December 22, 2024
સનાતન ધર્મ એટલે શું??
Trilok Thaker

“”ભારતની કરોડરજ્જુ, રાજનીતિ, લશ્કરી સત્તા, વાણીજ્ય પ્રભુત્વ,કે યંત્ર વિદ્યાની પ્રતિભા નથી .પરંતુ ધર્મ છે માત્ર ધર્મ. આપણું જે કઈ છે અગર જે કઈ આપણે ઈચ્છીએ છીએ,તે કેવળ ધર્મ જ છે…સ્વામી વિવેકાન્દજી “

પાકિસ્તાન હોય,  બ્રિટન હોય , કે  પછી હોય કેનેડા, કે અમેરિકા,  ત્યાં છાશવારે હિંદુ આસ્થા ના કેન્દ્રો પર આક્રમણ થવા લાગ્યા છે. તો ઘર આંગણે  રામ,રામાયણ,મહાભારત, કે રામ ચરિત માનસ પર વિવાદાસ્પદ  વિધાનો થવા લાગ્યા છે ,તેના પ્રત્યુતરમાં સંતો, મહંતો “ સનાતન ધર્મ પરનું આક્રમણ” ગણાવી ઉગ્ર પ્રત્યાઘાત આપે છે. કેટલાક તેને આંતરરાષ્ટ્રીય કાવતરૂ ગણાવી ગંભીર ચિંતા વ્યક્ત કરવા લાગ્યા છે. શક્ય છે આ વિધર્મી ઓ નો  કટ્ટર પંથી,  કે વામપંથી,  કે ખાલસાપંથી અલગતાવાદી પરિબળો નો પ્રકોપ હોય. ત્યારે વોટ બેંક ઊભી કરવાના હેતુ થી  કેટલાક પક્ષો વર્ગભેદ, જાતિભેદ ઊભો કરવા પ્રયત્નશીલ હોવાની પ્રબળ સંભાવના પણ છે.

આપણા આર્થિક ઉત્થાન, આર્થિક સ્થિરતા ના કારણે વધેલી વૈશ્વિક પ્રતિષ્ઠા પણ ઘણાને કણાની જેમ ખૂંચે છે. તેથી  દેશની પ્રગતિને  પાટા પરથી ઉતારી દેવાના  પ્રયાસો થાય છે.  બીબીસી, હિંડનબર્ગ, સોરોસ  વગેરેનો  વ્યક્તિગત, કે સંયુક્ત રીતે, સરકારની  આર્થિક ગતિને તોડવાનો એજન્ડા હોવાનું કહેવાય છે. . વધુ દુ:ખ તો ત્યારે થાય છે ક્ષુલ્લક ગણતરીઓ સાથે દેશના કેટલાક લોકો તથા પક્ષો, પોતાના મૂળ સમાન સનાતન ધર્મને વગોવી વિદેશી તાકાતો ના  હાથો બની  કામ કરી રહ્યા છે. હાલમાંજ હિંદુ મંદિરો, આસ્થાના કેન્દ્રોના ટ્રસ્ટ-સંસ્થા પર   કબજો  કરવો, અને તેને દુષિત કરવાના  કાવતરા થતા હોય તેવું લાગે છે આજે જ (૨૦/૦૯)પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદના લાડુ ઘી ને બદલે ચરબી/મતન તેલો ??વપરાયાના અહેવાલો છે.

ધર્મ પરના આક્રમણો થી  આપણી લાગણીઓ જરૂર દુભાય છે. સાથોસાથ સવાલ પણ થાય કે  આ સનાતન ધર્મ એટલે કયો ધર્મ?? હિંદુ ધર્મ જ ?? કે અન્ય ધર્મ ??

સનાતન ધર્મને  સમજવા આપણી પાસે કેટલાક તારણો  છે . તે પર, વિચાર કરીએ.:

સનાતન ધર્મની વ્યાખ્યા શું કરી શકાય?? “સનાતન” ;આ સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ થાય  -અનાદિ,  અનંત.. ”જેની કોઈ શરૂઆત નથી કે જેનો કોઈ અંત નથી .” . જે સૃષ્ટિના સર્જનની સાથે અસ્તિત્વમાં આવ્યો છે.

અને એ કાયમી છે. યાને કે  શાશ્વત છે.. કહેવાય છે કે સ્વયં ભગવાનના મુખમાંથી નીકળેલ વાણી છે, સિદ્ધાંતો છે, તેથી આ  ઈશ્વર જનિત “ચિરંતન  સત્યો” છે  એટલે તે સનાતન છે. એ ઋષિઓની  આત્માનુંભુતીથી પ્રાપ્ત થયેલા,  આધ્યાત્મિક  સત્યો છે તે તેથી  “સનાતન ધર્મ /વૈદિક ધર્મ છે, તે વેદ, શ્રુતિ થી વધુ પ્રચલિત છે. .

“ધર્મ” શબ્દની અનેક વ્યાખ્યા છે. પરંતુ, એ રીલીજીયન =સંપ્રદાયના અર્થમાં છે . ફરજના રૂપમાં  છે , કે ગુણ ના કે અર્થમાં છે. આપણે તો  મૂળભૂત સંસ્કૃત ના શ્લોકમાં માં દર્શાવેલ છે તે અર્થ વિચારવો છે , :-””  જે શ્લોક છે :-

યતો અભ્યુદય:ની:શ્રેયસ: સિધ્ધી:સ: ધર્મ | “” યાને જેનાથી લોક ,પરલોકનું કલ્યાણ થાય તે ધર્મ.(શ્રી આઠવલેજી ,સંસ્કૃતિ ચિંતન પાના ૬)

એટલે જ, આ ધર્મે જીવન જીવવા ચાર પુરુષાર્થ આપ્યા છે . જેવાકે  ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ. આ લોકમાં જીવન જીવવા ધર્મના પાયા પર અર્થ અને કામ  નું ઉપાર્જન અને ઉપભોગ. ત્યાર બાદ  પરલોક માટે આ જ ધર્મના પાયા પર મોક્ષ મેળવવાનો આદર્શ આપે છે. આ અઘરું લક્ષ્ય છે ,પરંતુ તે માટે ધર્મે જ  રસ્તો  બતાવ્યો  છે. તે રસ્તો છે “. “આચાર: પરમો ધર્મ:. આચરણ કે અનુસરણ.   આચરણ પણ કેવું ? ત્યાગ મય આચરણ .ત્યાગની ભૂમિકા પર જીવન જીવવાનું. (ત્યેન ત્યક્તેન મા ભૂંજીથા ) ગુજરાતીમાં સરસ કહેવાયું છે “ત્યાગીને ભોગવી જાણો, વાંછો માં ધન અન્યનું.”

એક અન્ય અર્થમાં ,ધર્મ  શબ્દ “ ધ્રૂ  “ધાતુ પરથી થયો. “ધારયતિ ઇતિ  ધર્મ “ કે “  ધારણાદ ઇતિ ધર્મ” =યાને જે સમગ્ર સૃષ્ટિને ધારણ કરી રાખે છે તે પરમ ધર્મ .ટૂંકમાં જે જીવાત્માને જીવતા શીખવાડે, આત્મા ને શિવ સાથે જોડવા પ્રવુત કરે, તેવા સિદ્ધાંતો વાળો  ધર્મ એટલે સનાતન ધર્મ . “પરમ તત્વ ના સાક્ષાત્કાર માટેનો સન્માર્ગ બતાવતો ધર્મ એટલે  સનાતન ધર્મ . સનાતન ધર્મ એટલે  ધર્મ ના એવા સિદ્ધાંતો કે જેનાથી માનવીનું કલ્યાણ થતું હોય, આત્મોન્નતિ થતી હોય.

સનાતન ધર્મ પ્રકૃતિ ઉપાસક ધર્મ છે. સૂર્ય,અગ્નિ, જલ,વાયુ, આકાશ, પૃથ્વી વગેરે પ્રકૃતિ તત્વોની આરાધના તેમાં છે. હકીકતે તો, “વેદ” પ્રકૃતિ ના ખોળે પાંગર્યા છે, પ્રકૃતિ દ્વારા, પ્રકૃતિ નો હિસ્સો બની “શ્રુતિ” બન્યા છે.  હવે જ્યારે પ્રકૃતિ જ કાયમી, શાશ્વત  છે  તો તેને ખોળે  ખીલેલું અસ્તિત્વ શાશ્વત જ હોય ને!

આ આપણો સનાતન ધર્મ, વિશ્વ ધર્મ બનવાની અનન્ય લાયકાત રાખે છે. જગતને  માત્ર સત્ય અહિંસા પ્રેમનો માર્ગ જ નથી બતાવતું પણ જીવનમાં અન્ય સદગુણોની  પણ જરૂરત સમજાવે છે . જેવા કે   “શ્રદ્ધા ,મૈત્રી,દયા,શાંતિ,તુષ્ટિ,પુષ્ટિ,ક્રિયા,ઉન્નતિ,બુદ્ધી, મેધા ,તિતિક્ષા મૂર્તિ, વગેરે. આ ગુણો નું  મહત્વ વધુ દર્શાવવા – આ ગુણોને ધર્મની પત્નીઓ ગણાવી છે. આમ સમગ્ર માનવ જાતનો ઉત્કર્ષ એ સનાતન ધર્મનું લક્ષ્ય છે.

        સનાતન ધર્મ “સર્વ ગ્રાહી છે. સર્વ  ઉદેશમય છે. “ અહિંસા પરમો ધર્મ કહીને અટકી નથી જતો. પણ “આતત્તાયીઓના નાશ માટે શસ્ત્ર ઉઠાવવા નો “ તારો સ્વધર્મ છે” તેમ પણ કહે છે. શાસ્ત્ર અને શસ્ત્ર બંને નું મહત્વ સમજાવ્યું છે. આ જ એક એવો ધર્મ છે જ્યાં શસ્ત્ર – “ત્રિશુલ સાથે  નૃત્યનું -ડમરું” બાંધેલું છે  જ્યાં પ્રલય ના  પ્રણેતા ઈશ્વર, શિવ ને  નૃત્ય ના પણ સર્જક ગણાવ્યા છે. યાને યુદ્ધ- વિનાશને  નવ સર્જનનું  પગથિયું  બનાવ્યું છે . કહો , ક્યાં ધર્મમાં, યુદ્ધ ના મેદાનમાં , જ્ઞાન અને  ભક્તિનો સંદેશ કહેવાયો છે ?? એ એક માત્ર  સનાતન ધર્મમાં જ કહેવાયો છે જ્યાં  ચક્ર ધારી શ્રી કૃષ્ણ સમરભૂમિ માં “જ્ઞાન, કર્મ, ભક્તિનું ઝરણું વહેડાવે છે.    

વળી ,સનાતન ધર્મ  “સર્વ સમાવિષ્ટ છે.” એટલે કે તે માત્ર માનવ ને આવરી લેતો જ માનવધર્મ નથી  પણ, સર્વ સંપ્રદાયો, પંથનો ,સર્વ નો સમાવેશ કરતો ધર્મ છે. એટલું જ નહીં તે  પશુ, પક્ષી, જડ પ્રકૃતિ, પર્યાવરણ વગેરે ને આવરી લે છે. ઝાડની પૂજા, ગૌ, ગંગા, ગાયત્રી ની પૂજા તેને આપ્યા છે, ગાય-કુતરાને રોટલો ખવડાવવા,  પીયાવો, ચબુતરો ચણાવવા  વગેરે કાર્યો ની ટેવ  ધર્મ દ્વારા જ  પાડવામાં આવી છે. આમ વ્યષ્ટિ અને સૃષ્ટિ માટેનો ધર્મ છે.  તેથી  તે સનાતન ધર્મ છે.

એક શ્લોક છે : વરિષ્ટ અખિલ ધર્મેશું એવ ધર્મ: જાયંતે સર્વે ધર્મેશું શાશ્વતો હી સનાતન: |

અર્થાત્ તમામ ધર્મમાં સનાતન ધર્મ સૌથી વરિષ્ઠ-સૌથી  જુનો   છે, જયારે  બીજા ધર્મો સમયાન્તરે થયા છે. સનાતન ધર્મ એટલે વેદનો ધર્મ. જેના સિદ્ધાંતો વિશ્વ ધર્મ ના દ્યોતક  છે. શ્રી સ્વામી વિવેકાનંદજી કહે છે “સમસ્ત વિશ્વની આધ્યાત્મિક એકતાની ભવ્ય ભાવના સનાતનની ભાવના છે.(સ્વામી વિવેકાનંદ :ગ્રંથ સંચયન પાના:૧૫)

સનાતન ધર્મના  સિદ્ધાંતો સદાચાર, પ્રકૃતિ પ્રેમ શીખવાડે છે. એટલું જ નહીં માનવ જીવનને ઊર્ધ્વગામી બનાવીને, મુક્તિ તરફ દોરવાનું  લક્ષ્ય આપણને આપે છે. આપણી પહેલી ફરજ આધ્યાત્મિક થવાની છે. એવો ભાર સનાતન ધર્મ આપે છે.

વિશ્વના ધર્મો એ સામાજિક શક્તિ બની અન્ય દેશોમાં આક્રમણનું કામ કર્યું  છે. પૂરતું આપણા ધર્મે તો  દેશોને નજીક લાવવા નું કામ  કર્યું છે એટલું જ નહીં,   “કાર્લ માર્ક્સ જેને -સુપર સ્ટ્રક્ચર “કહે છે તે માણસની  આધ્યાત્મિક ભૂખને, મન ની ભૂખને સંતોષી, માણસને ઊર્ધ્વ ગામી બનાવવાનો રસ્તો પણ આપ્યો છે..

સનાતન ધર્મ આપણને,  ઈશના અવતારો, શ્રુતિ, પુન: જન્મ, વગેરે સિદ્ધાંતો માં શ્રદ્ધા  રાખવા સમજાવે છે. ઉપાસના ની  શાસ્ત્ર મય વિધિ આપે છે. માનવ માત્ર ને વ્યક્તિની  પ્રકૃતિ (સ્વભાવ ), ક્ષમતા,લાયકાત અનુસાર ની આધ્યાત્મિક જ્ઞાન,સમજ,અને આચાર પદ્ધતિ આપે છે.

સનાતન ધર્મનો પાયો વિશેષ વ્યક્તિ/વ્યક્તિઓ નહીં , પણ સિદ્ધાંતો તેનો પાયો છે.  પ્રભુ ઈશુ ખ્રિસ્ત ),બૌદ્ધ(ભગવાન બુદ્ધ) વગેરે વ્યક્તિ વિશેષ દ્વારા  ધર્મો સ્થપાયેલા છે. જેથી એ સર્વના વ્યક્તિગત જીવનની   અસર તેમના ધાર્મિક સિદ્ધાંતો પર દેખાય  છે.

શ્રી વિવેકાનન્દજી  કહે છે:”આપણા વેદાંત ધર્મ સિવાય વિશ્વના કોઇપણ  ધર્મ કોઈ ન કોઈ ઐતિહાસિક વ્યક્તિ ઉપર જ રચાયેલો છે પરંતુ આપણો ધર્મ , સિદ્ધાંતો ઉપર આધારિત છે. એક પણ સ્ત્રી કે પુરુષ વેદોની રચના કર્યા નો દાવો કરી શકતો નથી. : યાને સનાતન ધર્મ, માનવ નિર્મિત નથી.  કારણકે માનવ નિષ્પક્ષ રહી શકે નહીં. તે કોઈ હેતુ વગર કાર્ય કરે નહીં. પણ સનાતન ધર્મ ઈશ્વર નિર્મિત, શ્રુતીનો સંગ્રહ  છે .

“ઓછામાં ઓછા પ્રતિકાર વાળો ધર્મ છે  સનાતન ધર્મ .. લચીલો છે  . આસ્તિક હોય કે નાસ્તિક,ચાણક્ય હોય કે ચાર્વાક, બુદ્ધ હોય કે જૈન, દરેકનો સ્વીકાર છે.-સમાવેશ છે. અરે આક્રાન્તાઓનો    પણ સમાવેશ કર્યો છે .એકમ એવ  સત્ય, વિપ્ર બહુધા વદન્તિ . આ સીધાંત તેનો આધાર છે.  તો ધાર્મિક ઉદારતા અને સહિષ્ણુતા, સનાતન ધર્મનો પાયો છે.

સર્વ માટેની પ્રાથના: (સર્વે ભણતું સુખન:..કે બહુજન હિતાય, બહુજન સુખાય)  ની કામના કરતા ધર્મની ટીકાઓ કરવી ઉચિત છે??

સનાતન ધર્મ માનવને ગૌરવ આપે છે , અન્ય ધર્મની જેમ માનવને “પાપી”(એપલ ખાનાર),કે ઈશ્વરને લડત આપનાર તરીકે નથી માનતો.  એ તો જીવ ને શિવનો અંશ માને છે એટલું જ નહીં પણ “ અહમ બ્રહ્માસ્મિ “  કહે છે. તો સાથો સાથ  “તત્ત્વ મસી “ પણ કહે છે , અને પછી “ વયમ અમૃતસ્ય પુત્ર “ કહી ઉચા આસને  માણસને ગોઠવે છે.

જગતના અભ્યુદય ની કામના કરતા ધર્મની ટીકા કરવી કે તેના મહત્વના પાસાઓ-શ્રી રામ,રામાયણ,રામચરિત માનસની   ટીકાઓ કરવી, પુસ્તિકાઓ ફાડવી,બાળવી વગેરેને  બાલીશતા કે મૂર્ખતા ન ગણતા  ધર્મદ્રોહીતા  ગણવી  જોઈએ, આ સનાતન ધર્મ આપણું મૂળ છે.આપણે તેની ડાળીઓ.કે તેના પર બેઠલા પક્ષીઓ. સનાતન ધર્મની રક્ષા  તે,  આપણી  રક્ષા  છે. અતિ કડવાસ અને આક્રોશથી હિંદુ સમાજને કહેવું પડે છે કે વિઘાતક પરિબળો, વિધર્મીઓ સનાતન ધર્મની અને સનાતની લોકોની ઉદાર, વિશ્વ બંધુત્વની ભાવનાને કાયરતા સમજી આઘાત પહોચાડે છે. કૃપા કરી આપણા દેશને તોડવાના કોઇપણ પ્રયાસો સામે જાગરુક બનીએ, ઉદારતાને પણ લાલ આંખની જરૂરત છે.