January 15, 2025

પાલનપુર બાયપાસ માટે 100 મીટરની જમીન માંગતા ખેડૂતોએ કર્યો વિરોધ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: પાલનપુર ફરતે 24 કિલોમીટર બનાવવામાં આવી રહેલા બાયપાસ રોડનો વિરોધ થઈ રહ્યો છે. આજે મોરિયા ગામના ખેડૂતોએ બાયપાસનો વિરોધ કર્યો હતો. બાયપાસ માટે 30 મીટર જગ્યાની જરૂરિયાત છે. પરંતુ, સરકાર ખેડૂતો પાસેથી 70 થી 100 મીટર જગ્યા લઈ રહી છે. ત્યારે, અનેક એવા ખેડૂતો છે જેમના આખા ખેતર આ બાયપાસમાં જતા રહે છે અને અનેક ખેડૂતો નોંધારા બની જાય છે. જેને લઈને બે દિવસ અગાઉ ખોડલા ગામના ખેડૂતોએ બાયપાસનો વિરોધ કર્યો હતો અને કામ અટકાવી દીધું હતું. ત્યારે, આજે પાલનપુર તાલુકાના મોરિયા ગામના ખેડૂતોએ બાયપાસનો વિરોધ કર્યો છે.

પાલનપુરની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકાર દ્વારા પાલનપુર ફરતે બાયપાસ મંજૂર કરાયો છે. 24 કિલોમીટરના આ બાયપાસમાં 300 જેટલા ખેડૂતોની જમીન કપાતમાં જાય છે અને આમાં એવા ખેડૂતો છે કે જેમની આખે આખી જમીન બાયપાસમાં જતી રહે છે. તેમના ઘર અને તેમની ખેતીની જગ્યા પણ જતી રહે છે. ત્યારે, એક તરફ સરકાર તો ઓછું વળતર આપી રહી છે, પરંતુ બીજી તરફ આ ખેડૂતો નોંધારા બની રહ્યા છે. જોકે, આજે મોરિયા ગામના ખેડૂતોએ એકઠા થઈ અને બાયપાસની કામ કરનારી કંપની દ્વારા જે ખુંટા માર્યા હતા તેને ઉખાડી દીધા હતા.

ગ્રામજનોએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે બાયપાસ માટે 30 મીટર જગ્યાની જરૂરિયાત છે તો ખેડૂતો 30 મીટર જગ્યા આપવા તૈયાર છે. પરંતુ, 100 મીટર ખેડૂતો જગ્યા નહીં આપે. ત્યારે અગાઉ બે દિવસ પહેલાં પણ ખોડલા ગામના ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને આજે મોરિયા ગામના ખેડૂતોએ પણ બાયપાસમાં જનારી વધુ જગ્યાનો વિરોધ નોંધાયો છે. જોકે, બાયપાસનો વિરોધ વધતો જાય છે ખેડૂતોની માગણી છે કે વિકાસ થવો જોઈએ રોડ બનવો જોઈએ પરંતુ તેના માટે જરૂરિયાત પૂરતી જગ્યા ખેડૂતો આપશે.