January 23, 2025

J&K: કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથે અથડામણ, 1 અધિકારી શહીદ, 3 જવાન ઘાયલ

Jammmu Kashmir Encounter: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક JCO શહીદ થયા, જ્યારે અન્ય 3 જવાનો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે તાજેતરમાં બે નિર્દોષ ગ્રામજનો (વિલેજ ડિફેન્સ ગાર્ડ્સ)ની હત્યા બાદ આતંકવાદીઓની શોધ તેજ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અથડામણ સ્થળ એ સ્થળથી થોડા કિલોમીટર દૂર હતું જ્યાં VDGs નઝીર અહેમદ અને કુલદીપ કુમારના મૃતદેહો મળી આવ્યા હતા.

સેનાના જમ્મુ સ્થિત વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળી હતી. જેના આધારે સુરક્ષા દળો દ્વારા કિશ્તવાડના ભારત રિજ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ એ જ આતંકવાદી જૂથ હતું જેણે બે નિર્દોષ ગ્રામજનો (વિલેજ ડિફેન્સ ગાર્ડ્સ)નું અપહરણ કરીને હત્યા કરી હતી. તેઓને પડકારવામાં આવ્યા અને ગોળીબાર શરૂ થયો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રારંભિક ગોળીબારમાં એક JCO સહિત ચાર સૈન્યના જવાનો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ત્રણની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું હતું. બાદમાં જેસીઓ શહીદ થયા હતા.

સેનાએ ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું કે વ્હાઇટ નાઈટ કોર્પ્સના GOC (જનરલ ઓફિસર કમાન્ડિંગ) અને તમામ રેન્કના સૈનિકો 2 પેરા (SF)ના બહાદુર નાયબ સુબેદાર રાકેશ કુમારના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે. સુબેદાર રાકેશ કિશ્તવાડના ભારત રિજના સામાન્ય વિસ્તારમાં શરૂ કરાયેલ સંયુક્ત CI (આતંક વિરોધી) ઓપરેશનનો ભાગ હતો. આ દુઃખની ઘડીમાં અમે શોકગ્રસ્ત પરિવારની સાથે છીએ.

અગાઉ, પોલીસ પ્રવક્તાએ પણ પુષ્ટિ કરી હતી કે બે VDGની હત્યા માટે જવાબદાર આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર ચાલુ છે. અધિકારીએ કહ્યું કે માનવામાં આવે છે કે આ વિસ્તારમાં ત્રણ કે ચાર આતંકીઓ ઘેરાયેલા છે.