December 22, 2024

દેશના પૂર્વ વાયુસેના પ્રમુખ RKS ભદૌરિયા BJPમાં જોડાયા

RKS Bhadauria Joins BJP: લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ સાથે પાર્ટીઓમાં જોડાણ અને ભંગાણ જોવા મળી રહ્યા છે. ત્યારે આજે પૂર્વ એયર ચીફ માર્શલ RKS ભદૌરિયા BJPમાં જોડાયા છે. પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની હાજરીમાં પૂર્વ વાયુસેના પ્રમુખે BJPમાં જોડાયા છે. RKS ભદૌરિયા સપ્ટેમ્બર 2021માં વાયુસેના પ્રમુખ પદથી નિવૃત થયા છે. તેમની જગ્યાએ એયર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીને વાયુસેનાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

ભદૌરિયા 30 સપ્ટેમ્બર 2019થી લઈને 30 સપ્ટેમ્બર 2021 સુધી તેઓ વાયુસેનાના પ્રમુખ હતા. ઉત્તરપ્રદેશના આગરા જિલ્લાના બાહ તાલુકાના છે. તેમણે ભારતમાં રાફેલ જેટ ખરીદવામાં મહત્વનો ભાગ ભજવે છે. મહત્વનું છે કે, લોકસભા ચૂંટણીનું પહેલા તબ્બકાનું મતદાન 19 એપ્રિલે થશે અને આ ચૂંટણીનું પરિણામ 4 જુનના જાહેર થશે.

ભાજપમાં જોડાયા બાદ પૂર્વ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ કહ્યું કે, ‘રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની તક આપવા બદલ હું ફરી એકવાર પાર્ટી નેતૃત્વનો આભાર માનું છું. મેં ચાર દાયકાથી વધુ સમય ભારતીય વાયુસેનામાં સેવા આપી છે, પરંતુ સર્વશ્રેષ્ઠ સેવા આપવાનો સમય ભાજપ સરકારના નેતૃત્વમાં છેલ્લા 8 વર્ષનો હતો.

RKS ભદૌરિયાની ટિકિટ ક્યાંથી મળી શકે?
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભાજપ ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ લોકસભા સીટ પરથી પૂર્વ એરફોર્સ ચીફ RKS ભદૌરિયાને ટિકિટ આપી શકે છે. હાલમાં જનરલ વીકે સિંહ આ બેઠક પરથી ભાજપના સાંસદ છે. તેઓ 2014 અને 2019માં આ બેઠક પરથી ચૂંટણી જીતી ચૂક્યા છે. ભાજપ દ્વારા અત્યાર સુધી જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની ચાર યાદીમાં ગાઝિયાબાદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં RKS ભદૌરિયાને આ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

સેનાને આત્મનિર્ભર બનાવવા માટે લેવાયેલા પગલાં
RKS ભદૌરિયાએ જણાવ્યું હતું કે, ‘આપણી સશસ્ત્ર દળોને મજબૂત કરવા, આધુનિક બનાવવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે આ સરકાર દ્વારા લેવામાં આવેલા કઠિન પગલાઓએ માત્ર સેનામાં નવી ક્ષમતા જ નથી બનાવી, પરંતુ તેમને નવો આત્મવિશ્વાસ પણ આપ્યો છે. જે સરકારની મહેનતનું પરિણામ છે. સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાં સુરક્ષાના દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે ભારતને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જશે.’

RKS ભદૌરિયાએ દેશને રાફેલ અને તેજસ જેવા વિમાનો આપ્યા
ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ફાઈટર પ્લેન ખરીદવા માટે એક ટીમ બનાવી હતી. આ ટીમનું નેતૃત્વ પૂર્વ એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા પાસે હતું. તે સમયે તેઓ ડેપ્યુટી એરફોર્સ ચીફ હતા. RKS ભદૌરિયાના નેતૃત્વમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે અનેક અવરોધોને પાર કરીને રાફેલ વિમાનનો સોદો થયો હતો. વિમાનો માટેના કરાર પર સપ્ટેમ્બર 2016માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ભદૌરિયાના યોગદાનને માન્યતા આપવા માટે પ્રથમ રાફેલની પૂંછડી પર તેમના નામના બે નામ, RB008 અંકિત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં ભદૌરિયાએ સ્વદેશી તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) પ્રોગ્રામ તૈયાર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પૂર્વ એરફોર્સ ચીફે તેજસ LCA પ્રોજેક્ટ પર નેશનલ ફ્લાઇટ સેન્ટરના મુખ્ય ટેસ્ટ પાઇલટ અને પ્રોજેક્ટ ડિરેક્ટર હતા. ભદૌરિયા તેજસ પર પ્રારંભિક પ્રોટોટાઇપ ફ્લાઇટ પરીક્ષણોમાં પણ સામેલ હતા.