December 12, 2024

મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણ પહેલા ફડણવીસ અને અજિત પવાર દિલ્હી પ્રવાસ પર

Maharashtra Cabinet Expansion: મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણને લઈને હલચલ ચાલી રહી છે. જેને લઇને આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવાર દિલ્હીના પ્રવાસે છે. જોકે, શિવસેના પ્રમુખ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની દિલ્હી જવાની કોઈ યોજના નથી. આ દરમિયાન, બીજેપી નેતાએ કહ્યું કે કેબિનેટનું વિસ્તરણ 14 ડિસેમ્બરે થઈ શકે છે. મુખ્યમંત્રી કાર્યાલયે પીટીઆઈને જણાવ્યું કે ફડણવીસ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને મળશે.

શિંદેને ગૃહ મંત્રાલય નહીં મળે?
પીટીઆઈ સાથે વાત કરતા ભાજપના એક નેતાએ કહ્યું કે શિવસેનાને ગૃહ વિભાગ નહીં મળે અને મહેસૂલ વિભાગ પણ ફાળવવામાં આવે તેવી શક્યતા નથી. તેમણે સ્વીકાર્યું કે મહાગઠબંધનમાં ત્રણ પક્ષો – ભાજપ, શિવસેના અને એનસીપીની હાજરીને કારણે વાટાઘાટોમાં વિલંબ થઈ રહ્યો છે. જોકે, 14 ડિસેમ્બર સુધીમાં કેબિનેટ વિસ્તરણની શક્યતા છે. તેમણે કહ્યું કે શિવસેનાને ગૃહ મંત્રાલયનો ઇનકાર કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, ફડણવીસ પહેલા લગભગ અઢી વર્ષ સુધી સીએમ રહેલા એકનાથ શિંદેની સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમની સાથે ગૃહ મંત્રાલય સંભાળતા હતા. હવે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી અને શિંદે નાયબ મુખ્યમંત્રી છે. એવી અટકળો છે કે એકનાથ શિંદેની પાર્ટી ભાજપ પાસેથી ગૃહ મંત્રાલય માંગી રહી છે.

ભાજપમાંથી 21 થી 22 નેતાઓ મંત્રી બની શકે છે
નામ ન આપવાની શરતે, નેતાએ કહ્યું કે શિવસેનાને શહેરી વિકાસ ભલે મળે, પરંતુ રાજસ્વ મળવાની કોઈ શક્યતા નથી. તેમણે કહ્યું કે ભાજપના ક્વોટામાંથી 21 થી 22 મંત્રીઓ બનાવી શકાય છે. ચારથી પાંચ મંત્રી પદ ખાલી રાખવામાં આવી શકે છે. મહારાષ્ટ્ર કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ 43 મંત્રીઓ હોઈ શકે છે. 5 ડિસેમ્બરે દેવેન્દ્ર ફડણવીસે શિંદે અને NCP નેતા અજિત પવાર સાથે શપથ લીધા હતા. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને 288માંથી 230 બેઠકો મળી છે.