December 26, 2024

શ્રાવણ માસની અસર ફૂલ બજાર પર, ગુલાબનાં ભાવમાં 400% નો વધારો

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. શ્રાવણ માસના પહેલા સોમવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યાં જ શિવભક્તો મંદિર અને શિવાલયોમાં ભગવાન ભોળાનાથની ભક્તિ કરી રહ્યા છે. ત્યારે શ્રાવણ માસની અસર ફૂલ બજાર પર જોવા મળી રહી છે.

શ્રાવણ માસના પ્રથમ દિવસે જ અમદાવાદ શહેરના ફુલ બજારોમાં ગલગોટા, ગુલાબ સહિતના ફૂલોમાં ભાવ વધારો જોવા મળ્યો છે. સામાન્ય દિવસો કરતા શ્રાવણ માસની શરૂઆતમાં જ ફુલ બજારમાં ભાવમાં વધારો થયો છે. શિવ પૂજા તેમજ શિવાલયોના શણગારમાં મોટાપાયે ફૂલોનો ઉપયોગ થાય છે ત્યારે ગલગોટાના ભાવ 20 ટકા વધ્યા છે અને હોલસેલમાં 30 રૂપિયામાં મળતાં ગલગોટાનો ભાવ 70થી 100 એ પહોંચ્યો છે.

બીજી તરફ શહેરમાં ગુલાબનાં ભાવમાં 400%નો તોતિંહ વધારો જોવા મળ્યો છે. 70 રૂપિયામાં મળતા ગુલાબનો ભાવ 250થી 300 રૂપિયાએ પહોંચી ગયો છે તો મોગરાનો ભાવ 300થી વધીને 1000 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.

ગુજરાતના સૌથી મોટા ગણાતા અને અમદાવાદના જમાલપુર ફૂલ બજારમાં ફૂલોના ભાવ શ્રાવણ માસની શરૂઆતમાં જ વધી ગયા છે. જેમાં ગુલાબ, ટગર, હજારીગલ, ડમરો, લીલી, જાસ્મીન, ડેઝી, મોગરો, સેવંતી, જરબેરા વગેરે ફૂલોના ભાવમાં વધારો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, હોલસેલ ફૂલ બજારમાં સામાન્ય દિવસોમાં ફૂલોની આવક દૈનિક 10 થી 15 ક્વિન્ટલ સુધીની થતી હોય છે અને શ્રાવણ માસમાં ફુલોની આવક બમણી થઈ જતી હોય છે.

શ્રાવણ માસની શરૂઆતમાં જ ફૂલો થયા મોંઘા
ગુલાબના ફૂલ 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો
ગલગોટા 130થી 140 રૂપિયા પ્રતિ કિલો
મોગરો 700થી 800 રૂપિયા પ્રતિ કિલો
કમળ 10થી 15 રૂપિયા પ્રતિ નંગ
લીલીનાં ફૂલ 500 રૂપિયા પ્રતિ કિલો
(આ ભાવ રિટેલરનાં છે)