January 5, 2025
કુશળ રાજનીતિજ્ઞ શ્રી કૃષ્ણ
Trilok Thaker
Expert Opinion

યુગ પ્રવર્તક શ્રી કૃષ્ણ ,લોક જીભે રમતો કાનુડો,વૈષ્ણવ નો બાલગોપાલ ,લાલો ,કેટ કેટલા નામ, કેટ કેટલા રૂપ એક જ વ્યક્તિના, નાનપણનો રસેશ્વર રંગીલો બંસીઘર. તો યુદ્ધ ભૂમિનો સુદર્શન ચક્ર ધારક , તો  ઉપનીષદના  અર્ક અમૃત જેવા  ગીતાના ગાયક !!એક ભજનમાં  સાચું જ ગવાયું  છે “ હરી તારા છે હજાર નામ ક્યાં નામે લખવી કંકોત્રી !” કનૈયા ને કોણ શબ્દોના સીમાડામાં બાંધી શક્યું છે કે આપણે વાડ બનાવી શકીએ ??આપણે તો  ઘણા થોડાક શબ્દોમાં ગુંથી શકીએ . એ તો ઋગ્વેદનો    સનાતન,  ચિરંતન ઋષિ છે  શ્રી કૃષ્ણ..  

શ્રી કૃષ્ણે રાજ્નીતીજ્ઞતાની નવી વ્યાખ્યા આપી હતી, તેઓ રાજકારણી નહોતા. રાજનીતિજ્ઞ હતા એક સ્ટેટમેન, રાજ્ય સત્તાનો, રાજનીતિનો ઉપયોગ સમાજ ઘડતર માટે કરે છે..તે પથપ્રદર્શક હોય છે.. સમાજને નવો રાહ, બતાવવા વાળા હોય છે.. શ્રી કૃષ્ણ માત્ર પછાત, દલિત ઉદ્ધારક રાજા જ નહોતા, રાજનીતિજ્ઞ હતા. ,  એ સમયે અવતારી બન્યા કે  જયારે  પૂર્ણ સમાજ અંધકારમાં ડૂબેલો હતો. ભોગ, વિષય, અંધશ્રદ્ધા માં  ધર્મ સબડતો  હતો.. બસ ત્યારે ધરતી ને સમાજને,  ધર્મ ને ઉગારવા  શ્રી કૃષ્ણે જન્મ લીધો હતો .

 સમાજ સુધારકો હમેશ એકલા જ હોય છે ટોચ પર એકલતા જ હોય છે કેટલાક વિદ્વાનો કહે છે “રેફોર્મેટીવ ક્રિએટીવ માયનોરીટી “ 

એક રાજનીતિજ્ઞ, સમાજના દરેક વર્ગને સમાન રીતે મહત્વ આપે છે. દરેક ને સાથે લઈ ને ચાલે છે

કૃષ્ણ ના સમયે સમાજનો ઘણો મોટો વર્ગ કચડાયેલો, અસ્પૃશ્ય હતો. તેથી  ભગવાને પોતાનો બાલ ઉછેર જ યાદવ -ભરવાડ ના ઘેર કરાવ્યો હતો.  અરે, પોતે જેલમાં જ જન્મ લીધો હતો. બાલ વિહીન માતાને માતૃત્વનું સુખ આપ્યું હતું. સમાજ આ ઉપેક્ષિત વર્ગને ઉચિત સ્થાન મળે તેવો હેતુ લઇ શ્રી કૃષ્ણ અવતરેલા .. વ્રજ વાસળી,ગોપ, ગોપની કામળી, માખણ વલોવતી ગોવાલણ, આ બધાને નવી ઓળખ આપી  હતી .એટલું જ નહીં, ગોકુલ મથુરા વૃંદાવનના ગામડામાં રમી  ગ્રામ્ય સંસ્કૃતિનું  ઉત્થાન કર્યું હતું..        

સમાજમાં ફેલાયેલા દૂષણનો ને મૂળ માંથી નાશ કરવા માટે રાજનીતિજ્ઞ  અથાક પ્રયત્નો કરતા હોય છે .શ્રી કૃષ્ણ પણ ઉમદા રાજનીતિજ્ઞ હતા. તેમણે તો વાસના નો વિનાશ કરવા , અને પ્રેમ ના  શુદ્ધ રૂપ ને લાવવા માટે , રાસલીલા રચી હતી. તેઓ પોતે તો નિર્મોહી, અરાગી હતા. પણ રાધા અને ગોપ બાલ-બાલિકા  વચે નિર્મલ પ્રેમ  ઊભો કર્યો હતો. કહેવાય છે. રાસમાં દરેક, ગોપ બાલિકાને  પોતાનો સાથી ગોપબાળ કૃષ્ણ સ્વરૂપે દેખાવા લાગ્યો હતો.

સ્થૂળ વાસના મય દ્રષ્ટિ ને  ત્યાગી કૃષ્ણ ની રાસલીલા ને આધ્યાત્મિક નજરે મુલવવાની જરૂર છે  . ચીન નું પ્રખ્યાત ચિત્ર ..ગોળ વર્તુળ માં ઘૂમતી બે માછલી ,એક કાળી, એક ગોરી, બને ના  મોઢા એક બીજાના પુંછમાં! આ “યીન અને યાન” બસ, આજ છે રાધા અને કાન, ગોપ અને ગોપીના રાસ .જેનાથી સંસાર નું પૂર્ણ ચક્ર બને છે !આ યોગ છે, ભોગ નહીં. જોડાણ છે ઘન અને ઋણનું. પ્રકૃતિ અને પ્રાણનું. શિવ અને શિવાનું ! સમાજ સુધારણા માટે  શુદ્ધ પ્રેમની જરૂરત નું. 

બાંસુરી પણ કાનની, હવા, પ્રાણ પણ કાનના, હોઠને અડતી બાંસુરીનું  પોલાણ એટલે મુક્ત આકાશ! સાધન પણ  શ્રી કૃષ્ણ, સાધક પણ શ્રી કૃષ્ણ, સાધ્ય પણ શ્રી કૃષ્ણ !! આજ થઈ  વિશ્વની રચનાની સમજ !! બાંસુરીનું વાદન કરે શ્રી કૃષ્ણ, રાજી થાય રાધા રાણી !શિવ અને શિવાની અદભુત લીલા ! આ પ્રેમ-મગ્નતામાંથી  જન્મી જાય અહમ શૂન્યતા !! આ જ ભક્તિ, ભક્તની તન્મયતા. ત્યારે જ કોઈ ગોપી , કોઈ મીરાં, કોઈ નરસિંહ મહેતા નાચી શકે., ગાઈ શકે  !ગોપ ગોપીની રાસ લીલાથી  સમાજ વિજ્ઞાનની ઘેરી સમજ રમત રમત માં કાનુડા એ આપણને સમજાવી છે. 

રાસલીલા થી  ભક્તિની સમજ આપી શ્રી કૃષ્ણે. સાથોસાથ  સમાજના બે એક સરખા અંગો -સ્ત્રી અને પુરુષ બન્ને ને  સમાન દર્શાવીને , બતાવે છે કે નર નારાયણ છે પણ નારી વગર અધુરો છે. આ રાજનીતિજ્ઞ કહે  છે “નારી નારાયણી છે ,ભોગનું સાધન નહીં. સતી નથી,સમોવડી છે. શિવ-જીવ, જીવનનું નું અર્ધે અર્ધું અંગ છે શિવા ” !                         

, મિત્રતાનું મહત્વ તો કાનુડાએ આપણને તેના સબંધોથી   શીખવ્યું છે. બાલ સખા સુદામાનું દરિદ્ર દૂર કરવું. તે પણ  અદ્રશ્ય રૂપે, અદ્રશ્ય હાથે!. તો ગામ સખા  તરીકે  ગોર્વધન પર્વત ઉચકી ગોપ ગોપીઓને રક્ષણ આપવું. આ સબંધોની ગરિમા બતાવી છે. તે જ રીતે, ગામને બચાવી  ગ્રામ્ય ઋણનું ચુકવણું  કર્યું  હતું. તો નારી શક્તિનું મહત્વ રક્ષણ , દ્રૌપદીનું ચીરપુરણ કરી સમજાવ્યું છે..    

ઘનઘોર વ્યથામય જીવનમાં “સહજતા”ની પાઠ ભણાવે છે આપણો સમાજ શાસ્ત્રી શ્રી કૃષ્ણ. જીવન સહજ બની જીવવાનું કહે છે શ્રી કૃષ્ણ. પછી ચાહે તમે યમુનાને કાંઠે હો, કે કુરુક્ષેત્રના મેદાનમાં, હાથમાં બાંસુરી હોય કે સુદર્શન ચક્ર, યુદ્ધમાં ભાઈ ની હિંસા હોય કે સારથીનો રોલ.  “વિષાદ નહીં, પણ  વિજયી બની રહેવાની આહલેક જગાવે છે શ્રી કૃષ્ણએ, આમ  સહજ પણે સંજોગોના, સમયના સત્યને સ્વીકારવાનું શીખવાડે છે શ્રી કૃષ્ણ .   ,      

શ્રી કૃષ્ણે, આ જ સહજતા થી, પૂતના, કંસ અને અનેક આસુરી શક્તિને હણી  “સ્વધર્મ”  દાખલો નાનપણથી જ ખુદનું ઉદાહરણ બની પૂરો પડ્યો છે ,મૂલ્યોના, ધર્મનો રક્ષક બનીને આવ્યો હતો શ્રી કૃષ્ણ. અને એટલે જ “સંભવામિ યુગે યુગે “માં આપણને શ્રધ્ધા છે.  આખરે કૌરવો રૂપી મુલ્ય હરનારા સામે પાંડવોની ટીમ બનાવીને લડતો કૃષ્ણ, રાજ્ધાર્મની નવી શીખ આપે છે.

કૃષ્ણ પોતે વિશ્વરૂપ ધારક વિષ્ણુ   હતા સર્વજ્ઞ, પૂર્ણ સક્ષમ હતા ,છતાં વીરતા, લોક કલ્યાણ,  શૌર્ય, જીવનના  અભિન્ન અંગો છે, તે બતાવવા માત્ર મૂક  માર્ગદર્શક બન્યા હતા..લીડર બન્યા હતા..નેતા ટીમનો સર્જક હોય છે તથા ટીમ દ્વારા જ પોતાના લક્ષ્યો અર્જિત કરે છે શ્રી કૃષ્ણ ટીમ બિલ્ડર હતા. ટીમ દ્વારાજ “વિનાશાય ચ દુશ્કૃતામ” સિદ્ધ કર્યું હતું.

એક નેતાએ નિમ્ન કક્ષાનો સામાન્ય રોલ પણ કરવા તત્પર રહેવું પડે છે. કે ટીમની જરૂરત માટે  કોઈ પણ કામ કરવાના હોય છે તે દર્શાવવા, સારથી બન્યા હતા. વળી યુધીષ્ઠીરના યજ્ઞમાં એંઠા પતરાવળાં ઉપડ્યા હતા. યાને ટીમ લીડરે પોતાનું મમત્વ, મહત્વ ભૂલીને ટીમને દોરતા રહેવાનું હોય છે આ ગુણ વિકસાવવા દરેક સામાજિક નેતાને તે સૂચવે છે.

શાંતિ મેળવવા,  યુદ્ધ ના નકસાન વગર, ધર્મ સ્થાપવા, વિષ્ણુ ભગવાન, સ્થૂળ રીતે એક રાજા હોવા છતાં,  દુર્યોધનની સભામાં   “ રાજદૂત” બની જાય છે. પણ રાજદૂત તરીકેનું ગૌરવ જાળવવા જરૂર પડ્યે પોતાનું વિશિષ્ટ રૂપ પણ બતાવે છે, 

આ છે નેતાગીરી . આ છે રાજનીતિજ્ઞતા.  દુશ્મનને  પોતાની શક્તિ બતાવવી ,દુશ્મનને સંભવિત જોખમ બતાવવું, સમાજ હિત નું મહત્વ સમજાવવું,  જરૂર પડ્યે તાકાત દર્શાવવી . તેમજ સમાજ માટે પોતાના હક્ક નો   ત્યાગ કરી, ટોકન પેટે માત્ર પાંચ ગામ માગવા આ બધા   ઉદાહરણ દ્વારા સામાજિક નેતૃત્વ ના ગુણો શ્રી કૃષ્ણ દર્શાવે છે. ! આ રાજનીતિજ્ઞ પોતાની ઉમદા રાજનીતિ બતાવી, અન્ય ને પણ નેતાગીરી ના પાઠ ભણાવે છે.

 રાજનેતા કૃષ્ણકુમારના!!

એક અદ્ભુત શ્લોક સાચું જ કહે કે “ સમુદ્રની શાહી લઈ , જંગલો ની કલમ બનાવી પૃથ્વી પર લખવા બેસો તો પણ કૃષ્ણ લીલાના ગુણો પુરા ન લખાય. “ શ્રી કૃષ્ણ લીલા ના રંગો કેટકેટલા!!  વિશ્વને મુખમાં રાખતો બાલમુકુન્દ, ગોપ ગોપીઓનો રાસબિહારી, ગાયને પર્યાવરણનું જતન કરતો વન વિહારી, ગોવર્ધન ગીરીનો સ્વામી, તત્ત્વજ્ઞાનનો નીચોડ સમ ગીતા ગાયક, સુદર્શન ચક્રધારી. લીલાધરની આ દરેક લીલાનો હેતુ હતો માત્ર ને માત્ર સમાજ ઉદ્ધાર. પ્રાચીન યુગનો એ કેળવણીકાર હતો, રાજનીતિજ્ઞ હતો.   જે સ્વયમ ઉદાહરણ રૂપ જીવન જીવી માર્ગ પ્રશસ્ત કરતો રહ્યો હતો.  આપણે તો  કાનુડો ગવડાવે તેટલા ગુણો , શ્વાસે શ્વાસે  ગાતા જ રહીએ, ગાતા જ રહીએ.          

    

વિષ્ણુનું અદ્ભુત રૂપ, વિશ્વનું રૂપ જગતનો પાલનહાર, તારણહાર, બધા જ માનવીય સદગુણો લઈ અવતરેલ કેટલાય જીવોનો ઉધ્ધારક, છતાય  જળકમળ જેવો નિસ્પૃહી,સગુણ સાકાર, પરમ તત્વના ના વિવિધ રંગો માંથી થોડુક આચમન કરી વિરમીએ.