વિદેશ મંત્રીએ UNની બેઠકમાં કહ્યુ – માનવ અધિકાર લોકતાંત્રિક સિદ્ધાંતોનો ભાગ છે
જિનિવાઃ સ્વિત્ઝરલેન્ડના જિનિવામાં સોમવારથી સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનું સત્ર શરૂ થયું છે. માનવ અધિકાર પરિષદનું આ 55મું સત્ર છે, જે સૌથી લાંબુ હશે અને એપ્રિલ સુધી ચાલશે. આ બેઠકના પ્રથમ દિવસે ભારતીય વિદેશ મંત્રીએ માનવ અધિકાર પરિષદની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળને સંપૂર્ણ સહયોગનું વચન આપ્યું હતું અને કહ્યું હતું કે, ભારત માનવાધિકારની સુરક્ષા માટે કામ કરવાનું ચાલુ રાખશે.
‘માનવ અધિકારો લોકતાંત્રિક સિદ્ધાંતો અને બહુલવાદમાં સામેલ’
વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના સંદેશમાં કહ્યુ હતુ કે, ‘હું ખાતરી આપું છું કે, અમારું પ્રતિનિધિમંડળ અને હાઈ કમિશનર તમને સંપૂર્ણ સમર્થન અને સહકાર આપે. ભારત માનવ અધિકારોના રક્ષણ અને પ્રોત્સાહન માટે કાઉન્સિલના સભ્યો સાથે કામ કરવાનું ચાલુ રાખશે. માનવ અધિકાર ભારતના લોકશાહી સિદ્ધાંતો અને વૈવિધ્યસભર વિચારસરણીમાં ઊંડે ઊંડે જડિત છે.’
‘પ્રણાલીગત ખામીઓને દૂર કરવાનો સમય આવી ગયો છે’
વિદેશ મંત્રીએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા માનવ અધિકાર પરિષદના 55મા સત્રને પણ સંબોધિત કર્યું છે. તેમણે કહ્યુ કે, ‘જૂની થઈ ગયેલી રચનાઓમાં સુધારો કરવાનો, પ્રણાલીગત ખામીઓને સુધારવાનો અને તાકીદે બહુપક્ષીય માળખું બનાવવાનો સમય આવી ગયો છે, જે વર્તમાન વૈશ્વિક વાસ્તવિકતાઓને બતાવે કરે છે. ભૌગોલિક રાજકીય પડકારોના સ્થાયી ઉકેલો શોધવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને તેનાથી આગળ સાથે મળીને કામ કરવું એ અમારા સામુહિક હિતમાં છે અને અમારી જવાબદારી પણ છે. આ કરવા માટે આપણે સૌપ્રથમ બહુપક્ષીયવાદને વિશ્વસનીય, અસરકારક અને જવાબદાર બનાવવા માટેની સમજણ જરૂરી છે. હવે જૂના માળખાને સુધારવાનો અને પ્રણાલીગત ખામીઓને સુધારવાનો સમય છે.’
47 સભ્યો ધરાવતી માનવ અધિકાર પરિષદની રચના વર્ષ 2006માં કરવામાં આવી હતી. ગાઝા યુદ્ધ, યુક્રેન યુદ્ધ અને સુદાનમાં ચાલી રહેલી હિંસા વચ્ચે આ વર્ષે યોજાઈ રહેલી માનવ અધિકાર પરિષદની બેઠક મહત્વપૂર્ણ છે. તેમાં રાજકીય, નાગરિક, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોની ચર્ચા કરવામાં આવશે. જેમાં સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ, સ્વતંત્ર નિષ્ણાતો, તપાસકર્તાઓ, વિવિધ દેશોના નેતાઓ અને નાગરિક સમાજ સંગઠનો સાથે જોડાયેલા લોકો સામેલ થશે.