વિદેશ મંત્રાલયનો USને સણસણતો જવાબ, ‘CAA અમારો આંતરિક મામલો’
અમદાવાદ: ભારતીય નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) પર અમેરિકાની ટિપ્પણી પર ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, CAA ભારતનો આંતરિક મામલો છે. તેને લાગુ કરવા પર અમેરિકાએ નિવેદન આપ્યુ ખોટું અને અયોગ્ય છે.
મહત્વનું છેકે, 11 માર્ચના રોજ અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યૂ મિલરે કહ્યું હતું કે, નાગરિકતા સંશોધન અધિનિયમના લાગુ થવાને લઈ ચિંતિત છે. આ મામલા પર અમે નજર રાખી રહ્યા છીએ. ધાર્મિક સ્વતંત્રતાનું સમ્માન અને બધા સમુદાય માટે કાયદામાં સમાન વ્યવહાર મૌલિક લોકતાંત્રિક સિદ્ધાંત છે. જેના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાયલે કહ્યું છેકે, CAA એ ભારતનો આંતરિક મામલો છે.
ભારતે અમેરિકાના નિવેદનને અયોગ્ય ગણાવ્યું હતું
USના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 એ ભારતનો આંતરિક મામલો છે. તેના અમલીકરણ અંગે યુનાઇટેડ સ્ટેટ્સનું નિવેદન ખોટું, ખોટી માહિતીવાળું અને અયોગ્ય છે. વધુમાં કહ્યું કે, આ અધિનિયમ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના હિંદુ, શીખ, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયોને સુરક્ષિત આશ્રય આપે છે. જેઓ 31 ડિસેમ્બર, 2014 ના રોજ અથવા તે પહેલાં ભારતમાં આવ્યા હતા. CAA નાગરિકતા આપતો કાયદો છે. તે કોઈની નાગરિકતા છીનવી લેશે નહીં. CAA માનવીય ગૌરવ પ્રદાન કરીને માનવ અધિકારોનું સમર્થન કરે છે.
‘આ પગલાનું સ્વાગત કરવું જોઈએ’
રણધીર જયસ્વાલે કહ્યું કે, જ્યાં સુધી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના નિવેદનનો સવાલ છે. તો ભારતનું બંધારણ તેના તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાની ખાતરી આપે છે. લઘુમતીઓ પ્રત્યે કોઈપણ પ્રકારની ચિંતા કે વર્તનનો કોઈ આધાર નથી. જેમની પાસે ભારતની વિવિધતા ધરાવતી પરંપરાઓ અને પ્રદેશોના વિભાજન પછીના ઇતિહાસ વિશે મર્યાદિત સમજ છે. તેઓએ ભારતને વ્યાખ્યાન આપવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. ભારતના ભાગીદારો અને શુભેચ્છકોએ આ પગલાનું સ્વાગત કરી આવકારવું જોઈએ.