November 22, 2024
BJP ખરેખર 370 બેઠકો જીતશે?
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ તમારા મત અને મન જીતવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. અમે વાત તમારા મનની કરીશું. નેતાઓ કેવી રીતે તેમના મનની વાત તમારા મનમાં મૂકી રહ્યા છે એ પણ તમને જણાવીશું.

અત્યારે સૌના મનમાં એક સવાલ ઊભો કરવામાં આવી રહ્યો છે કે, બીજેપી 370 અને એનડીએ 400થી વધુ બેઠકો જીતશે કે નહીં? બીજેપી જીતશે કે નહીં એ તો સવાલ જ નથી રહ્યો. સવાલ એ કરાઈ રહ્યો છે કે, કેટલી બેઠકોથી જીતશે. આ કંઈ ઓચિંતા બન્યું નથી. આ સ્થિતિ એક રણનીતિનો ભાગ છે.

આ રણનીતિની સીધી અસર તમારા વોટ્સએપ પર પડે છે. તમે તમારા વોટ્સએપ પર ‘400 કે પાર’ના અનેક મેસેજીસ વાચ્યા હશે અને ફોરવર્ડ પણ કર્યા હશે. એટલે તમારા મનમાં આ વાત સાવ સજ્જડ રીતે બેસાડી દેવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર પણ ‘400 કે પાર’ની ઇફેક્ટ્સ જોવા મળે છે. સાઇકોલોજિકલ જંગને જીતવા માટેની આ રણનીતિ છે. તમે આ સાઇકોલોજિકલ જંગને સાચી ગણો કે ખોટી, પરંતુ તમારે આ મામલે સમજવું જરૂરી છે. માહિતીના યુગમાં તમે જેટલું વધું સમજશો એટલું જ જીતશો. જીતવાની વાત છે તો પીએમ મોદી અવારનવાર ‘400 કે પાર’ની વાત કરે છે.

પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, એનડીએ 400થી વધારે બેઠકો જીતશે. 2024ની આ ચૂંટણીમાં અલગ જ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. પીએમ મોદીએ તો મહિનાઓ પહેલાંથી જ કહેવાનું શરૂ કર્યું હતું કે, તેમની ત્રીજી મુદતમાં ભારત ત્રીજા નંબરની ઇકોનોમી બનશે.

પીએમ મોદી તો માનીને જ ચાલી રહ્યા છે કે, 2024ની ચૂંટણી તેઓ જીતી ચૂક્યા છે. તેમનો આ આત્મવિશ્વાસ વિરોધી પાર્ટીઓના આત્મવિશ્વાસને ડગમગાવે છે.
એક-એક વાત કરીને પીએમ મોદી કેવી રીતે સાઇકોલોજિકલ જંગ જીતી રહ્યા છે એની વાત કરીશું. આ વર્ષ 2024નું છે, પણ પીએમ મોદી અવારનવાર 2047ની વાત કરે છે. તેઓ કહેતા રહે છે કે, 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો છે. એટલે તમે સમજો કે, તેઓ કહેવા ઇચ્છે છે કે, 2024 જ નહીં 2047 સુધીમાં જેટલી પણ ચૂંટણીઓ થાય એમાં તમારે બીજેપીને જ મત આપવાનો છે. બીજી કોઈ પાર્ટીનો વિચાર સુદ્ધાં કરવાનો નથી.

‘400 કે પાર’ આ લોકસભાની ચૂંટણીમાં સૌથી પાવરફુલ સ્લોગન બન્યું છે. અત્યારે બધે જ એની ચર્ચા છે. પીએમ મોદીએ લોકોના મનમાં એક રીતે જાળ બિછાવી છે. જેના લીધે વિરોધીઓ પણ ચોંકી ગયા છે.
જેના જવાબો તૈયાર ન કર્યા હોય એ જ સવાલો એક્ઝામમાં પૂછાય તો વિદ્યાર્થીની હાલત કેવી થાય? અત્યારે વિરોધ પક્ષોની હાલત એવી જ થઈ છે. ક્વેશ્ચન પેપર કોરું તો મૂકી ના શકાય. કંઇક તો લખવું પડે. લખવામાં ભૂલો પણ થાય. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ ભૂલ કરી બેઠા. તેઓ પણ ‘400 કે પાર’ વિશે બોલતા પોતાની જાતને રોકી નહોતા શક્યા.

ખડગે સાહેબે નિરાશામાં જ આ શબ્દો કહ્યા છે. તમારી આસપાસ કોંગ્રેસનો કોઈ કાર્યકર હોય તો તમારે તેને એક સવાલ કરવો જોઈએ. એ સવાલ શું છે એ અમે તમને કહીશું. તમારે પૂછવાનું છે કે, શું ખડગે સાહેબ માને છે કે, પીએમ મોદીની પાસે જાદૂઈ છડી છે એટલે તેઓ કેટલી બેઠકો પર જીત મળશે એનો ચોક્કસ આંકડો આપી રહ્યા છે. કે પછી ખડગેસાહેબ પીએમ મોદીને જ્યોતિષી માની રહ્યા છે.
ખેર, તમે કોંગ્રેસના કોઈ કાર્યકરની સાથે ચાય પે ચર્ચા કરી શકો છો. સોરી, ચાય પે ચર્ચા કરશો તો તેઓ તમને કદાચ બીજેપીના મેમ્બર માની લેશે. એટલે તમે કોંગ્રેસના કાર્યકરને શરબત કે કોફી પીવડાવીને આવા સવાલો કરી શકો છો. તમારે તેમને એ પણ પૂછવું જોઈએ કે, શું ખરેખર ખડગે સાહેબ ડરી ગયા છે?

વિપક્ષ ખરેખર ડરી ગયો હોય એમ જણાઈ રહ્યું છે. તેમણે માની લીધું છે કે, હાર તો નક્કી જ છે.

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આવી જ સ્થિતિ હતી. બીજેપીના આક્રમક પ્રચાર સામે કોંગ્રેસ મહદ્અંશે નિષ્ક્રિય રહી હતી. એક રીતે કોંગ્રેસે જ બીજેપી માટે લાલ જાજમ બિછાવી હતી. જેના લીધે આખરે બીજેપીએ 156 બેઠકો પર બમ્પર જીત મેળવી હતી. એવી જ સ્થિતિ અત્યારે રાષ્ટ્રીય સ્તરે જોવા મળી છે. જબરદસ્ત ફાઇટ આપવાના બદલે વિપક્ષી નેતાઓનું મનોબળ તૂટી ગયું છે. તેઓ માની જ બેઠા છે કે, તેઓ તો હારવાના જ છે.

વિપક્ષી નેતાઓ માત્રને માત્ર એક ચહેરાના કારણે ડરી ગયા છે. આ ચહેરો છે નરેન્દ્ર દામોદરદાસ મોદીનો. પીએમ મોદીએ પોતાની બ્રાન્ડ બનાવી છે. જે રાતોરાત બની નથી. તેમણે અને તેમના ચાહકોએ એના માટે તનતોડ મહેનત કરી છે.
આ બ્રાન્ડ અત્યારે એટલી મજબૂત બની ગઈ છે કે, વિપક્ષોના નેતાઓ તેમનો મુકાબલો કરવા તૈયાર નથી. આ બ્રાન્ડ કેવી રીતે બની એ અમે તમને સમજાવીશું. એક આખું સર્કલ પૂરું થયું છે એની વાત કરીશું.

ગુજરાતમાં કોમી રમખાણો બાદ 2002માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. રમખાણો બાદ પીએમ મોદીની હિન્દુ હૃદય સમ્રાટ તરીકેની ઇમેજ બની હતી. જેની દેશભરમાં ચર્ચા પણ થઈ હતી. અહીંથી વિશેષ કરીને આખા દેશનું ફોકસ પીએમ મોદી પર ગયું.

એ પછી 2007માં પીએમ મોદીની ઇમેજ બદલાઈ. વિકાસપુરુષ તરીકેની તેમની ઓળખ બની. ગુજરાતમાં નવા નવા ફ્લાયઓવર, બ્રિજ બનવા લાગ્યા. એટલે વિકાસ થયો અને સાથે એનો ખૂબ પ્રચાર પણ થયો.

એ પછી 2012ની વિધાનસભાની ચૂંટણીમાં પણ બીજેપી જ જીતી. એ પછીથી દેશનું સુકાન સંભાળવા માટે નરેન્દ્ર મોદી સક્ષમ હોવાની છબી ઊભી કરવાની શરૂઆત થઈ ગઈ.
ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટમાં દેશના ઉદ્યોગપતિઓ પીએમ મોદીની વાહવાહી કરવા લાગ્યા.

2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અચ્છે દિન આયેંગેના સૂત્ર સાથે પીએમ બન્યા. એટલે એ સમયે પીએમ મોદી આશાનું કિરણ બન્યા હતા. આખા દેશને આશા જાગી હતી. પીએમ મોદી એક નેરેટિવ સેટ કરે છે. લોકોના મનને ઢાળે છે. પોતાની તરફેણમાં કરે છે. આવી સ્થિતિ જોઈને વિપક્ષો ડરી જાય છે અને ભૂલ કરી બેસે છે. તેઓ ફૂલટોસ નાંખે છે અને પીએમ મોદી સિક્સ ફટકારે છે. 2014માં પણ એમ જ બન્યું હતું.

કોંગ્રેસના લીડર મણીશંકર અય્યરે પીએમ મોદીને ચાયવાલા કહી દીધા હતા. પીએમ મોદી માટે ભાવતું હતું અને વૈદ્યે કીધું એવી સ્થિતિ થઈ. તેમણે પોતાના ભાષણોથી એવું પિક્ચર રજૂ કરી દીધું કે, તેઓ રિયલ આમ આદમી છે અને કોંગ્રેસ ધનવાનોની પાર્ટી છે. તેમણે ચાય પે ચર્ચા પણ શરૂ કરાવી. હજી સુધી વિપક્ષો સમજતાં નથી કે, પીએમ મોદી તેમને ડરાવે છે અને તેઓ ડરી પણ જાય છે.

ફાસ્ટ ફોરવર્ડ કરીએ. વાત 2019ની ચૂંટણીની. પાકિસ્તાનમાં પહેલાં સર્જિકલ સ્ટ્રાઇક અને એ પછી એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. એ રીતે પીએમ મોદીની સ્ટ્રોંગ મેન તરીકેની ઇમેજ બની. એટલે કે, જો કહેતા હું વો તો કરતા હી હું, જો નહીં કહેતા વો ભી બેશક કરતા હું. પીએમ મોદી માટે આ વાત લાગુ પડી. જનતા ખુશ થઈ ગઈ અને બીજેપીને ભરપૂર મત મળ્યા.

હવે, ફરી ફાસ્ટ ફોરવર્ડ થઈએ. વાત 2024ની કરીએ. શ્રીરામ મંદિરના કારણે ફરી પીએમ મોદીની હિન્દુ હૃદય સમ્રાટ તરીકેની છબી બની. એટલે તેઓ આત્મવિશ્વાસ સાથે 400 કે પારની વાત કરે છે. 2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન તેમની હિન્દુ હૃદય સમ્રાટ તરીકેની ઇમેજ બની હતી. 2024માં રામમંદિરના કારણે ફરી તેમની આવી જ ઇમેજ બની. એટલે કે, એક આખું સર્કલ પૂરું થયું છે. બીજી તરફ વિપક્ષો ગોળગોળ ફરે છે.

તેઓ અકળાઈને કંઈ પણ કહી જાય છે. કોંગ્રેસના સીનિયર નેતા જયરામ રમેશ એ વાતનું વધુ એક ઉદાહરણ છે. તેમને પૂછવામાં આવ્યું કે, ઇન્ડી ગઠબંધનમાંથી પ્રધાનમંત્રીના પદ માટે કોઈ ચહેરો રહેશે? એના જવાબમાં તેમણે કહ્યું કે, આપણા દેશમાં ચૂંટણીઓ સૌંદર્ય સ્પર્ધા નથી. ચૂંટણી પાર્ટીઓ વચ્ચે થાય છે.

આ અકળામણ સ્વાભાવિક છે. આ ઇન્ડી ગઠબંધન બનાવવામાં સૌથી મોટી ભૂમિકા બિહારના નીતિશબાબુની હતી. પીએમ મોદીએ તેમને પણ પોતાની તરફેણમાં કરી લીધા. નીતિશના આવવાથી વધુ બેઠકો જીતાશે એવો વિચાર પીએમ મોદીએ કદાચ નહીં જ કર્યો હોય. બલકે, રાજકીય પંડિતો તો કહે છે કે, નીતિશના આવવાથી કદાચ બિહારમાં બીજેપીને નુકસાન પણ થઈ શકે છે. શું તમે માનો છો કે, પીએમ મોદી એ વાત નહીં સમજ્યા હોય? ચોક્કસ જ તેમને ખબર જ હોય. એમ છતાં નીતિશને પોતાની તરફેણમાં કરવાનો હેતુ તો વિપક્ષોનું મનોબળ તોડવાનો જ છે. જેણે આખું ઇન્ડી ગઠબંધનને ઊભું કર્યું તેમને જ પીએમ મોદીએ પોતાની તરફેણમાં કરી લીધા. એટલે વધુ એક વખત સાઇકોલોજિકલ જંગમાં જીત મેળવી.

આ રીતે પીએમ મોદી ઇન્ડી ગઠબંધનના નેતાઓનું મનોબળ તોડી રહ્યા છે. વિપક્ષી નેતાઓનું મનોબળ તોડવા માટે તો ઇડી અને સીબીઆઈ તો છે જ. ઇન્ડી ગઠબંધનના અનેક નેતાઓના ભ્રષ્ટાચારની ફાઇલ ખૂલી ગઈ છે. આ નેતાઓ કહે છે કે, સરકાર ઇડી અને સીબીઆઈનો મિસયુઝ કરે છે. વાત સામાન્ય મતદાતાઓની કરીએ તો, સરકાર મિસયુઝ કરે કે યુઝ કરે એની સાથે તેમને કોઈ જ નિસ્બત નથી. સામાન્ય લોકો તો એમ જ માને છે કે, ધુમાડો છે તો આગ લાગી હોવી જોઈએ. હવે, આ ધુમાડો સોલિડ કાર્બન ડાયોક્સાઇડ ગેસનો છે કે, પછી ખરેખર આગ લાગી છે એની તેમને કેવી રીતે ખબર પડે? એટલે ઇન્ડી ગઠબંધનના નેતાઓ ભ્રષ્ટ હોવાની વાત લોકોના મનમાં ઠસાવવામાં પીએમ મોદી મહદ્અંશે સફળ રહ્યા છે.
ખેર, હવે અમે એક કવિતાની કેટલીક પંક્તિઓ કહીશું. આ કવિતા માનવ મન ભી હૈ યુદ્ધક્ષેત્ર રણદીપ સિંહ ચૌહાણે લખી છે. પ્રસ્તુત છે એની કેટલીક પંક્તિઓ.

એક યુદ્ધ હુઆ થા કુરુક્ષેત્ર મેં,
અધર્મ કો પરાજય, ધર્મ કો વિજય મિલી
એક યુદ્ધ ચલ રહા માનવ મસ્તિષ્ક મેં
કૌન શત્રુ, કૌન મિત્ર, યહાં કિસીકો પતા નહીં…