November 22, 2024

Surat : મંત્રી મુકેશ પટેલ અધિકારીઓ પર થયા લાલઘૂમ, જનતાનો ફોન નહીં ઉપાડનારને આપી ચીમકી

સુરતના ઓલપાડમાં ભાદોલ ગામના કાર્યક્રમમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે અકળાયા હોવાનું સામે આવ્યું છે. મુકેશ પટેલે અધિકારીઓને જાહેરમાં ચીમકી આપી હતી અને જાહેર મંચ પરથી અધિકારીઓને જણાવ્યું હતું કે સામાન્ય જનતાના ફોન રિસીવ કરવા જોઇએ અને જો જનતા પરેશાન હોય તો ઓલપાડમાંથી કોઇપણ વ્યક્તિનો ફોન કરે તો તેને યોગ્ય જવાબ આપવાની પણ સલાહ આપી છે.

મળતી માહિતી અનુસાર સુરતના ઓલપાડ બેઠકના ધારાસભ્ય અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અધિકારીઓ અને પદાધિકારીઓ પર અકળાયા છે. પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે અધિકારીઓને ચેતવણી આપી દીધી છે કે જનતાની સમસ્યા સાંભળવી જ પડશે. જનતાની સમસ્યાઓનું સમાધાન થાય તે રીતે વર્તવું જ પડશે. ઓલપાડના ભાદોલ ગામે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે આ ચીમકી ઉચ્ચારી છે.

નોંધનીય છે કે 107 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્તમાં મુકેશ પટેલે સંબોધન કરતા કહ્યું કે, જનતાની રજૂઆત ન સાંભળનારા અને ફોન નહીં ઉચકનારા અધિકારીઓ તેમજ પદાધિકારીઓને જવાબ આપવો પડશે. ભલે કામ પૂરુ થવામાં થોડાક દિવસ થાય, પણ પ્રજાને જવાબ તો આપવો જ પડશે. પ્રજાના ફોન ન ઉપાડનારા અને યોગ્ય જવાબ ન આપનારા અધિકારીઓ તેમજ પદાધિકારીઓને તેમણે છેલ્લી ચેતવણી આપી છે. જો કોઈ અધિકારી કે પદાધિકારી જનતાના ફોન નથી ઉપાડતા તો તેમને જવાબ આપવો પડશે તેવુ પણ પર્યાવરણમંત્રી મુકેશ પટેલે જણાવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે ઓલપાડના ભાદોલ ગામ ખાતે સંકલિત આદિજાતિ વિકાસ કચેરી, માંડવી અંતર્ગત ઓલપાડ તાલુકામાં હળપતિ સમાજનાં કુલ રૂ.૭.૯૭ કરોડના ખર્ચે મંજુર થયેલ ૫૫૮ જેટલા આવાસોનું ભૂમિપૂજન તથા વિવિધ યોજના અંતર્ગત રૂ.૧૦૨ કરોડના પ્રકલ્પોનું વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઇ પટેલ, સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ, મહામંત્રી કુલદીપસિંહ, સુનીલભાઈ, કારોબારી અધ્યક્ષ જયેશભાઈ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ લાલુભાઈ, શાસકપક્ષ નેતા, દંડક, TDO, સરપંચ પ્રજ્ઞેશભાઈ, ઉપસરપંચ ઉષાબેન રાઠોડ, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાય સભ્ય, ગ્રામ પંચાયત સભ્ય, ગ્રામજનો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.