December 26, 2024

મહાઠગ ભરત છાબડા સાથે અનેક રાજકારણીઓના કનેક્શનનો ખુલાસો

મિહિર સોની, અમદાવાદ: મહાઠગ ભરત છાબડાની તપાસમા ચૌકાવનારા ખુલાસા થયા છે. પોતાના પ્રભાવથી અનેક પોલીસ અને રાજકારણીઓને પણ ચૂનો લગાવ્યો છે. PMO, CBI અધિકારી અને રો એજન્ટના નામે લોકો સાથે છેતરપિંડી કરતો હતો. આ ઠગના પોલીસ અને રાજકારણીઓના કનેકશન ખુલતા ક્રાઈમ બ્રાંચે તપાસ તેજ કરી છે.

મહાઠગ ભરત છાબડા દ્વારા અનેક લોકો ને ચૂનો લગાવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની કસ્ટડીમાં તેની પૂછપરછ દરમ્યાન ચૌકાવનારા ખુલાસા થયા છે. આરોપીના મોબાઈલ ડીટેઈલ્સની તપાસ કરતા અનેક પોલીસ કર્મી અને અધિકારીઓના સંપર્ક સામે આવ્યા છે. આ આરોપીએ તેમની સાથે સતત સંપર્ક માં હતો. તો ક્રાઇમ બ્રાન્ચ ને અનેક ધારાસભ્ય ના પણ નંબર મળી આવ્યા છે તેને લઈ ને પણ પોલીસ તપાસ કરી રહી છે. આ આરોપી ભરત પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલ નાં જે તે સમયના અધિકારી નો બાતમીદાર હતો અને તેના દ્વારા હરિયાણા માં દારૂ નાં ઠેકા વાળા અને કંપની વાળા ને દમ મારી ત્યાંથી પૈસા લૂંટતો હતો.

આ ઉપંરાત સંઘ અને ભાજપ નાં નેતાઓ સાથે ફોટો પડાવી લોકો ને ધમકાવતો હોવાની વિગતો પણ સામે આવી છે. એટલુ જ નહિ આરોપી ભરત અમદાવાદના અનેક પોલીસ કર્મચારી નાં સંપર્ક માં રહીને અનેક લોકો ની બદલીઓ કરાવવા કેટલીક ફાઈલ પાસ કરાવવા સહિતની કામગીરી કરતો હોવાનુ પણ તપાસમા ખુલ્યુ છે. આ પ્રકારે હરિયાણા અને ગુજરાતમા પોતાનુ નેટવર્ક બનાવ્યુ હતુ. અને ઉચ્ચ અધિકારી કે PMOના અધિકારી બનીને લોકો પર પ્રભાવ બનાવીને ઠગાઈ આચરતો હતો.

ઠગ ભરત છાબડા વિરૂધ્ધ અમદાવાદ અને ગાંધીનગરમા 4 ગુના નોંધાયા છે. ક્રાઈમ બ્રાંચમા થયેલા ફરિયાદને લઈને કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઠગના પ્રભાવમા આવીને પોલીસ કર્મચારી અને રાજકારણીઓ ભોગ બન્યા હોવાનુ સામે આવ્યુ છે. આ આરોપી અપરણિત છે. ગ્રેજયુએશન પુર્ણ કર્યા બાદ તેણે ઠગાઈનો વ્યાવસાય શરૂ કર્યો હતો. અને છેલ્લા આઠ વર્ષથી આ પ્રકારે ઉચ્ચ અધિકારીનો પ્રભાવ બતાવીને છેતરપિંડી આચરી રહયો હતો. ક્રાઈમ બ્રાંચે તેના મોબાઈલ અને બેન્ક એકાઉન્ટને લઈને વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત હરિયાણા અને ગુજરાતના બુટલેગરો સાથેના સંપર્કની પણ તપાસ શરૂ કરાઈ છે.

મહા ઠગ કિરણ પટેલ બાદ ભરત છાબડા નામના વધુ એક ઠગનો શિકાર સામાન્ય વ્યકિતની સાથે પોલીસ અધિકારી અને ધારાસભ્ય પણ બન્યા હોવાના ચૌકાવનારા ખુલાસા સામે આવ્યા છે. હાલમા ક્રાઈમ બ્રાંચે આ ઠગ સાથે અન્ય કોઈ વ્યકિતની સંડોવણી છે કે નહિ તે મુદે વધુ પુછપરછ હાથ ધરી છે.