December 23, 2024

કેનેડામાં હિંદુ મંદિર પર હુમલાની ઘટના અંગે ભડક્યા જયશંકર – ચમરપંથીઓને રાજનૈતિક સહારો

નવી દિલ્હીઃ કેનેડામાં હિંદુ મંદિર અને હિંદુ સમુદાયના લોકો પર ખાલિસ્તાનીઓએ કરેલા હુમલાની સમગ્ર વિશ્વમાં ટીકા થઈ રહી છે. હવે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ હુમલા અંગે પ્રતિક્રિયા આપી છે અને આ ઘટનાને ખૂબ જ ચિંતાજનક ગણાવી છે. કેનેડામાં હિંદુ સમુદાયના લોકો પર હુમલાની આ ઘટના એવા સમયે બની છે, જ્યારે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો પહેલાથી જ તંગ છે. આ ઘટનાએ સંબંધોમાં વધુ તિરાડ પાડી છે. જો કે, આ ઘટનાને લઈને કેનેડા સરકાર દબાણમાં છે અને ખુદ પીએમ જસ્ટિન ટ્રુડોએ તેની ટીકા કરી છે.

હિંસા અમારા સંકલ્પને નબળો પાડી શકે નહીં
વિદેશમંત્રી સુબ્રહ્મણ્યમ જયશંકરે મંગળવારે નિવેદનમાં કહ્યું કે, ટોરોન્ટો નજીક કેનેડાના બ્રેમ્પટનમાં હિંદુ સભા મંદિરમાં સોમવારે ખાલિસ્તાની ઝંડા લઈને કરવામાં આવેલી હિંસા અત્યંત ચિંતાજનક છે. વિદેશ મંત્રી એસ. જયશંકર આ દિવસોમાં ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાતે છે અને ત્યાંથી તેમણે આ નિવેદન આપ્યું છે. આ સિવાય સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં વિદેશ મંત્રીએ કેનેડામાં બનેલી ઘટના પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેણે લખ્યું કે, ‘હું કેનેડામાં હિંદુ મંદિર પર ઈરાદાપૂર્વકના હુમલાની સખત નિંદા કરું છું. આપણા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા જ ભયાનક છે. હિંસાના આવા કૃત્યો ભારતના સંકલ્પને ક્યારેય નબળો પાડી શકતા નથી. અમે આશા રાખીએ છીએ કે, કેનેડા સરકાર ન્યાય સુનિશ્ચિત કરશે અને કાયદો અને વ્યવસ્થા જાળવશે.’

ઉલ્લેખનીય છે કે, સોમવારે કેનેડામાં ભારતીય હાઇકમિશને બ્રેમ્પટનમાં હિંદુ સભા મંદિરમાં કોન્સ્યુલેટ કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પ દરમિયાન ખાલિસ્તાન સમર્થકોએ હાથમાં ખાલિસ્તાની ઝંડા લઈને વિરોધ કર્યો અને કેમ્પમાં હાજર ભારતીયો પર હુમલો કર્યો અને માર માર્યો હતો. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ખાલિસ્તાન સમર્થકો ભારતીયો પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટના બાદ કેનેડામાં રહેતા હિંદુઓ અને અન્ય લઘુમતીઓએ તેમની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કેનેડાના વિરોધ પક્ષના નેતાએ પણ આ ઘટનાની ટીકા કરી અને તેને અસ્વીકાર્ય ગણાવી. ત્યારે પીએમ જસ્ટિન ટ્રુડોએ પણ ઘટનાની નિંદા કરી અને દોષિતો સામે કાર્યવાહી કરવાની વાત કરી.

અગાઉ સોમવારે, ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, ‘ભારત ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓ દ્વારા આચરવામાં આવેલી હિંસાની નિંદા કરે છે અને અપેક્ષા રાખે છે કે, હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. અમે કેનેડા સરકારને આહ્વાન કરીએ છીએ કે તે સુનિશ્ચિત કરે કે તમામ પૂજા સ્થાનો આવા હુમલાઓથી સુરક્ષિત છે.’