November 8, 2024

ભારતીય સૈનિકોના પહેલા જથ્થાએ માલદીવ છોડ્યું

અમદાવાદ: માલદીવમાં તૈનાત ભારતીય સૈન્ય કર્મચારીઓનો પહેલો જથ્થો ભારત આવવા માટે રવાના થઈ ગયો છે. માલદીવ મીડિયાના જણાવ્યા અનુસાર સૈનિકોએ દેશ છોડી દીધું છે. માલદીવ રાષ્ટ્રીય રક્ષા દળ (MNDF)ના એક અધિકારીએ જણાવ્યું છે કે, અડ્ડુ શહેરમાં તૈનાત લગભગ 25 ભારતીય સૈનિકો ભારત આવવા માટે નિકળી ગયા છે. ભારતીય સૈન્ય ટુકડીઓએ 10 માર્ચ પહેલા દેશ છોડી દીધો છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે માલદીવમાં રહેલા બીજા ભારતીય સૈનિકો 10 મે સુધીમાં દેશ છોડીને ભારત આવી જશે. મહત્વનું છેકે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને ચીન તરફી નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, 10 મે પછી કોઈપણ ભારતીય સૈન્ય કર્મચારી સાદા કપડામાં પણ તેમના દેશની અંદર હાજર રહેશે નહીં.

મહત્વનું છે કે, મોહમ્મદ મુઈઝુ ‘ઈન્ડિયા આઉટ’ નો પ્રચાર કરીને રાષ્ટ્રપતિ બન્યા છે. આ ઉપરાંત તેમણે વર્ષોથી ચાલી આવતી પરંપરાને તોડીને રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારતની જગ્યાએ ચીનની મુલાકાત લીધી હતી. જે પરથી તેમનો ચીન તરફનો ઝુકાવ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

વિદેશ મંત્રાલયે શું કહ્યું?
2 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક બાદ માલદીવના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ભારત 10 મે સુધીમાં માલદીવમાં ત્રણ એવિએશન પ્લેટફોર્મનું સંચાલન કરતા તેના સૈન્ય કર્મચારીઓને ભારત મોકલી આપશે. આ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો 10 માર્ચથી શરૂ થશે. નોંધનીય છેકે, મુઈઝુ ગયા વર્ષે ભારત વિરોધી વલણ સાથે સત્તામાં આવ્યા હતા.

મહત્વનું છેકે, શપથ લીધાના કલાકોમાં જ તેમણે ભારતને હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક રીતે સ્થિત દ્વીપસમૂહ રાષ્ટ્રમાંથી તેના કર્મચારીઓને પાછા ખેંચવાની માંગ કરી હતી. ગયા અઠવાડિયે MNDFએ ચીની સેના સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ ડીલ હેઠળ ચીન માલદીવને વિનામૂલ્યે બિન-ઘાતક હથિયારોની સપ્લાય કરશે. માલદીવમાં ભારતીય પ્લેટફોર્મનું સંચાલન હવે સામાન્ય નાગરિકો કરશે. આ નાગરિક કર્મચારીઓ પહેલાની જેમ જ માલદીવમાં સહાય સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખશે.