December 22, 2024

ફૂલોની ખેતી કરતાં ખેડૂતોની દિવાળી બગડવાના એંધાણ, જાણો શું છે કારણ?

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: હાલમાં નવરાત્રી ચાલી રહી છે અને દિવાળીના તહેવાર હવે શરૂ થશે એટલે આ તહેવારોમાં ખાસ કરીને ફૂલોની જરૂર હોય છે. પરંતુ, અત્યારે જે ખેડૂતો ફૂલોની ખેતી કરી રહ્યા છે તેમને લાખોનું નુકસાન છે. એનું કારણ એ છે કે અમુક વેપારીઓએ ફૂલ સંગ્રહ કરી કોલ્ડસ્ટરેજમાં મૂક્યા હોવાના કારણે જે ફૂલ હાલ વેપારીઓ વેપાર કરી રહ્યા છે. ત્યારે નવા ફૂલ ખેડૂતોનાં આવે છે તેમને પૂરતો ભાવ મળતો નથી. ફૂલ ખરીદનાર લોકો ને ફુલહાર ચાર ગણા ભાવે મળી રહ્યા છે. જે ફાયદો વેપારીઓને છે. ત્યારે હાલ ખેડૂતો ફૂલોનાં ભાવ ન મળતા પરેશાન છે.

આ વર્ષે પાલનપુર તાલુકામાં ફૂલોની ખેતી કરનાર ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. કારણ કે ખેડૂતોને આ ફૂલોને બજારમાં કિલોના 15 રૂપિયા મળે છે. એટલે ખેડૂતોને 15 રૂપિયામાં ખેતીનો ખર્ચ પણ નીકળે તેમ નથી એક વીઘામાં ફૂલોની ખેતીમાં 40,000 જેટલો ખર્ચ થાય છે. ખેડૂતને ફૂલોની ખેતીમાં 40,000 ખર્ચ સામે એક લાખ રૂપિયાનું ઉત્પાદન થવાની આશા હોય છે. પરંતુ, ખેડૂતોને આશા ઠગારી નીવડી છે. કારણ કે, ગત વર્ષે ફૂલોના બજારમાં ખેડૂતોને ભાવ 65 રૂપિયા મળતા હતા.

જે આ વર્ષે ઘટીને 15 રૂપિયા થઈ ગયા છે. ફૂલોના વેપારીઓએ શ્રાદ્ધ પક્ષમાં નીચા ભાવે ફૂલ ખરીદી લીધા અને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધા અને તહેવારોમાં હવે એ જ ફુલ વેપારીઓ ગ્રાહકોને ચાર ઘણા ભાવે વેચી રહ્યા છે. કારણ કે, પંદર રૂપિયા કિલો ફૂલ ખરીદી અને હાર બનાવે છે અને એ હારમાં 200 ગ્રામ ફૂલ જાય અને 200 ગ્રામ ફૂલના હારના ગ્રાહક પાસેથી 100 રૂપિયા લેવાય છે એટલે કલ્પના કરી શકાય કે કેટલો નફો છે.

ફૂલોની ખેતી કરનાર ખેડૂતોને તો નુકસાન છે પરંતુ ગ્રાહકો તો આ ફૂલોના બેવડા રૂપિયા ચૂકવે છે એટલે કે ફૂલના વેપારીએ 15 રૂપિયા કિલોમાં ભૂલ ખરીદ્યા હોય અને એ જ ફૂલ ગ્રાહકને 100 અથવા 200 રૂપિયામાં મળે છે એટલે ગ્રાહકો ને પણ વધારે પૈસા વેપારીને ચૂકવવા પડી રહ્યા છે. બીજી તરફ ફૂલોના વેપારી કહી રહ્યા છે કે અત્યારે બજારમાં ફૂલના 40 થી 45 રૂપિયાના ભાવ છે પરંતુ જે પ્રમાણે ગ્રાહકોને આ ફૂલ 100 અથવા 200 રૂપિયામાં આપવામાં આવે છે તેના પરથી કલ્પના કરી શકાય કે ફૂલના ભાવ કેવા હશે જોકે ખેડૂતો પાસેથી નીચા ભાવે લઈ અને ગ્રાહકને ઊંચા ભાવે આપતા વેપારીઓ પણ ઓછા ભાવનું કડકળાટ કરી રહ્યા છે ત્યારે વેપારીઓની કાળા બજારીને કારણે ખેડૂતોને ગ્રાહકોને નુકસાન થઈ રહ્યું છે.