November 24, 2024
મોદી કોંગ્રેસના નેતાઓને શા માટે બિરદાવે છે?
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

દેશ અત્યારે અલગ જ પ્રકારની રાજનીતિનો સાક્ષી બની રહ્યો છે. શાસક અને વિરોધી પક્ષો એકબીજા પર શાબ્દિક હુમલા કરતા જ જોવા મળતા હોય છે. લીડર્સ ક્યારેક વિરોધી પક્ષના નેતાઓને ઉતરતી કક્ષાના બતાવવા માટે નિમ્ન હદે પણ જતા હોય છે. આવી સ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની પ્રશંસા કરી ત્યારે અચૂક દેશને સુખદ આશ્ચર્ય થયું. આવી સ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે. હવે મોદી સરકારે વધુ એક વખત દેશને ચોંકાવ્યો છે.

વડા પ્રધાને ભૂતપૂર્વ વડા પ્રધાન પીવી નરસિંહા રાવને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. સ્વાભાવિક રીતે બીજેપી સરકારે કોંગ્રેસના નેતાની ભારતરત્ન માટે પસંદગી કરે એ નોખી વાત છે. એના કારણને સમજવા માટે આપણે મોદીની માનસિકતાને સમજવી પડે. આજની તારીખે પણ મોદીના નિશાના પર કોંગ્રેસ નહીં પણ ગાંધી પરિવાર છે. એટલે કે સોનિયા, રાહુલ અને પ્રિયંકા છે.

એટલે જ વડા પ્રધાન મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવતા શાબ્દિક હુમલાને અવગણે છે. એનો જવાબ આપવાનું પણ ટાળે છે, પરંતુ જ્યારે રાહુલ ગાંધી ટીકા કરે ત્યારે એનો અચૂક જવાબ આપે છે. જે લોકોને નરસિંહા રાવની પસંદગીને લઈને આશ્ચર્ય થઈ રહ્યું છે. તેમને અમે જણાવીએ કે ભૂતકાળમાં પણ વડા પ્રધાન મોદીએ રાવની પ્રશંસા કરી છે. આ પહેલાં વડા પ્રધાને કહ્યું હતું કે કોંગ્રેસ એના પોતાના નેતા પીવી નરસિંહા રાવ દ્વારા કરવામાં આવેલી દેશસેવાને સ્વીકારવા તૈયાર નથી.

સવાલ એ છે કે વડા પ્રધાન કઈ દેશસેવાની વાત કરી રહ્યા છે. એનો જવાબ એ છે કે 1990ના દશકમાં દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી. એ સમયે મનમોહન સિંહ નાણામંત્રી હતા અને વડા પ્રધાન હતા નરસિંહા રાવ. એ સમયે દેશ જબરદસ્ત આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. એ સમયે રાવ અને મનમોહનની જોડીએ જે પગલાં લીધાં એ ન લીધાં હોત તો ભારતની દશા પાકિસ્તાન કરતાં પણ વધારે ખરાબ હોત. એટલે જ હવે તમને એ જવાબ મળી ગયો હશે કે શા માટે મોદી મનમોહન અને રાવની પ્રશંસા કરી રહ્યા છે. એ સમયે આ જોડીએ ભારતની બંધ પડેલી અર્થવ્યવસ્થાના દ્વાર ખોલી નાંખ્યા. એલપીજી એટલે કે લિબ્રલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનના કારણે દેશની અર્થવ્યવસ્થાને બળ મળ્યું, ડિસઇન્વેસ્ટમેન્ટના કારણે સરકારી તિજોરી ભરાઈ, વિદેશી રોકાણ આવ્યું એટલે નવી નોકરીની તકો સર્જાઈ. સાથે લાઇસન્સી રાજને હળવું કરાયું, એટલે નવી નવી કંપનીઓ ઊભી થઈ.

અમે જ્યારે પીએમ મોદી દ્વારા કોંગ્રેસના નેતાની પ્રશંસાની વાત કરી રહ્યા હોઈએ ત્યારે મોદીના રાજમાં જ કોંગ્રેસના બીજા નેતા પ્રણવ મુખર્જીને આપવામાં આવેલા ભારતરત્નને કેવી રીતે ભૂલી શકીએ. તમે આ સમગ્ર ઘટનાક્રમ જુઓ તો એકસૂત્રતા જોવા મળશે.

ખેર, હવે મોદી દ્વારા રાવની સાથે કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામિનાથનની પણ ભારતરત્ન માટે પસંદગી થઈ છે. ભારતમાં હરિયાળી ક્રાંતિનો શ્રેય તેમને જ જાય છે. આ ભારત રત્નની જાહેરાત પણ મોડી થઈ હોવાનું અમે માનીએ છીએ. ખેર અમે પાછા રાજકીય શેરીઓમાં પાછા ફરીશું,

મોદીના રાજમાં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીને પણ ભારતરત્ન મળ્યું. એ સ્વાભાવિક પણ હતું. સૌથી ખાસ વાત એ છે કે બિહારના દિગ્ગજ નેતા કર્પૂરી ઠાકુરને પણ સન્માન આપવામાં આવ્યું. બીજેપીએ ભૂતકાળમાં કર્પૂરી ઠાકુરની સાથે બિહારમાં સરકાર પણ બનાવી હતી. એ અલગ વાત છે કે કર્પૂરી ઠાકુરને આપેલો ટેકો પાછો પણ ખેંચી લીધો હતો અને કર્પૂરી ઠાકુર વિશે બીજેપીના નેતાઓ ઘસાતું પણ બોલ્યા હતા. હવે એ જ કર્પૂરી ઠાકુરને ભારતરત્ન દ્વારા નવાજવામાં આવ્યા છે. આપણે માની લઈએ કે મોદીએ બીજેપીના આ પહેલાંના નેતાઓની ભૂલ સુધારી લીધી છે, પણ ટાઇમિંગ અને એનું પરિણામ અગત્યનું છે. કર્પૂરી ઠાકુરને ભારતરત્ન અપાયો અને એના પછી નીતીશ કુમાર ફરી એનડીએમાં સામેલ થઈ ગયા.

હવે આ પરિસ્થિતિ રીપિટ થઈ રહી છે. કેમ કે, મોદી સરકારે ચૌધરી ચરણ સિંહને પણ ભારત રત્નથી નવાજવાનો નિર્ણય કર્યો છે. મોદીએ કહ્યું હતું કે ચૌધરી ચરણ સિંહે તેમનું જીવન ખેડૂતોના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. હવે અહીં પણ નીતિશની ઘટનાનું પુનરાવર્તન થવાની શક્યતા છે. કેમ કે, હવે બીજેપી રાષ્ટ્રીય લોકદળની સાથે ગઠબંધન કરવા જઈ રહી છે. રાષ્ટ્રીય લોકદળ પાર્ટીના અધ્યક્ષ ચૌધરી ચરણ સિંહના પૌત્ર જયંત ચૌધરી છે. એટલે જ જ્યારે ચૌધરી ચરણ સિંહને ભારતરત્ન આપવાની જાહેરાત કરવામાં આવી ત્યારે જયંતે જણાવ્યું કે ‘દિલ જીત લીયા.’

છેલ્લાં 10 વર્ષમાં મોદી સરકારે કુલ ૧૦ હસ્તીઓને ભારતરત્નથી નવાજ્યા, પણ આ સન્માન માટે હસ્તીની પસંદગી કરવા પાછળની મોદી સરકારની વિચારપ્રક્રિયા ખૂબ વિચાર માગી લે છે.