શિવ એટલે સર્વનું કલ્યાણ
Trilok Thaker

સમાજમાં અસંખ્ય લોકોના નામ પાછળ “શંકર” શબ્દ લખાય છે: હરીશંકર, જયશંકર, અને ક્યારેક તો શિવશંકર! એવીજ રીતના ભગવાન શંકરના બીજા નામ – “શિવ” શબ્દનો ઉપયોગ સાહિત્યથી  લઈ  સમયવાચક, સ્થળવાચક  શબ્દ તરીકે પ્રયોજયો છે: શિવપુરાણ, શિવરાત્રી, શિવપુરી, શિવાલય, સદાશિવ. થોડો વિચાર કરીએ તો શિવ અને શંકર વચ્ચે થોડોક તાત્વિક ફેર દેખાય છે .

શંકર – મનુષ્ય દેહધારી, તપસ્વી, પાર્વતી પતિના સ્વરૂપે ઓળખાય છે. તો શિવ વધુ વિસ્તૃત અર્થમાં અજન્મા, નિરાકાર સ્વરૂપે વર્ણવાય છે  સૃષ્ટિના આદી દેવ, પાલક,પોષક નાશકના  બધા રૂપે,  યાને  બ્રહ્મા વિષ્ણ અને મહેશ  એમ ત્રિમૂર્તિ સ્વરૂપે રહી  કાર્ય કરે છે.

કાર્ય વિભાજનની રીતે વિચારીને તેના રોલને માર્ગદર્શન રૂપે લઈ શકાય છે. જેમકે,

(૧) શંકર:મહેશ સ્થૂળ સ્વરૂપે પૂજાય છે તો શિવ સૂક્ષ્મ સ્વરૂપે અવ્યક્ત કાર્યકર્તા ગણાય છે.

(૨) શંકર હિમાચ્છાદિત કૈલાશ નિવાસી થયા છે જે સમજાવે છે કે “કલ્યાણ કરનારનો માર્ગ કઠીન છે, તપ અને સર્વત્યાગ વગર સમાજનું કલ્યાણ શક્ય નથી અને તેના માટે એકાંત ઉતમ છે”. આ જ વાત ને શંકર સમાજ વચ્ચે આવી વધુ સારી રીતે  સમજાવે છે. સ્મશાનમાં શરીરે ભભૂત લગાડી રહેનારા શંકર દર્શાવે છે કે દરેક વૈભવ, વિલાસ આખરે ભભૂત છે અને દરેક સ્થિતિનું આખરી સ્થાન સ્મશાન જ છે. સાથે સાથે તે સર્વ રસને સ્વીકારનાર પણ બને છે,  જેના માટે તે પોતાની પાસે  ત્રિશુલ તથા ડમરું રાખી, સમાજને સમજાવે છે કે જીવન માટે વૈરાગ્ય નહીં પણ સાધુતા જરૂરી છે. ત્રિશુલ પીડા આપનાર,દુ:ખ આપનાર છે તો ડમરું સુખ આપનાર છે. આમ સુખને અને દુ;ખને સમાન ગણી,  ભોગી ન બનતા યોગી બનવાનું સમજાવે છે.  સમાજને અનાસકત બની જીવતા શીખવે છે

(૩) નૃત્યકળાના આદી ગુરુ શંકર છે, તાંડવનૃત્યના નટરાજ આપણી નજર સમક્ષ છે. પરિસ્થિતિ હિમાલયની  હોય કે સ્મશાનની હોય ,  નૃત્યની  હોય કે જ્ઞાનની , સ્થિતપ્રજ્ઞતા જીવન માટે જરૂરી છે એ શંકર આપણને શીખવાડે છે. ખરેખર ગીતાના અનાસક્તિ યોગનું જીવંત રૂપ અહીં આપણને શંકરમાં પ્રત્યક્ષ દેખાય છે.

(૪) સર્પને ગળે લગાડી શ્રી શંકર આપણને શીખવે છે કે જીવનમાં ષટ-રિપુ (કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અને મત્સર) જેવા સર્પોને સાથે રાખી જ જીવન જીવાય પરંતુ આ બધા સર્પને વિષ વગરના બનાવી દેવા જરૂરી છે.  જગતના કલ્યાણ કરનાર ને જગતનું ઝેર પીવું પડે છે તે ઝેર પોતાના ગળા માં જ અટકાવી રાખવું જરૂરી છે.

(૫) શંકર ભગવાનના શિર પર તેમને અર્ધચંદ્રને ધારણ કર્યો છે. આ અર્ધચંદ્રને પાંડુરંગ મહારાજ “કર્મ યોગ” કહે છે, અને શંકરનું દ્રષ્ટાંત આપી કહે છે કે

“આપણા કે અન્યના કર્મને આંખ માથા પર રાખવા, નજર સમક્ષ જ રાખવા”

શિવ અને શંકર એક જ રૂપ છે, અલબત એક મત એવો પણ છે કે “શિવ” પરમતત્વ છે જેનો અવતારી  રૂપ “શંકર” છે. શંકર તેની રચના છે અને આ રચનાના દિવસને શિવરાત્રી તરીકે ઉજવાય છે. !!!

શિવરાત્રીનું તાત્પર્ય એટલું ગ્રહણ કરીએ કે વ્યક્તિ અને સમષ્ટિનું કલ્યાણ એ આપણું કર્તવ્ય છે. આત્મોન્નતિ અને સમાજોન્ન્તી સાથેજ થઇ શકે અને તે માટે શિવ સમા તપ અને ત્યાગ જેવા તત્વો આપણે સહુએ પોતાના જીવનમાં લાવવા જોઈએ.