December 23, 2024

તાલુકો જાહેર કર્યાના 10 વર્ષે પણ રોડ-રસ્તાના નામે ગીર ગઢડા અન્યાય

ધર્મેશ જેઠવા, ગીર ગઢડા: ગીર સોમનાથને જિલ્લો જાહેર કર્યો અને ત્યારે ગીર ગઢડા ગામને 2014માં તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. જંગલ બોર્ડરને અડીને આવેલ આ ગીર ગઢડાને હજુ શહેર કહી નહિ શકાય. કારણકે તાલુકો બન્યા બાદ પણ અહીં ગામડાં જેવી જ વ્યવસ્થાઓ અને સુવિધાઓ છે.

ગીર ગઢડાને તાલુકો જાહેર કરવામાં આવ્યો છતાં અહી હજી મૂળભૂત સુવિધા જેવી રોડ રસ્તાની પ્રાથમિક જરૂરિયાત અને લોકોને માટે મુખ્ય ગણાતો રોડ જ અહી અતિ બિસ્માર હાલતમાં છે. બે નંબર બસ સ્ટેન્ડ થી બસ સ્ટેન્ડ સુધીની ઉમેદપરા, પિછવી, હરમડિયા ગામને જોડતો રોડ અને અને બીજી તરફ હનુમાનપરા તરફ઼ થી રેલ્વે સ્ટેશન, ખાનગી કોલેજ અને સનવાવ ગામ તરફ જતો રોડ અતિથી અતિ બિસ્માર હાલતમાં છે. આ રોડ તાલુકો બન્યા બાદ સારી રીતે બન્યો જ નથી. રસ્તા ઉપર થીગળા મારીને જ સંતોષ માનવામાં આવે છે. સાંકડી બજારોમાં ખરાબ રસ્તાઓ ઉપર અનેકવાર કાંકરી ચડાવીને રોડ પણ ઊંચો કરી દિધો છે જેથી લોકોની માંગ છે કે આ રોડને નીચે ઉતારીને સિમેન્ટ રોડ બનાવવામાં આવે.

ગિરગઢડા તાલુકો કાગળ પર બની ગયો પરંતુ પાયાની સુવિધાથી વંચિત આ તાલુકો બીજા વિકસિત તાલુકાની જેમ વિકાસ માંગી રહ્યો છે.એક ગામડું જ હોય તેવો આ તાલુકા કક્ષા નું શહેર છે. જો આ તાલુકાની આ હાલત હોય તો તે તાલુકાના ગામડાનો વિકાસ કેવો હોય શકે એ તો જોવું જ રહ્યું.અહી ગામમાં જે થોડી જૂની ગટરો છે તેની સાફસફાઈ થતી નથી . ગટરો ના ઢાંકણ ખુલ્લા છે જેથી અકસ્માત થવાની ભય રહેલો છે તેમજ રોગ ચાળો પણ ફેલાવવાનો ભય રહે છે. ગ્રામ પંચાયત માં વહીવટીદાર સાશન હોવાના લીધે કોઈ સમસ્યા નું નિરાકરણ આવતું નથી.