December 28, 2024

વિદેશ મંત્રી જયશંકરે ફરીથી સુરક્ષા પરિષદમાં સુધારા માટે ઉઠાવ્યો અવાજ

S Jaishankar: વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની હિમાયત કરી. ભારતીય વિદેશ મંત્રીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર ભૂતકાળનું કેદી છે. ગ્લોબલ સાઉથના દેશોને હવે અવગણી શકાય નહીં. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કાયમી શ્રેણીમાં આ દેશોનું યોગ્ય પ્રતિનિધિત્વ ખાસ કરીને જરૂરી છે.

એસ જયશંકરે જી-20ની બીજી વિદેશ મંત્રીઓની બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. જેની થીમ ‘એક ન્યાયી વિશ્વ અને ટકાઉ ગ્રહનું નિર્માણ’ હતી. જયશંકરે કહ્યું કે, વિશ્વ એક સ્માર્ટ, એકબીજા સાથે જોડાયેલા અને બહુધ્રુવીય ક્ષેત્રમાં વિકસિત થયું છે. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના બાદ તેના સભ્યોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. છતાં સંયુક્ત રાષ્ટ્ર ભૂતકાળનું કેદી છે.

યુએનની વિશ્વસનીયતા ઘટી રહી છે
તેમણે કહ્યું કે, પરિણામે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા જાળવવા માટે સંઘર્ષ કરી રહી હોય તેવું લાગે છે. જેના કારણે તેની અસરકારકતા અને વિશ્વસનીયતા ઘટી રહી છે. બુધવારે યુએન હેડક્વાર્ટર ખાતે એક કાર્યક્રમને સંબોધતા જયશંકરે કહ્યું કે, યુએન સિક્યુરિટી કાઉન્સિલના સભ્યપદની બંને શ્રેણીઓમાં સુધારા અને વિસ્તરણ વિના, 15-રાષ્ટ્રીય સંગઠનની અસરકારકતામાં ઘટાડો થતો રહેશે.

વિદેશ મંત્રીએ કહ્યું કે, સ્થાયી શ્રેણીમાં વિસ્તરણ અને યોગ્ય પ્રતિનિધિત્વ એક મહત્વપૂર્ણ જરૂરિયાત છે. એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા, ગ્લોબલ સાઉથને અવગણી શકાય નહીં. તેમણે એમ પણ કહ્યું કે તેમને તેમનો કાયદેસરનો અવાજ મળવો જોઈએ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુએન સુરક્ષા પરિષદમાં વાસ્તવિક પરિવર્તન થવું જોઈએ અને આ પ્રક્રિયાને ઝડપી બનાવવાની જરૂર છે.

ભારત 2021-22માં ઉચ્ચ પરિષદનું સભ્ય હતું
ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે તે આ બેઠકમાં કાયમી બેઠક માટે યોગ્ય રીતે લાયક છે. ભારત છેલ્લે 2021-22માં સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ પરિષદના અસ્થાયી સભ્ય તરીકે બેઠું હતું. સુરક્ષા પરિષદ આજે વર્તમાન શાંતિ અને સુરક્ષા પડકારોને સંબોધવામાં નિષ્ફળ રહી છે, કાઉન્સિલના સભ્યો યુક્રેન યુદ્ધ અને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ જેવા મુદ્દાઓ પર વિભાજિત થતાં જોવા મળે છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ કહ્યું છે કે લગભગ 80 વર્ષ પહેલા જ્યારે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ હતી. ત્યારે તેના 51 સભ્ય દેશો હતા અને આજે તેમાં 193 દેશો સામેલ છે. યુએનના વડાએ ચેતવણી આપી હતી કે 15 દેશોની યુએન સુરક્ષા પરિષદ જૂની થઈ ગઈ છે અને તેની શક્તિઓ ઘટી રહી છે. જો તેની રચના અને કાર્યશૈલીમાં સુધારો કરવામાં નહીં આવે, તો એક દિવસ તે તેની તમામ વિશ્વસનીયતા ગુમાવશે.