December 23, 2024

હેમંત સોરેન સરકારમાં પૂર્વ CM ચંપાઈ સોરેન બન્યા મંત્રી, ભાઈ બસંત સોરેનને સ્થાન નહીં

Hemant Soren Government Cabinet Expansion: હેમંત સોરેનની આગેવાની હેઠળની ઝારખંડ સરકારે સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો. હવે સોરેનની કેબિનેટનું પણ વિસ્તરણ થયું છે. ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને રાજભવન ખાતે JMMના નેતૃત્વવાળા ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ અને અન્ય સરકારી અધિકારીઓની હાજરીમાં પદ અને ગોપનીયયતાના શપથ લેવડાવ્યા હતા. પૂર્વ સીએમ ચંપાઈ સોરેનને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. જોકે હેમંત સોરેનના ભાઈ બસંત સોરેનને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી.

ઝારખંડ મુક્તિ મોરચા તરફથી આ કેબિનેટમાં બસંત સોરેન, દીપક બેરુઆ, હફિજુલ હસન અંસારી, બેબી દેવી, મિથિલેશ ઠાકુર, બૈદ્યનાથ રામને સ્થાન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બૈદ્યનાથ રામ સિવાય આ તમામ નેતાઓ હેમંત અને ચંપાઈ સોરેન સરકારમાં મંત્રી પદ પર પણ હતા. સત્યાનંદ ભોક્તાને આરજેડી ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવ્યા છે.

આજે અગાઉ, ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેનની આગેવાની હેઠળની ગઠબંધન સરકારે સોમવારે વિધાનસભામાંથી વિપક્ષી સભ્યોના વોકઆઉટ વચ્ચે વિશ્વાસ મત જીત્યો હતો. 81 સભ્યોની રાજ્ય વિધાનસભામાં, નામાંકિત સભ્ય ગ્લેન જોસેફ ગોલસ્ટન સહિત કુલ 45 ધારાસભ્યોએ વિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. મત ગણતરી શરૂ થતાં જ ભારતીય જનતા પાર્ટી (BJP) અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU) ના ધારાસભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા. ભાજપના નેતૃત્વમાં વિપક્ષ પાસે ભાજપના 24 અને AJSU પાર્ટીના ત્રણ ધારાસભ્યો છે.