારણા કરવા માટે આજે રાજ્યભરના રાજપૂત સમાજના અગ્રણીઓએ એક સમીક્ષા બેઠક અમદાવાદની એક હોટેલ ખાતે મળી હતી. બેઠકમાં પૂર્વ ગવર્નર અને ભવાની ધામ ટ્રસ્ટના ટ્રસ્ટી વજુભાઈ વાળા સહિતના દેશભરમાંથી રાજપૂત સમાજના અગ્રણીઓ જોડાયા હતા.

પત્રકારોને સંબોધન કરતા વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે માં ભવાનીના ભવ્ય મંદિરના નિર્માણથી રાજપૂત સમાજમાં એકતા વધશે મંદિરની સાથે-સાથે મંદિર પરિસરમાં લોકકલ્યાણ હેતુ શૈક્ષણિક ટ્રેનિંગ સેન્ટર, આરોગ્ય કેન્દ્ર, યાત્રી નિવાસ, યજ્ઞશાળા, ભોજનશાળા, સંસ્કારધામ, બગીચો, તળાવ સહિતની સુવિધાઓ વિકસાવવાનો સર્વસંમતિથી નિર્ણય કર્યો છે. આ સુવિધાઓથી સુરેન્દ્ર્નગર ઉપરાંત રાજ્યભરના રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના લોકોને પણ સીધો લાભ થશે. અહીં સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત શૈક્ષણિક અને આરોગ્ય સુવિધાઓની ઉપલ્બધતા સુનિશ્ચિત કરાશે.

ભવાની ધામ 120 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યું છે પરંતુ તેના પરિષદમાં શૈક્ષણિક ટ્રેનિંગ સેન્ટર, આરોગ્ય કેન્દ્ર, યાત્રી નિવાસ, યજ્ઞશાળા, ભોજનશાળા, સંસ્કારધામ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે. 120 કરોડને ખર્ચે બનનારા ભવાનીધામમાં આશરે 8500 ટન મકરાણાના આરસપહાણથી નિર્માણ કરવામાં આવશે જેનું કામ 35% જેટલો પૂર્ણ પણ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના 155થી વધુ તાલુકાઓમાંથી 151 જેટલા સભ્યો તેમજ 51 આમંત્રિત સભ્યોની કમિટીની પણ રચના કરવામાં આવી છે. આગામી સમયમાં દેશના સૌથી પણ વધુ રાજ્ય તેમજ અન્ય જેટલા દેશોમાં વસતા રાજપુતોનો પણ કમિટીમાં સમાવેશ કરવામાં આવશે.

મંદિરની વિશેષતા

– 32 એકરમાં ભવાની ધામનું નિર્માણ
– 120 કરોડના ખર્ચે ભવાની ધામનું નિર્માણ
– 8500 મકરાણા આરસપહાણથી નિર્માણ
– ઊંચાઈ 133 ફૂડ
– લંબાઇ 257 ફૂટ
– પહોળાઈ 221 ફૂટ
– 124 સ્તંભ
– શૈક્ષણિક ટ્રેનિંગ સેન્ટર,
– આરોગ્ય કેન્દ્ર
– યાત્રી નિવાસ
– યજ્ઞશાળા
– ભોજનશાળા