November 25, 2024

સૈન્યના ઇતિહાસમાં પહેલી વાર 2 ક્લાસમેટ એકસાથે આર્મી અને નેવીનું નેતૃત્વ કરશે

Military History: દેશના સૈન્ય ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે, જ્યારે બે ક્લાસમેટ (લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને એડમિરલ દિનેશ ત્રિપાઠી) ભારતીય સેના અને નૌકાદળના વડા બનશે. બંનેએ મધ્યપ્રદેશના રીવા સ્થિત સૈનિક સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું હતું. ઉપેન્દ્ર દ્વિવેદી ધોરણ 5-Aથી શાળામાં સાથે હતા. આ 1970 ના દાયકાની શરૂઆતની વાત છે. ખાસ વાત એ છે કે બંને અધિકારીઓના રોલ નંબર એકબીજાની નજીક હતા. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીનો રોલ નંબર 931 હતો અને એડમિરલ ત્રિપાઠીનો 938 હતો.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, દ્વિવેદી અને ત્રિપાઠી વચ્ચેનું બોન્ડિંગ સ્કૂલના શરૂઆતના દિવસોથી જ મજબૂત હતું. આ પછી, અલગ-અલગ સેનામાં હોવા છતાં, બંને હંમેશા સંપર્કમાં રહ્યા. આ બંને અધિકારીઓને ઓળખતા એક સંરક્ષણ અધિકારીએ કેટલીક વધુ માહિતી આપી. તેમણે કહ્યું કે સેનામાં વરિષ્ઠ નેતૃત્વ વચ્ચેની મિત્રતા સેવાઓ વચ્ચેના કાર્યકારી સંબંધોને મજબૂત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

2 મહિનાના ગાળામાં લગભગ એક જ સમયે એપોઇન્ટમેન્ટ
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા એ ભારત ભૂષણ બાબુએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તાલીમ આપવી એ એક દુર્લભ સન્માન છે.” લગભગ 50 વર્ષ પછી બંને પોતપોતાની સેવાઓનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. આનો શ્રેય મધ્યપ્રદેશના રીવાની સૈનિક સ્કૂલને જાય છે. એ પણ રસપ્રદ છે કે બંને ક્લાસમેટ્સની એપોઇન્ટમેન્ટ પણ લગભગ 2 મહિનાના ગેપ સાથે એક જ સમયે થઈ રહી છે. એડમિરલે 1 મેના રોજ ભારતીય નૌકાદળની કમાન સંભાળી હતી. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી 30 જૂને તેમની નવી નિમણૂક ગ્રહણ કરવાના છે.

નોંધનીય છે કે, લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી નો નોર્ધન આર્મી કમાન્ડર તરીકે લાંબો કાર્યકાળ રહ્યો છે. અહીં તેમને પૂર્વ લદ્દાખમાં LAC પર સૈન્ય અવરોધ દરમિયાન ચાલી રહેલા ઓપરેશનનો લાંબો અનુભવ પણ મળ્યો છે. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનો જન્મ 1 જુલાઈ 1964ના રોજ થયો હતો. 15 ડિસેમ્બર 1984ના રોજ તેઓ ભારતીય સેનાની જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સમાં નિયુક્ત થયા હતા.