January 19, 2025

એલોન મસ્ક ભારતથી દૂર રહ્યા? ટેસ્લાની એન્ટ્રીને લઈને મોટા સમાચાર

ગાંધીનગર: ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાયેલ ૧૦મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ શરૂ થઇ ગઇ છે તેમાં રોકાણકારો અને ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી અને કેટલાક ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં રોકાણ કરવાની જાહેરાત પણ કરી દીધી હતી પંરતુ આ સમિટમાં ટેસ્લા કંપનીના એલોન મસ્ક ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં હાજર રહ્યાં નથી. નોંધનીય છે કે એલોન મસ્ક ભારત આવવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. પરંતુ એક અહેવાલ અનુસાર મસ્ક ભારત નહીં આવે તેવા સમાચાર મળી રહ્યાં છે અને ગુજરાત ગ્લોબલ સમિટમાં હાજરી નહીં આપે. ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “કોઈ પણ કંપનીએ ક્યાં રોકાણ કરવું તે નક્કી કરવાનો વિશેષાધિકાર છે, જો રોકાણ કરશે તો ગુજરાત સરકાર તેમને સુવિધાઓ આપવા માટે ખૂબ જ ખુશ થશે. ઉલ્લેખનીય છે કે અગાઉ એવા અહેવાલ સામે આવ્યાં હતા કે એલોન મસ્ક ગુજરાતમાં ટેસ્લા કાર માટે મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપશે. તેમણે કહ્યું કે ગુજરાત હજુ પણ ઇલેક્ટ્રિક વાહન સેક્ટર માટે સારો વિકલ્પ સાબિત થશે. આ જ કારણોસર મોટાભાગના રોકાણકારો ગુજરાત તરફ જ આગળ વધી રહ્યા છે.

બીજી બાજુ ફોરેન સેક્રેટરી વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે જૂન 2023માં પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન એલોન મસ્કની કંપનીએ ગુજરાતમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિવેદન બાદ ભારતમાં ટેસ્લા આવશે તેવી ચર્ચાઓ પર જોર પકડ્યું હતું. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે એલોન મસ્ક ભારતમાં EV ફેક્ટરી સ્થાપવા માટે ભારતમાં $2 બિલિયનનું રોકાણ કરે તેવી સંભાવના છે. જેના કારણે ભારતીયો પણ ખૂબ સસ્તી કિંમતે ટેસ્લા કાર મેળવી શકશે કારણ કે તેઓ પહેલા બે વર્ષમાં કાર પર લાદતા 15 થી 20% ઈમ્પોર્ટ ટેક્સ બચાવી શકશે.

આ પણ વાંચો : Hyundai એ બનાવી ફ્લાઈંગ કાર, ઉડવા માટે તૈયાર…!

બીજી બાજુ એલોન મસ્ક કાર સિવાય અન્ય વ્યવસાયને લઇને પણ ચર્ચામાં રહેતાં હોય છે. જેમાં અગાઉ એલોન મસ્કની કંપની સ્ટારલિંકના સેટેલાઇટને લઈને ઘણા અહેવાલો સામે આવી ચૂક્યા છે. માહિતી અનુસાર સ્ટારલિંક દ્વારા સેટેલાઇટ મોકલવામાં આવ્યા છે અને તેની મદદથી લોકોને ઝડપી ઇન્ટરનેટ સુવિધા મેળી શકે, એટલે કે યુઝર્સને ડાયરેક્ટ ઈન્ટરનેટ કનેક્શન મળશે. જોકે, આ સેવાઓ પહેલા અમેરિકામાં શરૂ કરવામાં આવશે. વધુમાં મસ્કે કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય એવા સ્થળો પર નેટવર્ક કનેક્ટિવિટી કરવાનો છે જ્યાં નેટવર્કની સમસ્યા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે હવે નેટવર્ક દુનિયાના ખૂણે ખૂણે આવશે.