જંગલી મરધી બની ડાંગર વેરી, 3 વીંઘામાં બનાવેલ ડાંગરનો ઉભો પાક બરબાદ કરી નાખતા ખેડૂત ચિંતામાં

કિરણસિંહ ગોહિલ, ઓલપાડ: વાત કરીએ એક એવી મુસીબતની જે સાંભળી તમને પ્રથમ હસવું આવશે, પણ આ વાત સાચી છે. આપણને ભલે હસવું આવે પણ ખેડૂતને એ બાબત રડાવી રહી છે. શું છે એ વાત જુઓ અમારો વિશેષ અહેવાલ જંગલી મરઘાં બન્યા તાતના વેરી…
આમ તો સામાન્ય રીતે ખેડૂતનો ઉભો પાક ભૂંડ, નીલ ગાય કે પછી રખડતા ઢોરો બરબાદ કરી નાખવાની ફરિયાદ તમે સાંભળી હશે પણ અહીં તો ગજબની ફરિયાદ છે જગતના તાતની. એ ફરિયાદ પણ ખરેખર સાચી છે. ઓલપાડના સ્યાડલા ગામના ખેડૂત ખંડુભાઇ લાલજી પરમાર નાના ખેડૂત છે અને ગામ નજીક તેમની ત્રણ વીઘા જમીન આવી છે. આ જમીનની બાજુમાં ગામનું મોટું તળાવ આવેલું હોય એટલે આ જમીન અત્યંત ફદરૂપ છે. ખેડૂત દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાંગરની ખેતી કરી અને ત્રણ વીઘામાં ડાંગર પણ સારુ પાક્યું પણ છેલ્લા એક મહિનાથી ડાંગરનો ઉભો પાક રોજ તૂટેલી હાલતમાં જોવા મળે. પહેલા તો ખેડૂતને લાગ્યું કે ભૂંડ નુકશાન કરતું હશે. પણ એવું નહોતું. કેમકે ખેડૂતે બે માણસો પાક બચાવવાં ખેતરે બેસાડ્યા છતાં ડાંગર સવાર, બપોર, સાંજ તૂટેલી હાલતમાં એટલે કે જમીન દોસ્ત હાલતમાં જોવા મળે. ખેડૂતને સમજ ના પડી કે કેમ આવું થાય એટલે તેમણે પોતાના ખેતરમાં જાતે પહેરો શરૂ કર્યો અને જે દ્રશ્ય સામે આવ્યું એ ચોકાવનારું હતું. કેમકે નજીકમાં આવેલ તળાવમાં ઉગેલા જગલી વનસ્પતિ વચ્ચેથી જંગલી મરઘાંનું ઝુંડ ખેતરમાં આવતું અને ડાંગરના પાકને નુકશાન કરી ફરી તળાવમાં આ મરઘાં જતા રહેતા હતા.
સ્થાનિકો આ જંગલી મરઘાંને જળ પક્ષી તો કોઈ ચીની મરઘી તરીકે ઓળખે. ખેડૂત લાચાર બની આ નુકશાની જોવા સિવાય બીજો વિકલ્પ નહોતો. કેમ કે માણસની હાજરીથી આ જંગલી મરઘાં ઉડી તળાવમાં જતા રહેતા. આજે ખેડૂતનું ત્રણ વીંઘાનું ખેતરમાં છૂટો છવાયો ડાંગરનો પાક જોવા મળે છે. જે અને આવનાર સમયમાં આ પક્ષીઓ તોડી નાખશે. ત્યારે લાચાર ખેડૂત કહે વળતર પમ કોની પાસે માંગવું. આ જંગલી મરઘાંનો કોઈ ઈલાજ નથી. ત્યારે ખેડૂત કહે સરકારને દયા આવે તો અમને નુકશાનીનું વળતર આપે.
આમતો સામાન્ય રીતે કુદરતી આફત, ભૂંડ, નીલ ગાય કે પછી રખડતા ઢોરો દ્વારા નુકશાન થાય તો ગામનો તલાટી સર્વે કરી નુકશાની માટે તાલુકા વિકાસ અધિકારી અને ખેતી નિયામકને ફરિયાદ કરે પણ અહીં તો અલગ પ્રકારની આફત આવી છે. જગલી મરઘાં ડાંગરને આટલુ નુકશાન કરે તો ફરિયાદ કોને કરવી ત્યારે અમે ઓલપાડ મદદનીશ ખેતી અધિકારીનો સંપર્ક કર્યો અને ખેડૂતની વાત તેમના સુધી મૂકી તો તેઓ પણ ચોંકી ગયા. કેમ કે આખા ગુજરાતમાં આ પ્રથમ કિસ્સો હશે કે જગલી મરઘાં પાકને નુકશાન કરે. મદદનીશ ખેતી અધિકારીએ કહ્યું કે ખેતર નજીક તળાવ હોય અને તળાવની આસપાસ આવા પક્ષીઓની સંખ્યા વધુ હોય છે. એટલે તળાવ નજીક પાકને નુકશાન થાય. પણ જો ખેડૂતો સવાર અને સાંજ ખેતરમાં હાજરી આપે અને માણસની હાજરીથી આવા પક્ષી આવતા નથી.
સ્યાડલા ગામના ખેડૂત ખંડુભાઇ પરમાર કહે છે આવું અગાઉ બન્યું નથી આ વર્ષે જ આ પક્ષીઓ દ્વારા આટલુ નુકશાન કર્યું. માત્ર ડાંગરના દાળખાના કુળા ભાગને ખાવા કદાચ આ જંગલી મરઘાં આવું કરતા હશે. પણ મારું ત્રણ વીઘામાં બનાવેલ ડાંગરનો સંપૂર્ણ પાક બરબાદ કરી નાખ્યો છે. ખેડૂતોની દશા બેઠી છે. સારો પાક થાય ત્યારે કુદરતી આફત આવે, શરૂઆત કરીએ તો પાકમાં રોગ આવે અને આ બધી સમસ્યામાંથી નીકળી આ વર્ષ સારુ જશે એવું વિચારીએ ત્યારે આ વર્ષે જગલી મરઘાં આવ્યા. ભગવાન બચાવે આ જગતના તાતને…