ખેડૂતો માટે આ સરકારી યોજના વરદાનરૂપ, ગોડાઉન બનાવવા મળે છે મોટી સબસીડી
અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતો ખેત ઉત્પાદનને લાંબા સમય સુધી સાચવી શકે તે માટે સરકાર સહાય કરે છે. ‘મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના’ હેઠળ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે સબસીડી આપવામાં આવે છે. રાજ્યના અનેક ખેડૂતો તેનો લાભ લઈ રહ્યા છે. આવો જાણીએ, રાજકોટના ગોંડલ તાલુકાના ખેડૂતો તેનો કેવી રીતે લાભ લે છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં લોકો ખેતી પર નિર્ભર છે. દર્શનભાઈ આવા જ એક ખેડૂત છે. તે ખેતી સારી કરે, પણ કમોસમી વરસાદના કિસ્સામાં પાક-સંગ્રહની સમસ્યા મોટી હતી. તેઓ જણાવે છે કે, ‘પાકનું ઉત્પાદન કરીએ ત્યારે ભાવ નહોતા, તે સમયે પાક સાચવવા માટેની વ્યવસ્થા ન હોવાથી પાક બગડી જતો.’ જો કે, હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના કારણે તેમની સમસ્યા ઉકેલાઈ છે. ખેતર પર ગોડાઉન બનાવવા માટે દર્શનભાઈને સરકાર તરફથી રુપિયા 75 હજારની સબસીડી મળી છે. જેનાથી તેમણે પાક-સંગ્રહ સ્ટ્રક્ચર બનાવ્યું છે. આ સ્ટ્રક્ચરની મદદથી તેઓ પોતાનો પાક લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે છે.
આ પણ વાંચોઃ ગુજરાતના અનેક વિસ્તારમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા
તેઓ વધુમાં જણાવે છે કે, ‘પહેલાં પાક ઉત્પાદન થાય એટલે તરત વેચવો પડતો, હવે એવું નથી. સરકાર તરફથી ગોડાઉનમાં સહાય મળેલી છે. તો અમે ગોડાઉનની અંદર માલ સાચવી શકીએ છીએ, જેથી કરીને માલ ખરાબ થતો નથી અને અમને ફાયદો પણ રહે છે. દરેક ખેડૂતે તેનો લાભ લેવો જોઈએ.’
એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે 22 ટકા ખેત-ઉત્પાદનનો યોગ્ય સંગ્રહના અભાવે વ્યય થાય છે. મનુષ્ય અને પ્રાણીઓ પાક ન બગાડે તેની ચિંતા પણ ખેડૂત માટે માથાનો દુખાવો બની રહે છે. પણ રાજકોટના પરા પીપળીયાના વિક્રમભાઈને આ માથાના દુખાવાથી રાહત મળી છે. તેઓ જણાવે છે કે, ‘રાજ્ય સરકારની યોજનાઓ છે તેમાં ગોડાઉન માટે 75 હજાર રુપિયા સબસીડી આપવામાં આવે છે તો એ ખરેખર લાભ લેવો જોઈએ. આ સિવાય પણ સરકારની ઘણી યોજનાઓ છે. જેમાં બિયારણ, રોટાવેટર, ટ્રેકટર, મોટર સહિતની ખરીદી માટે બહુ મોટી સબસિડી આપવામાં આવે છે.’
ખેડૂતોને ગોડાઉનના કારણે હવે નીચી કિંમતે ફરજિયાત પાક વેચવામાંથી મુક્તિ મળે છે અને તે ખેત-પેદાશ લાંબા સમય સુધી સંગ્રહ કરી સારો ભાવ મેળવી શકે છે. આમ, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના ખેડૂતો માટે ઉપકારક બની રહી છે.