November 23, 2024

રાજકોટમાં ગઢસૂંઢા રોગની ભીતિ, એક સાથે થયા 40થી વધુ પશુઓના મોત

ઋષિ દવે, રાજકોટ: રાજ્યમાં પશુપાલનમાં અગ્રેસર માનવામાં આવતા રાજકોટ જિલ્લાના પશુપાલન ઉદ્યોગની જાણે કે દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં થયેલા ભારે વરસાદમાં અનેક સ્થળોએ પૂરની સ્થિતિ ઊભી થઈ હતી જેમાં અનેક પશુઓના જીવ લેવાયા હતા. ત્યારે ફરી એકવાર રાજકોટના પશુપાલનને તેમાં પણ ખાસ કરીને જસદણ તાલુકાના પશુપાલન ઉદ્યોગ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જસદણના એક ગામમાં એક સાથે 40 જેટલા પશુધનના મોતથી અનેક શંકા-કુશંકાઓ સેવવામાં આવી રહી છે.

રાજકોટના જસદણ તાલુકાના રાજાવડલા ગામમાં અનેક પશુઓના મોત થયા છે. રાજાવડલા ગામના સરપંચ સહિતના આગેવાનોએ દાવો કર્યો છે કે 40 જેટલા પશુઓના મોત તેમના ગામમાં થયા છે. પશુઓમાં કોઈ રોગ આવી ગયો છે જેથી આ પશુઓના મોત થઈ રહ્યા છે. આ વાતની રજૂઆત જિલ્લા પશુપાલન વિભાગના અધિકારીને પણ કરાઈ હતી.

ત્યારબાદ જસદણ તાલુકાના પશુપાલન વિભાગના અધિકારીઓ રાજાવડલા ગામ પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ ગઢસુંઢા નામના રોગથી પશુઓના મોત થયું હોવાની પશુપાલન વિભાગના અધિકારીઓએ આ શંકા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: હમાસના લશ્કરી ચીફ મોહમ્મદ ડેફ ઠાર, ઈઝરાયલ હુમલાનો હતો માસ્ટરમાઈન્ડ

ગઢસૂંઢા રોગની આશંકાએ અન્ય પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. આ રોગ સામાન્ય રીતે ચોમાસામાં પશુઓમાં જોવા મળતો હોય છે. રાજાવડલા ગામની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પશુઓમાં આ રોગ ફેલાય રહ્યો છે. જસદણ પશુપાલન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રસીકરણ કરવામાં આવ્યું હતું. પશુપાલકોએ દાવો કર્યો હતો કે આ રોગ લાગુ પડતા થોડા સમયમાં જ પશુઓના મોત થાય છે.