December 28, 2024

લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ગાબડું, ઉમરગામ નગરપાલિકા ભાજપમય બની

ઉમરગામ: લોકસભાની ચૂંટણીને લઇને દરેક પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે હવે ચૂંટણી પહેલા જ ઉમરગામ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. ઉમરગામ નગરપાલિકા ભાજપમય બની ગઇ છે. નાણાં મંત્રી કનુ ભાઈ દેસાઇની હાજરીમાં કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો છે.

મળતી માહિતી અનુસાર ઉમરગામ નગરપાલિકા ભાજપમય બની ગઇ છે. નાણાં મંત્રી કનુ ભાઈ દેસાઇની હાજરીમાં કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો છે. ઉમરગામ નગરપાલિકાના કોંગ્રેસના પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. તેમજ આશરે 200 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હોવાની વાત સામે આવી છે. વધુમાં તમને જણાવી દઇએ કે,
વોર્ડ નંબર 3 અને 6 ના મળી પાંચ રનિંગ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમણ પાટકર સહીત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ જ લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહ પ્રધાન અમિત શાહ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સહિતના નામોની જાહેરાત કરવામાં આવી છે.  જેમા 28 મહિલા આગેવાનોને પણ ટિકિટ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ 51, બંગાળ 20, મધ્યપ્રદેશ 24, ગુજરાત 15, રાજસ્થાન 15, કેરલ 12, તેલંગાના નવ, આસામ 11, ઝારખંડ અને છત્તીસગઢ 11, દિલ્હી પાંચ સહિત 195 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.