January 17, 2025

પૂર્વ કેપ્ટન હફીઝે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જાહેરમાં આપી ધમકી

Mohammad Hafeez: પાકિસ્તાન ક્રિકેટમાં ચાલી રહેલી બબાલ બંધ થવાનું નામ નથી લઈ રહી. વનડે વર્લ્ડ કપ 2023 બાદથી જ પાકિસ્તાન ક્રિકેટમાં ધમાલ ચાલી રહી છે. કેપ્ટન અને કોચને હટાવી દેવામાં આવ્યાં છે. નવા લોકોની ભરતી પણ કરવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેનને પણ બદલી દેવામાં આવ્યા છે. ટીમ છેલ્લા ઘણા સમયથી ખરાબ પ્રદર્શન કરી રહી છે. ત્યારે 4 વર્ષ માટે નિમણૂક કરેલા ડાયરેક્ટર મોહમ્મદ હાફીઝને 2 મહિનામાં જ હટાવી દેવામાં આવ્યા છે. ત્યારબાદ હવે હાફીઝે પીસીબીના બધા લોકોની પોલ ખોલવાની જાહેરમાં ધમકી આપી છે.

વનડે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમ વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં પણ પહોંચી શકી નહોતી. જે બાદ ટીમના કોચના રૂપમાં હાફીઝની નિયુક્તિ કરવામાં આવી હતી. તેમ છતાં ટીમના પ્રદર્શનમાં કોઈ સુધારો જોવા મળ્યો નહોતો. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાની સામે 3-0થી હારી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડથી 4-1થી હારી હતી. તે સમયે હાફિઝને ટીમના ટાયરેક્ટરના રૂપમાં જવાબદાર ગણવામાં આવ્યા છે, પરંતુ હવે તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયામાં આપી ધમકી
હાફીઝે કહ્યું કે, તે ક્રિકેટ સિવાયના ખુલાસાઓ પણ કરશે. હાફીઝની પોસ્ટમાં તેણે લખ્યું કે, ‘મેં હંમેશા સમ્માન અને ગૌરવ સાથે પાકિસ્તાનને પ્રાથમિકતા આપી છે. તેનું પ્રતિનિધિત્વ કર્યું છે. મે પોઝિટિવ સુધારો લાવવા માટે પીસીબીના કોચના રૂપમાં નવી ભૂમિકાનો સ્વીકાર કર્યો હતો, પરંતુ પીસીબીએ મારા 4 વર્ષના કોન્ટ્રાક્ટને 2 મહિનામાં જ પૂરો કરી નાંખ્યો છે. પાકિસ્તાન ક્રિકેટના ભવિષ્ય માટે શુભકામના. હંમેશાની જેમ સૌથી પહેલા હું જવાબદારી સ્વીકારીશ. હું ક્રિકેટ અને તેને અનુલક્ષીને તમામ તથ્યો વિશે ખુલાસો કરીશ.’

હાફીઝની લાંબી બેઠકથી પ્લેયર હેરાન હતા
ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ હફીઝની બહાનેબાજીને લઈને આલોચના થઈ હતી. પહેલા તેમણે પ્રોક્ટિસ મેચ માટેની પીચને લઈને આલોચના કરી એ બાદ કહ્યું કે, પાકિસ્તાને બોક્સિંગ ડે ટેસ્ટમાં સારુ પ્રદર્શન કર્યું. જ્યાં ટીમ 79 રનથી હારી ગઈ હતી. હફીઝે પાકિસ્તાનની હારના કારણ તરીકે ડીઆરએસ અને ખરાબ એમ્પાયરિંગને જવાબદાર ગણાવી હતી. કેટલાક રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, લાંબી ટીમ મિટિંગોના કારણે ખેલાડીઓ પણ ખુશ નથી.