September 19, 2024

પાલનપુર બાયપાસનો વિરોધ: ખેડૂતોએ આપી ગાંધીનગરમાં ઢોલ વગાડી પ્રદર્શન કરવાની ચીમકી

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે સરકારે બાયપાસનો વિકલ્પ તો શોધ્યો છે. પરંતુ, પાલનપુર ફરતે 24 કિલોમીટરના બાયપાસનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ખોડલા, મોરિયા, પારપડા અને ત્યારબાદ એગોલા ગામના ખેડૂતોએ પણ વિરોધ કર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ માટે 30 મીટર જગ્યાની જરૂરિયાત છે અને સરકાર તેમની પાસેથી 100 મીટર જગ્યા લઈ રહી છે. જેણે કારણે અનેક ખેડૂતોના આખા ખેતર જતા રહે છે. અત્યારે, પશુપાલન અને ખેતી પર નિર્ભર ખેડૂતોની જમીન બાયપાસમાં જતી રહેતી હોવાથી વિરોધ વધ્યો છે. ખેડૂતોએ ઢોલ વગાડીને બાયપાસનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આગામી સમયમાં જરૂરિયાત પડશે તો ગાંધીનગરમાં પણ ઢોલ વગાડીશું.

પાલનપુર ફરતે ચોવીસ કિલોમીટરના બાયપાસનો વિરોધ દિન પ્રતિદિન વધતો જાય છે. આજે, પાલનપુર તાલુકાના એગોલા ગામના ખેડૂતોએ ઢોલ વગાડી અને બાયપાસનો વિરોધ નોંધાયો છે. સરકાર વિરોધી અને બાયપાસ વિરોધી સૂત્રોચાર કરીને ખેડૂતોએ આ વિરોધ નોંધાયો છે અને કહ્યું છે કે આગામી સમયમાં ગાંધીનગરમાં પણ જરૂરિયાત પડશે તો ઢોલ વગાડીશું. જોકે, આ બાયપાસમાં અનેક એવા ખેડૂતો છે કે જેમની જમીન કપાય છે 30 મીટર રોડની જરૂરિયાત છે અને જેની જગ્યાએ સરકાર 100 મીટર અને 60 મીટર જગ્યા લઈ રહી છે. અનેક એવા ખેડૂતો છે જે પશુપાલન પર આધારિત છે ખેતી પર આધારિત છે અને તેમની આખે આખી જમીન કપાય છે.

જે ખેડૂત પાસે ચાર વીઘા જમીન છે એ ચાર વીઘા જગ્યા બાયપાસમાં જતી રહે છે એટલે ખેડૂત પાસે કઈ વધતું નથી. એક વિઘો પણ જમીન વધતી નથી અને એટલે જ બાયપાસનો વિરોધ કરી રહ્યા છે, ખેડૂતો બાયપાસ નો વિરોધ કરી રહ્યા નથી વિકાસનો વિરોધ કરી રહ્યા નથી પરંતુ જે વધારાની જગ્યા સરકાર લઈ રહી છે એનો વિરોધ કરી રહ્યા છે એટલે કે આગામી સમયમાં 24 km ફરતે જેટલા પણ ખેડૂતો છે એ તમામ આગામી સમયમાં કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવાના છે તેમની માગણી છે કે બાયપાસ બંધ રહેવો જોઈએ અથવા તો 30 મીટર જગ્યા સરકારે લેવી જોઈએ.

ખોડલા મોરિયા પરપડા એગોલા ગામના ખેડૂતોનો વિરોધ વધી રહ્યો છે. બાયપાસમાં 24 કિલોમીટર માં 16 ગામડા આવે છે અને 16 ગામડા ના ખેડૂતોને આ બાયપાસ અસર કરે છે. જોકે વહીવટી તંત્ર ખેડૂતોને સાંભળવાનો પ્રયાસ કરે છે. તેમની રજૂઆતો સાંભળે છે. પરંતુ, તંત્રની એક ચોક્કસ માનવું છે કે બાયપાસ માટે એજન્સીને કામ પણ અપાઈ ગયું છે અને બાયપાસનું કામ થવાનું છે. જમીન સંપાદન કરતા પહેલા બે વાર જાહેરનામાં પણ બહાર પડાયા હતા. ખેડૂતોને સાંભળવાની પણ તક આપી હતી. પરંતુ, હવે જમીન સંપાદનની કામગીરી માં વિરોધ વધ્યો છે એટલે ચોક્કસ સરકાર સુધી ખેડૂતોની વાત પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ સરકાર શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું.