July 4, 2024

અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી નકલી RTO એજન્ટની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી પોલીસે નકલી RTO એજન્ટની ધરપકડ કરી છે. આરોપી RTOની બનાવટી રસીદ બનાવીને ઠગાઈ આચરતો હતો. 20થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરતા ખોખરા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

પોલીસની કસ્ટડીમાં જોવા મળતો નકલી RTO એજન્ટ ગુલઝાર ઉર્ફે સમીર અન્સારી છે. જે બનાવટી મેમોની રસીદ બનાવીને લોકો સાથે ઠગાઈ કરતો હતો. આરોપી સમીર RTO એજન્ટ બનીને મેમો ભરવા આવેલા લોકોનો સંપર્ક કરતો હતો. અને રૂ 8 હજારનો મેમો 4 કે 5 હજારમાં ભરી આપવાની લાલચ આપીને છેતરપિંડી આચરતો હતો. ખોખરાના એક યુવક વસ્ત્રાલ RTOમાં મેમો ભરવા ગયો હતો. ત્યારે આરોપીએ ઓછી રકમનો મેમો ભરવાનું કહીને મોબાઇલમાં નકલી રસીદ બનાવી પ્રિન્ટ કાઢીને ભોગ બનનારને આપીને ઠગાઈ કરી હતી. આ પ્રકારે છેલ્લા 20 દિવસમાં આરોપીએ 20થી વધુ લોકો સાથે ઠગાઈ આચરી હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો: વઢવાણમાં 10 મહિના પહેલાં પુલ તૂટ્યો, હજુ સુધી ન બનતા 10 ગામના લોકોને 15 કિલોમીટરનો ધક્કો

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સમીર અન્સારીની ગુનાહિત ઇતિહાસ છે. અગાઉ પણ આરોપી વિરુદ્ધ નકલી એજન્ટ બનીને ઠગાઈ કરવાના 5 ગુના નોંધાયા છે. આરોપી વર્ષ 2015થી નકલી RTO એજન્ટ બનીને છેતરપિંડી આચરતો હતો. આરોપીની અગાઉ એક વખત પાસા પણ કરવામાં આવી હતી. જેલમાંથી છૂટ્યા બાદ તે ડ્રાઇવિંગ અને છૂટકમજુરી શરૂ કરી હતી. પરંતુ આર્થિક સંકડામણ થતા ફરી નકલી RTO બનીને લોકો સાથે છેતરપિંડી શરૂ કરી હતી.

ખોખરા પોલીસે નકલી RTO એજન્ટની ધરપકડ કરીને તેની પાસેથી ડુપ્લીકેટ રસીદો જપ્ત કરી છે. આ આરોપી સાથે અન્ય કોઈ વ્યક્તિની કે RTOના કર્મચારીઓની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.