September 17, 2024

2 વર્ષમાં EV અને પેટ્રોલ-ડીઝલ વાહનોની કિંમત સરખી થશે: ગડકરીની ભવિષ્યવાણી

Nitin Gadkari on Electric Vehicles: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે 2 વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ની કિંમત પેટ્રોલ અને ડીઝલ વાહનો જેટલી જ થઈ જશે. ગડકરીએ વધુમાં કહ્યું કે નાણામંત્રી દ્વારા EV પર સબસિડી આપવાથી તેમને કોઈ સમસ્યા નથી.

અગાઉ તેમણે સૂચન કર્યું હતું કે EV ઉત્પાદકોને હવે સબસિડી આપવાની જરૂર નથી કારણ કે ઉત્પાદનની કિંમત ઘટી ગઈ છે અને ગ્રાહકો પોતાની ક્ષમતાથી હવે ઈલેક્ટ્રિક વાહનો (EVs) અથવા CNG વાહનો પસંદ કરી રહ્યા છે.

આ રીતે ઘટશે EVની કિંમત!
નીતિન ગડકરી એ જણાવ્યું, ‘હું કોઈ પણ પ્રકારના પ્રોત્સાહનના વિરોધમાં નથી. તેની જવાબદારી ભારે ઉદ્યોગ મંત્રીની છે. જો તેઓ ઈલેક્ટ્રિક વાહનો પર વધુ ઈન્સેન્ટિવ આપવા ઈચ્છતા હોય તો મને કોઈ સમસ્યા નથી. ગડકરીએ કહ્યું કે હું માનું છું કે ઉત્પાદનની સંખ્યા પણ વધી રહી છે, સબસિડી વિના તમે તે ખર્ચ જાળવી રાખી શકો છો કારણ કે ઉત્પાદન ખર્ચ પણ ઓછો છે.

તેમણે વધુમાં કહ્યું કે ઇલેક્ટ્રિક વાહનો સરળતાથી ઉપલબ્ધ છે અને હું માનું છું કે બે વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પણ પેટ્રોલ અને ડીઝલ વાહનોની કિંમત જેવી થઈ જશે. તેથી તેમને સબસિડીની જરૂર નથી કારણ કે ઇંધણ તરીકે વીજળી પર પહેલેથી જ બચત થઈ રહી છે.

આ પણ વાંચો: કાલિંદી એક્સપ્રેસને ઉડાવી દેવાના ષડયંત્રમાં ISના ખોરાસન મોડ્યુલ પર અટકી શંકાની સોય

મને સબસિડી આપવામાં કોઈ સમસ્યા નથી
નીતિન ગડકરીએ આગળ જણાવ્યું, ‘પરંતુ, તેમ છતાં જો નાણામંત્રી અને ભારે ઉદ્યોગ મંત્રી સબસિડી આપવા માંગતા હોય અને તમે તેના માટે ફાયદાકારક સાબિત થવા જઈ રહ્યા છો. મને કોઈ સમસ્યા નથી, હું તેનો વિરોધ નહીં કરું.’ જણાવી દઈએ કે ગત વર્ષે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનો બજાર હિસ્સો 6.3% હતો, જે પાછલા વર્ષ કરતા 50% વધુ છે.