લોકગાયિકા Rajal Barot કરી સગાઈ, ફોટો-વીડિયો વાયરલ
અમદાવાદઃ ગુજરાતના જાણીતા લોકગાયિકા રાજલ બારોટની સગાઈ થઈ ચૂકી છે. ત્રણ બહેનોનાં લગ્ન કરાવીને રાજલ બારોટે પિતાધર્મ નિભાવ્યો હતો. ત્યારે હવે રાજલ બારોટે પણ સગાઈ કરી લીધી છે. રાજલ બારોટની સગાઈની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
કોણ છે રાજલ બારોટ?
ગુજરાતનો આ પ્રખ્યાત ગાયક પરિવાર પાટણનો છે. રાજલ બારોટ જાણીતા લોકગાયક મણિરાજ બારોટની દીકરી છે. મણિરાજ બારોટને સંતાનમાં ચાર દીકરીઓ છે. તેમના પત્નીના નિધન બાદ તેમની ચારેય દીકરીઓ પિતા સાથે સુખેથી રહેતી હતી. પિતા તરફથી ચારેય દીકરીઓને સંગીતનો વારસો ભેટમાં મળ્યો છે.
2006માં પિતા મણિરાજનું અવસાન થતાં પરિવાર પર આભ તૂટ્યું
ગાયિકા રાજલ બારોટ લોકગાયક મણિરાજ બારોટની દીકરી છે. વર્ષ 2006માં મણિરાજ બારોટનું અવસાન થતા તેમના સંતાન પર જાણે આભ તૂટી પડ્યું હતું. પિતાના મૃત્યુ બાદ 4 બહેન જ પરિવારમાં રહી હતી. ત્યારે કપરા સમયમાં પણ રાજલ બારોટે ઘરમાં ભલે કોઈ પુરુષ નહોતો છતાં સ્ત્રી થઈને પિતા અને ભાઈની જગ્યા લઈને ઘરની જવાબદારી સંભાળી હતી. પિતા ગાયક કલાકાર હોવાથી પિતાના ગુણ રાજલમાં આવ્યા હતા. રાજલે નાના-મોટા શો શરૂ કર્યા અને ત્યાર બાદ ગરબા-ડાયરા જેવા કાર્યક્રમ પણ શરૂ કર્યા અને આજે એક પ્રખ્યાત ગાયિકા બની ગઈ છે.
રાજલે દુઃખ વેઠીને બહેનોને સુખ આપવા સંઘર્ષ કર્યો
રાજલ બારોટે સંઘર્ષકાળ દરમિયાન આવી પડેલી મુશ્કેલીઓને એકપણ બહેન સુધી આવવા દીધી નહોતી. નાનપણથી જ મોટી બહેન હોવા છતાં ભાઈ તરીકે ત્રણેય બહેનોને સંભાળી હતી. ત્રણેય બહેનોની જરૂરિયાત પૂર્ણ કરી હતી. ત્રણેય બહેનોને પણ રાજલ બારોટને કારણે ભાઈની ખોટ વર્તાતી નહોતી. જે પ્રમાણે ભાઈ પાસે બહેન સલામત, સુરક્ષિત રહે છે એ પ્રમાણે જ રાજલ સાથે પણ બહેનો આ રીતે જ સુરક્ષિત રહે છે. 2 વર્ષ અગાઉ જ રાજલે મોટી બહેનના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. નાની બહેનોના અભ્યાસની જવાબદારી પણ રાજલ પર છે, જે કોઈપણ પ્રકારની કમી રાખ્યા વિના પૂરી કરે છે.
રક્ષાબંધનમાં બહેનોને બાંધે છે રાખડી
રક્ષાબંધનમાં બહેન ભાઈના ઘરે જઈને રાખડી બાંધે છે, જ્યારે રાજલ અને તેમની 3 બહેન ઘરે એકબીજાને રાખડી બાંધે છે અને એકબીજા પાસેથી હંમેશાં સાથે અને સંપીને રહેવાનું વચન માગે છે. જીવનમાં કેવી પણ પરિસ્થિતિ આવે, એકબીજાની પડખે ઊભા રહીને મદદ કરવાનું એકબીજાને વચન આપે છે.