દેશના સૌથી પ્રદૂષિત પાંચ શહેર… દિલ્હી પહેલા ક્રમે તો જિલ્લા ગાઝિયાબાદ બીજા નંબરે

દિલ્હીઃ રાજધાની દિલ્હી અને એનસીઆરના લોકો દેશમાં સૌથી વધુ પ્રદૂષણનો સામનો કરવા મજબૂર બન્યાં છે. દેશના પાંચ શહેરોની હવાની ગુણવત્તા રવિવારે ખૂબ જ ખરાબ રહી હતી અને તેમાંથી ચાર શહેરો દિલ્હી-એનસીઆરમાં છે. દેશની સૌથી ખરાબ હવા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હતી, જ્યાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 356 નોંધાયો હતો. તહેવાર પહેલા જ હવાનું પ્રદૂષણ ખૂબ વધી જવાથી દિવાળી સુધીમાં તે ગંભીર શ્રેણીમાં પહોંચી જશે તેવી આશંકા છે.
ગાઝિયાબાદ દિલ્હી પછી બીજું સૌથી પ્રદૂષિત શહેર હતું, જ્યાં AQI 324 પર પહોંચ્યો હતો. ગ્રેટર નોઈડા 312ના AQI સાથે દેશમાં ત્રીજા ક્રમે અને નોઈડા 304 સાથે પાંચમા ક્રમે છે. NCRના અન્ય શહેરોમાં ગુરુગ્રામમાં AQI 239 હતો, જ્યારે ફરીદાબાદમાં 208 હતો. દિલ્હી-એનસીઆર સિવાય, સમગ્ર દેશમાં અમૃતસર એકમાત્ર શહેર હતું જ્યાં હવા ખૂબ જ નબળી શ્રેણીમાં હતી અને AQI 310 નોંધાયો હતો.