September 21, 2024

સુરતમાં ફેક આધારકાર્ડનું કૌભાંડ; પોતાની સહી અને સિક્કા જોઈ કોર્પોરેટર પોતે ચોંકી ઉઠ્યા

અમિત રૂપાપરા, સુરત: ઓરિસ્સા સરકાર દ્વારા મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલ શુભદ્રા યોજનાનો લાભ અપાવવા સુરતના એજન્ટ દ્વારા અહીં રહેતી મહિલાઓના આઘાર કાર્ડમાં વતનના નામે અપડેટ કરવા સુરતના કોર્પોરેટરના નકલી સિક્કા તેમજ મનપાના નકલી સ્ટેમ્પ-શીલ બનાવવાના કૌભાંડનો સુરતની સિંગણપોર પોલીસે પર્દાફાશ કરી એજન્ટની ધરપકડ કરી છે. સિંગણપોર ખાતે આવેલ સી.એસ.સી.સેન્ટર પર છાપો મારી પોલીસે કોર્પોરેટરની બોગસ સહિવાળો સ્ટેમ્પ, મનપાના કાઉન્સિલરનો રાઉન્ડ શીલવાળો બોગસ સ્ટેમ્પ, કોર્પોરેટરની બોગસ સહી સિક્કાવાળા 27 ફોર્મ ઉપરાંત લેપટોપ, પ્રિન્ટર,બઓપ્ટિકલ ફિંગર મશીન સહિતની મત્તા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના વેડ રોડ પર આવેલ શાક માર્કેટ પાસે કંકાવટી કોમ્પલેક્ષની ઓફિસમાં વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર ચીમન પટેલ હાજર હતા, તે વેળાએ સુરતમાં ઓરિસ્સા સમાજના આગેવાન જયંત ગતાયત પોતાની સાથે કાનૂ પોલાઈ નામના વ્યક્તિને જોડે લઈને આવ્યા હતા. તેને આધારકાર્ડમાં અપડેટ માટેના ફોર્મ પર સહી સિક્કા કરી આપવા જણાવ્યું હતું. કાનું પોલાઈએ જણાવ્યું હતું કે, ઓરિસ્સામાં બનેલી નવી સરકારે મહિલાઓ માટે સુભદ્ર યોજના જાહેર કરી છે. જેમાં લાભ મેળવવા માટે મહિલાના સુરતના આધારકાર્ડમાં અપડેટ કરી વતનનું સરનામું સુધારવા માટે જરૂર હોવાનું જણાવતા કોર્પોરેટર ચીમન પટેલે આવી કોઈ ફોર્મમાં તેઓએ સહી સિક્કા કરી શકે નહીં તેવું જણાવ્યું હતું. જ્યારે કાનુ પોલાઈએ પોતાની પાસે રહેલા એક ફોર્મમાં તેમના જ સહી સિક્કા હોવાનું જણાવતા કોર્પોરેટર ચીમન પટેલ ચોકી ઉઠ્યા હતા.

આ પણ વાંચો: મલ્હાર ઠાકરની એક્ટિંગમાં જ ‘લોચા લાપસી’, દર્શકો થિયેટર છોડી ભાગ્યા

કાનું પોલાઈએ કોર્પોરેટર ચીમન પટેલને જણાવ્યું હતું કે, વેડ રોડ પર આવેલા કોમન સર્વિસ સેન્ટરનો હિમાંશુ સુરેન્દ્રનગર પ્રસાદ કુસ્વાહા આ સહી સિક્કાના આધારે આધાર કાર્ડમાં અપડેટેશન કરી આપે છે. જોકે કોર્પોરેટરે પોતે આવા કોઈ સીલ સાથેના સ્ટેમ્પ વાડા સિક્કા કે સહીવાળા ફોર્મ નહીં આપ્યા હોય તેવો સીધા સિંગણપોર પોલીસ મથકે પહોંચ્યા હતા. કોર્પોરેટરની ફરિયાદ બાદ સિંગણપોર પોલીસ દ્વારા વેડ રોડ ખાતે આવેલા કોમન સર્વિસ સેન્ટર પર છાપો મારવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે અહીં છાપો મારી કોર્પોરેટરની બોગસહી વાળો સ્ટેમ્પ, મનપાના કાઉન્સિલર નો રાઉન્ડ સીલ વાળો બોગસ સટેમ્પ, કોર્પોરેટરની બોગસ અહીં સિક્કા સાથેના 27 જેટલા ફોર્મ, લેપટોપ, પ્રિન્ટર અને ઓપ્ટિકલ ફિંગર મશીન મળી આવ્યા હતા. જે તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી હિમાંશુ કુસ્વાહે જાતે જ કોર્પોરેટરના નામના સહી સાથેના સ્ટેમ્પ અને સિક્કા બનાવ્યા હતા. જે આરોપી કોમન સર્વિસ સેન્ટર પર આવતા ગ્રાહકો પાસેથી 400 રૂપિયા વસૂલતો હતો. જે રૂપિયા લઇ જાતે જ ફોર્મ પર સહી સિક્કા મારી આધાર કાર્ડ અપડેટ કરી આપતો હતો. આરોપીએ હમણાં સુધી આ પ્રમાણે કેટલા લોકોને કોર્પોરેટરના બોગસ સહી સિક્કા અને પાલિકાના સ્ટેમ્પ સાથેના આધારકાર્ડના ફોર્મ અપડેટ કરી આપ્યા છે, તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ પોલીસે શરૂ કરી છે. વધુમાં આરોપી સાથે અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ એ જાણવા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જ્યાં રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં નવા ખુલાસા બહાર આવે તેવી શક્યતા રહેલી છે.