January 3, 2025
સમયનું ચક્ર…અજીતનો ઉદય, શરદનો અસ્ત !
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

ભારતીય રાજનીતિમાં શરદ પવાર દશકાઓથી એક શક્તિશાળી હસ્તી રહ્યા છે. હવે સમય બદલાયો છે અને એની સાથે રાજનીતિમાં તેમનું કદ પણ બદલાયું છે. સમય બદલાવાની સાથે તેમની પાસેથી તેમનું ચૂંટણી પ્રતિક ઘડિયાળ અને પક્ષનું નામ પણ છીનવાઈ ગયાં છે. ૮૪ વર્ષના આ કદાવર નેતા ખૂબ જ પડકારોનો સામનો કરી રહ્યા છે. તેમણે કોંગ્રેસના નેતૃત્ત્વ સામે બળવો કરીને અલગ પાર્ટી બનાવી અને હવે તેમના ભત્રીજાએ તેમની વિરુદ્ધ બળવો પોકાર્યો છે.

ચૂંટણી પંચે મંગળવારે શરદ પવાર માટે અમંગળ ચુકાદો આપ્યો હતો કે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી નામ અને ઘડિયાળ ચૂંટણી પ્રતિક અજિત પવારના ગ્રૂપની પાસે રહેશે. લોકસભાની ચૂંટણીને હવે થોડોક જ સમય બાકી છે ત્યારે એવા સમયે ચોક્કસ જ શરદ પવાર માટે આ ખૂબ જ મોટો ઝાટકો છે. શરદ પવાર ફાઇટિંગ સ્પિરિટવાળા લીડર છે, પણ ચોક્કસ જ આ લડાઈ તેમના માટે ખૂબ જ મોટી છે.
હવે તેમની સામેના તાત્કાલિક પડકારની વાત કરીએ તો એ તેમની પાર્ટી માટે નવું નામ અને ચૂંટણી પ્રતિક શોધવાનું છે. પવાર તેમની પાર્ટીના નામમાં નેશનલિસ્ટ શબ્દ અકબંધ રાખવા ઇચ્છે છે.
શરદ પવારે તેમના રાજકીય જીવનમાં અનેક આંચકાઓ પચાવ્યા છે, પરંતુ અત્યારે તેમની ઉંમરને ધ્યાનમાં રાખતા તેઓ ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી ઊભા થશે કે નહીં એ સવાલ છે.
પવારના જૂથની સામે સૌથી મોટો પડકાર એનાં નવાં નામ અને ચૂંટણી પ્રતિકને લઈને લોકોમાં જાગૃત્તિ લાવવાનો છે. લોકોમાં આ કાકા ભત્રીજા ગ્રૂપ્સનાં નામ અને ચૂંટણી પ્રતિકોને લઈને ગેરસમજ થઈ શકે છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. જેના કારણે શરદ પવાર ગ્રૂપને મોટો ફટકો પડી શકે છે.

ગામડાંઓમાં હજી પણ લોકો માટે શરદ પવાર એટલે કે ઘડિયાળ. એ અલગ વાત છે કે આ ઘડિયાળ હવે અલગ હાથમાં જતી રહી છે. એટલે અજિત પવાર ગ્રૂપને આ ગેરસમજનો લાભ થઈ શકે છે.
શરદ પવાર ગ્રૂપે ચૂંટણી પંચના ચુકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. આ લડાઈ લાંબી ચાલશે. એવી શક્યતા સાવ ઓછી છે કે સુપ્રીમ કોર્ટ લોકસભાની ચૂંટણીના પહેલાં કોઈ ચુકાદો આપે.
અહીં આપણે એ ભૂલવું ના જોઈએ કે શિવસેનાની પણ આવી જ સ્થિતિ હતી. શરદ પવારની જે સ્થિતિ હતી એવી જ સ્થિતિ ઉદ્ધવ ઠાકરેની રહી હતી. આ બંને કેસીસમાં ચૂંટણી પંચે સંગઠન અને સંસદીય પાંખ એટલે કે વિધાનસભ્યો અને સંસદસભ્યોની સંખ્યાના આધારે બળવાખોર જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો છે. એટલે કે ઉદ્ધવ ઠાકરેની સામે એકનાથ શિંદે ગ્રૂપની તરફેણમાં ચુકાદો આવ્યો છે જ્યારે શરદ પવારની સામે અજિત પવાર ગ્રૂપની તરફેણમાં ચુકાદો આવ્યો છે.
આ પરિસ્થિતિ વિશે શરદ પવારનું કહેવું છે કે પાર્ટીનું નામ અને ચૂંટણી પ્રતિકનું મહત્ત્વ હોતું નથી. લીડર અને એના વિશે લોકોના મનમાં રહેલી ધારણાનું મહત્ત્વ છે. અહીં આ દિગ્ગજ નેતા માટે મુશ્કેલી એ છે કે લોકસભાની ચૂંટણીના બરાબર પહેલાં તેમને આ પછડાટ મળ્યો છે. જેનાથી આ દિગ્ગજ નેતાના અનુભવની પરીક્ષા થશે.

આપણને ખ્યાલ છે કે શરદ પવાર ગ્રૂપ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે. શરદ પવારની પોતાની રાજકીય તાકાત ઘટી હોવાનું સ્વાભાવિક રીતે સૌકોઈએ સ્વીકારવું રહ્યું. આ જ કારણસર હવે જ્યારે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી થશે ત્યારે એવા સમયે શરદ પવાર ગ્રૂપે ઓછી બેઠકોથી સંતોષ માનવો પડશે.
શરદ પવાર ઇન્ડિયા ગઠબંધન છોડીને પોતાના બળે લોકસભાની ચૂંટણી લડે એવી શક્યતા ઓછી જણાય છે અને જો ઇન્ડિયા ગઠબંધનમાં તેઓ રહે તો એવી સ્થિતિમાં તેમને પૂરતી સંખ્યામાં બેઠકો મળે એવી શક્યતા સાવ ઓછી છે. એટલે એક વાત ચોક્કસ છે કે શરદ પવારનું કદ રાજનીતિમાં ઘટ્યું છે.