January 19, 2025

અમદાવાદથી અયોધ્યાની પહેલી ઉડાન…

અમદાવાદ :  રામનગરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઇને સમગ્ર દેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, બીજી બાજુ દેશ-વિદેશમાં રહેતા ભારતીયો રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઇને આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શરુ થનારી આ ઉજવણીમાં હાજરી આપવા માટે લોક તૈયારી શરુ કરી દીધી છે. એક અહેવાલ પ્રમાણે અમદાવાદથી અયોધ્યા માટેની પ્રથમ ફ્લાઇટ આજથી શરૂ કરવામાં આવી છે. અયોધ્યા રામ મંદિર જવા માટે અમદાવાદ એરપોર્ટથી પહેલી ફ્લાઇટ આજે રવાના થઇ છે, નવાઇની વાત તો એ છે કે આ મુસાફરો ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના વેશમાં એરપોર્ટ પહોંચ્યા હતા. અયોધ્યા જવા માટે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ અમદાવાદથી મંગળવાર, ગુરુવાર અને શનિવારે સવારે ઉડાન ભરશે.

કેટલાક વીવીઆઈપી લોકોને જ આમંત્રણ
૨૨ જાન્યુઆરીએ 11,000થી વધુ વીઆઇપી મહેમાનો અયોધ્યામાં હાજરી આપશે તેવી સંભાવના છે. નોંધનીય છે કે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન છે. 22 જાન્યુઆરીએ કરોડો રામ ભક્તો રામલલાના પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ થવા માટે અયોધ્યા પહોંચવા માંગે છે. જો કે, શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને માત્ર કેટલાક વીવીઆઈપી લોકોને જ આમંત્રણ મોકલવામાં આવ્યા છે પરંતુ 22 જાન્યુઆરી પછી તમામ રામ ભક્તો અયોધ્યા જઈ શકશે. નોંઘનીય છે કેટલાક રામ ભક્તો હજારો કિલોમીટર ચાલીને અયોધ્યા પહોંચી રહ્યા છે તો કેટલાક ખાસ ભેટ લઈને અયોધ્યા પહોંચી રહ્યા છે. મળતી માહિતી મુજબ 22 જાન્યુઆરીએ 11,000 થી વધુ VIP મહેમાનો રામ નગરી પહોંચે તેવી શક્યતા છે. રાજનિતિથી લઇને રમતગમતના દિગ્ગજ હસ્તીઓને અયોધ્યા રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને  વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમાર અને રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું હતું. આમંત્રણ મળવા પર ખુશી વ્યક્ત કરતા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, આ સૌભાગ્યની વાત છે કે મને આ ભવ્ય આયોજનમાં અયોધ્યા હાજર રહેવાનું આમંત્રણ મળ્યું છે. વધુમાં કહ્યું કે આ દેશની ગરિમા અને પવિત્રતાની સ્થાપનાનો આ અવસર છે. ભાગવતે વધુમાં કહ્યું કે એવું લાગે છે કે મેં કોઈ જન્મમાં સારા કાર્યો કર્યા હશે, તેથી મને આ તક મળી છે. હું 22 જાન્યુઆરીએ અયોધ્યામાં હાજર રહીશ. બીજી બાજુ સોનિયા ગાંધી સહિત ઘણા નેતાઓએ આમંત્રણને ફગાવી દીધું હતું, કોંગ્રેસના કેટલાક નેતાઓએ આ કાર્યક્રમથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ CPM, શિવસેના (UBIT) સહિત ઘણા વિપક્ષી નેતાઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે.