January 21, 2025

12 રાજ્યોમાં કોરોનાના નવા વેરિએન્ટ JN.1ની એન્ટ્રી

નવી દિલ્હીઃ દેશમાં ઘણાં સમય પછી કોરોના વાયરસનો પ્રકોપ ધીમે ધીમે વધતો જાય છે. હાલ દેશમાં ઠંડીની સિઝન ચાલુ થતાં જ કોરોના ધીમી ગતિએ વધતો જણાય છે. ઘણા રાજ્યોમાં હવામાન અને કોલ્ડવેવનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે બીજી બાજુ કોરોના વાયરસનું સંક્રમણ પણ વધી રહ્યું છે. હાલ દેશમાં કોરોનાના નવા JN.1 વેરિએન્ટને કારણે દેશમાં ચિંતા વધતી જાય છે. અત્યાર સુધીમાં દેશના 12 રાજ્યોમાં નવા વેરિઅન્ટના કેસ મળી આવ્યા છે. આ JN.1 વેરિએન્ટ પહેલાં દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા મળતા હતા પરંતુ હવે તે દિલ્હી અને હરિયાણા સુધી પહોંચી ગયા છે. જો કે આ વેરિએન્ટમાં અત્યાર સુધી કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. નિષ્ણાતો પણ ગંભીર ચેતવણી આપી રહ્યાં છે.

JN.1 વેરિએન્ટના કેસ ૬૦૦ને પાર
4 જાન્યુઆરી સુધીમાં ભારતમાં 12 રાજ્યોમાં કોવિડના નવા વેરિઅન્ટ JN.1ના સંક્રમણના કેસ વધીને 619 થઈ ગયા છે. જેમાં 199 કેસ કર્ણાટકમાં,  કેરળમાં 148, મહારાષ્ટ્રમાં 110, ગોવામાં 47, ગુજરાતમાં 30, આંધ્રપ્રદેશમાં 30, તમિલનાડુમાં 26, દિલ્હીમાં 15, રાજસ્થાનમાં ચાર અને તેલંગાણા, ઓડિશા અને હરિયાણામાં એક-એક કેસ નોંધાયા છે. બીજી બાજુ  નિષ્ણાતો કહે છે કે સંક્રમણને કારણે કેસ વધી રહ્યા છે, પરંતુ અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. મોટાભાગના ચેપગ્રસ્ત લોકો ઘરે સારવાર લઈ રહ્યા છે.

કોરોનાના 761 કેસ, 12 મોત
ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોવિડ સંક્રમણના 761 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સંક્રમણને કારણે 12 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ગુરુવારે દેશમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 4334થી ઘટીને 4423 થઈ ગઈ છે. કેરળમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ 1249 જોવા મળ્યાં છે. બીજી બાજુ કર્ણાટકમાં 1240, મહારાષ્ટ્રમાં 914, તમિલનાડુમાં 190, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં 128-128 કેસ નોંધાયા છે. મળતી માહિતી અનુસાર, સંક્રમણને કારણે 12 લોકોના મૃત્યુ નોંધાયા છે, જેમાંથી પાંચ કેરળમાં, ચાર કર્ણાટકમાં, બે મહારાષ્ટ્રમાં અને એક ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે.