January 22, 2025

સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ઉનાળુ અને બાગાયતી પાકને વ્યાપક નુકસાન

સુરેન્દ્રનગર: જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં બે વાર વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ઉનાળુ વાવેતર તેમજ બાગાયતી પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ઉનાળુ પાકમાં તલની અંદર અંદાજે 40 ટકાથી વધુ નુકસાન પહોંચ્યું છે, ત્યારે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માગ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળીયો ઝુંટવી લીધો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 30 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા ત્રણ દિવસમ‍ાં બે વાર કમોસમી વરસાદના કારણે તલ, ઉનાળુ બાજરી, ઘાસચારો તેમજ શાકભાજી સહીતના પાકમાં નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત બાગાયતી પાકમાં લીંબુ, દાડમ અને કેળાના પાકમાં પણ નુકસાન થયું છે. જેમાં ખાસ કરીને લીંબુનો પાક ખરી જતાં ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: સુનીલ છેત્રીએ સંન્યાસની કરી જાહેરાત, ઈમોશનલ વીડિયો કર્યો પોસ્ટ

તો બીજી તરફ તલના પાકમાં સતત બે વાર કમોસમી વરસાદથી 40 ટકાથી વધુ નુકસાન પહોંચ્યું છે અને તલનો પાક પલળી જતાં ભાવ પણ ઓછો મળશે. જેથી ખેડૂતોને ડબલ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બે દિવસ પહેલા થયેલા કમોસમી વરસાદમાં ખેડૂતોએ તલના પાકને બચાવવા તાત્કાલિક તલનો પાક વાઢી લઇ ખેતરમાં ઢગલા કરી લીધા હતા પણ કુદરત જાણે જગતના તાતથી રૂઠી હોય તેમ બીજીવાર પણ કમોસમી વરસાદ થતાં ખેતરમાં રહેલા તલના ઢગલાઓને પલાળીને આડા પડી જતાં ખેડૂતોને હાલત દયનીય બની છે. ત્યારે સરકાર દ્વારા નુકસાન અંગે સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે