January 16, 2025

પીળું સોનું (ખારેક)ની ખેતીમાં વાર્ષિક લગભગ રૂ.2 કરોડની કમાણી કરતા ધ્રાંગધ્રાના ખેડૂત

સુરેન્‍દ્રનગર: ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી દેશની અર્થવ્યવસ્થામાં ખેતી ક્ષેત્રનું પ્રદાન અગત્યનું છે. દેશમાં નાના અને સીમાંત ખેડૂતો પાસે ખેતીના આધુનિક સાધનો, ખાતર, પિયત અને બિયારણની વ્યવસ્થા મર્યાદિત છે. જેને ધ્યાને લઈ આ ખેડૂતોની આવક વધે અને કૃષિ વધુ વળતરદાયી બને તે માટે સરકાર દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ લઇ આજે ખેડૂતો આર્થિક સમૃદ્ધિની દિશામાં આગળ વધી રહ્યા છે. ઔદ્યોગિક અને ખેતી ક્ષેત્રે પછાત ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાની હવે નર્મદાના નીર આવવાથી કૃષિ ક્ષેત્રે વિકસિત જિલ્લા તરીકે ગણના થવા લાગી છે. જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અર્ધ સુક્કા વિસ્તારની છે. તેમ છતાં આજે જિલ્લામાં બાગાયત ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિ થઈ રહી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે ફળપાકનો વાવેતર વિસ્તાર વધી રહ્યો છે. જિલ્લામાં મુખ્યત્વે લીંબુ, દાડમ, જામફળ, બોર જેવા ફળપાકોનું વાવેતર થાય છે. પરંતુ આજે જિલ્લાના ખેડૂતો તેમની આવડતથી અંજીર, કમલમ, દ્રાક્ષ અને ખારેકનું પણ વાવેતર કરતા થયા છે. આજે આવા જ એક ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂતશ્રી ઘનશ્યામભાઈ પટેલની વાત કરવાની છે, જેઓ પીળું સોનું (ખારેક)ની ખેતીમાં મબલખ કમાણી કરી અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે.

ખારેકની ખેતી વિશે માહિતી આપતા ઘનશ્યામભાઈ પટેલ સહર્ષ જણાવે છે કે, આજથી લગભગ 20 વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં ખારેકની ખેતીની વાત દીવાસ્વપ્ન જણાતી હતી. ખારેક માત્ર કચ્છ જિલ્લામાં જ થાય છે આવી દ્રઢ માન્યતા વચ્ચે મેં ધ્રાંગધ્રામાં ખારેકનું વાવેતર કર્યું હતું. અથાગ પરિશ્રમ અને દ્રઢ સંકલ્પે કચ્છ જેવી જ ખારેકનું ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થાય છે એ મેં સાબિત કરી બતાવ્યું છે. 20 વર્ષ પહેલા ખેતરમાં ડ્રીપ સિસ્ટમ થકી ખેતી અને તાર ફેન્સીંગ સાથે ખેતીની શરૂઆત કરી હતી. અંદાજે 100 વીઘા જેટલી જમીનમાં 2500 જેટલાં દેશી ખારેકના રોપા, 350 ઇઝરાયેલ ખારેકના રોપા, 70 કેસર કેરી અને 270 જેટલાં લીંબુના રોપાનું વાવેતર કર્યું છે. ગાય આધારિત ખેતી વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી ખેતરમાં યુરિયા, ડીએપી જેવા એક પણ જાતના રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વિના હું ખેતી કરી રહ્યો છું. મારી પાસે પોતાની ગૌશાળા છે. જેમાં ૨૫ થી ૩૦ જેટલી દેશી ગાયો છે. આ ગાયોના છાણ-ગૌમૂત્રનો હું ખેતીમાં ઉપયોગ કરી રહ્યો છું. ખેતરમાં પાંચ પાણીનાં બોર આવેલા છે. દરેક બોર પર હજાર લીટરની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટાંકી થકી ખેતરમાં ડ્રિપ દ્વારા ગૌમૂત્ર, જીવામૃત, બેક્ટેરિયા આપવામાં આવે છે. આમ ગાય આધારિત ખેતીમાં ખર્ચ નહિવત થાય છે અને ઉત્પાદન પણ સારામાં-સારું મળે છે. દરેક ખેડૂત મિત્રોને અનુરોધ કરતા તેમણે ઉમેર્યું હતું કે, દરેક ખેડૂત મિત્રોએ રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત ખેતી અપનાવી જોઈએ. જેથી લોકોને ઝેરમુક્ત ખોરાક અને સારૂ સ્વાસ્થ્ય મળી રહે.

ખારેકના ઉત્પાદન અને વેચાણ પર એક નજર
ખારેકના ઉત્પાદન અને વેચાણ વિશેની વાત કરતા ઘનશ્યામભાઈ ઉમેરે છે કે, છેલ્લા ૧૪-૧૫ વર્ષથી ખારેકનું ઉત્પાદન ચાલુ છે. પ્લાન્ટ દીઠ આશરે ૧૦૦ થી ૧૨૫ કિ.ગ્રા. ખારેકનું ઉત્પાદન થાય છે. અંદાજે વાર્ષિક રૂ.૧.૫૦ કરોડથી ૨ કરોડની વચ્ચે આવક રહે છે. ઘનશ્યામભાઈ ધ્રાંગધ્રા નીલકંઠ ફાર્મ ખાતેથી શક્તિ ડેટ્સ નામથી પોતાની ખારેકનું વેચાણ કરે છે. ઘનશ્યામભાઈએ એપલ, ગોલ્ડ, ડાયમંડ જેવા ગ્રેડોમાં પોતાની ખારેકનું વર્ગીકરણ કર્યું છે. જેમાં ડાયમંડ ગ્રેડની ખારેક આશરે રૂ.160-200, ગોલ્ડ ગ્રેડની ખારેક રૂ.100-150 અને એપલ ગ્રેડની ખારેકનું આશરે રૂ.100-125 રૂપિયે કિલોગ્રામનું વેચાણ કરે છે. ખારેકનું મુખ્યત્વે બેંગલોર, ચેન્નાઇ, હૈદરાબાદ, મુંબઈ, કલકત્તા જેવા શહેરોમાં ઓર્ડર પ્રમાણે ફ્લાઈટ મારફતે વેચાણ કરે છે. જ્યારે આજુબાજુના ગામડાઓમાં અને સૌરાષ્ટ્રમાં પણ પોતાની ખારેકનું વેચાણ કરે છે. ઘનશ્યામભાઈએ પોતાની ખારેકના વધુ વેચાણ માટે ધ્રાંગધ્રા શહેરમાં બાય પાસ રોડ પર પોતાનું એક વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે. જ્યાંથી પણ મોટી સંખ્યામાં લોકો ખારેક લઈ જાય છે. વર્ષ 2020-21માં ઘનશ્યામભાઈ Gujarat organic product certification agency (GOPCA)નું સર્ટિફિકેટ મેળવી ચૂક્યા છે. આ ઉપરાંત ઘનશ્યામભાઈ આત્મા કચેરી દ્વારા બેસ્ટ ફાર્મર એવોર્ડ, બેસ્ટ ઇનોવેશન એવોર્ડ સહિતના વિવિધ એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. ઝાલાવાડ એગ્રીકલ્ચર ફાર્મર પ્રોડ્યુસર કંપની (FPO)ના ડાયરેક્ટર તરીકે પણ સેવા આપી રહ્યા છે.

ખારેકની પરાગરજનું વેચાણ
ખારેકનો પાક દ્વિગૃહી હોવાથી નર અને માદા ફૂલો અલગ-અલગ ઝાડ પર જોવા મળે છે. તેથી તેમાં કુદરતી પરાગનયનનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. સારું ઉત્પાદન મેળવવા માટે માદા ફૂલોનું કૃત્રિમ પરાગનયન કરવું અતિ આવશ્યક છે. ઘનશ્યામભાઈ ખારેકની પરાગરજનું વેચાણ પણ કરે છે. તેઓ ખારેકની પરાગરજનું ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ વેચાણ કરે છે. નીલકંઠ ફાર્મ ખાતેથી 11 હજાર રૂપિયે કિલોગ્રામ પરાગરજનું વેચાણ થાય છે. માત્ર પરાગરજમાંથી ઘનશ્યામભાઈ વાર્ષિક રૂ.8 થી 10 લાખની કમાણી કરે છે. ખારેકની પરાગરજ ઉતારવાનું મશીન બનાવવા બદલ ઘનશ્યામભાઈને જિલ્લાના બેસ્ટ ઇનોવેશનનો એવોર્ડ પણ મળ્યો છે.

બાગાયત વિભાગની સહાય
રાજ્ય સરકારના બાગાયત વિભાગની વિવિધ સહાયકીય યોજનાઓ અન્વયે ઘનશ્યામભાઈ પટેલને ખાતાદીઠ એક હેક્ટરની મર્યાદામાં ૧૨૫ રોપાઓ માટે રોપા દીઠ રૂ.૧૨૫૦ની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત દર વર્ષે પેકિંગ મટીરીયલમાં પણ સહાયનો લાભ આપવામાં આવે છે.

જિલ્લા બાગાયત અધિકારીશ્રી સચિનભાઈના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે-દિવસે બાગાયતી ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. જિલ્લાના મુખ્ય બાગાયતી પાકો તરીકે ખેડૂતો ખારેક, દાડમનું વાવેતર કરી રહ્યા છે. સરકારશ્રીની વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભોથી પણ ખેડૂતો બાગાયતી ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે. તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓનો લાભ લઇ બાગાયતી ખેતી અપનાવવા જણાવ્યું હતું.