આજે અમે છોટા પેકેટ બડા ધમાકાની વાત કરીશું. આ છોટા પેકેટ છે સેમિકન્ડક્ટર. આ વસ્તુ ન હોય તો જીવન કેવી રીતે પાંગળું બની જાય એની વાત કરીશું. કેમ કે, મોબાઇલથી લઈને ફ્રીજ અને કાર સુધીની વસ્તુઓમાં એનો ઉપયોગ છે. કેવી રીતે સેમિકન્ડક્ટરના બિઝનેસમાં ચીન અને તાઇવાનનો દબદબો છે અને અમેરિકાના સાથથી કેવી રીતે ભારત આ દબદબાનો અંત લાવશે એની અમે વિસ્તારથી વાત કરીશું.
આ ચર્ચા કરવાનું કારણ એ છે કે, પ્રધાનમંત્રી મોદીએ ત્રણ નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ માટે વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું. જેમાંથી બે પ્લાન્ટ્સ આપણા ગુજરાતમાં અને એક પ્લાન્ટ આસામમાં છે. આ ત્રણ પ્લાન્ટ્સમાંથી બે પ્લાન્ટ્સ તાતા ગ્રૂપના છે. ગુજરાતમાં ધોલેરા અને સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જૂન 2023માં જાહેરાતના માત્ર 90 દિવસની અંદર જ સાણંદમાં પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પહેલી ચિપ તૈયાર થવાની શક્યતા છે. આ ત્રણેય પ્રોજેક્ટ્સ માટેનો કુલ ખર્ચ એક લાખ 26 હજાર કરોડ રૂપિયા છે. તમારા ફાયદાની વાત કરીએ તો આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી બે લાખથી વધુ રોજગારીની તકો ઊભી કરશે.
ભારતે 1960ના દશકમાં આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ માટેનું સપનું જોયું હતું. જે છેક હવે સાકાર થયું છે. આ વર્ચ્યુઅલી ભૂમિપૂજન કાર્યક્રમ દરમ્યાન પીએમ મોદીએ શું કહ્યું હતું એ તમે સાંભળો.
પીએમ મોદીની વાતથી તમને સમજાઈ ગયું હશે કે, આ પ્રોજેક્ટ કોઈ સામાન્ય ફેક્ટરી નથી. આપણા સૌના માટે એનું ખાસ મહત્ત્વ છે. એને સરળ રીતે અમે તમને સમજાવીશું.
તમે સૌથી પહેલાં તો કલ્પના કરો કે, દુનિયામાંથી તમામ ફોન, ટીવી કે કાર ગાયબ થઈ જાય તો તમારી જિંદગી કેવી બની જાય? સાવ બોરિંગ… અમે આ સવાલ કેમ કર્યો એનો પણ કદાચ તમને સવાલ થતો હશે. વાત સેમિકન્ડક્ટરની જ છે. તમે તમારા ટીવી પર ન્યૂઝ કેપિટલને જોઈ રહ્યા છો કે તમારા ફોનમાં ચેટ કરી રહ્યા છો કે પછી કારમાં તમારી ઓફિસમાં જાવ છો એ બધાની પાછળ એક નાનકડો સુપરહીરો છે. આ સુપરહીરોનું નામ જ સેમિકન્ડક્ટર છે.
હવે, એ પણ જાણો કે, આ બધી વસ્તુઓમાં સેમિકન્ડક્ટર કેવી રીતે કામ કરે છે?
સેમિકન્ડક્ટર એક ટ્રાફિક લાઇટ જેવું છે. રસ્તા પર વાહનોને ટ્રાફિક લાઇટ કન્ટ્રોલ કરે છે. ગ્રીન લાઇટ થાય તો વાહનો દોડવા લાગે અને રેડ સિગ્નલ પર સ્ટોપ થઈ જાય. સેમિકન્ડક્ટરનું કામ પણ એવું જ છે. ટ્રાફિક લાઇટ વાહનોને કન્ટ્રોલ કરે છે જ્યારે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રિસિટીને. સેમિકન્ડક્ટરથી જ નક્કી થાય છે કે, ક્યારે અને કેટલી ઇલેક્ટ્રિસિટી પસાર થવા દેવી. હવે, સેમિકન્ડક્ટરના ઉપયોગો પણ તમે જાણો.
શરૂઆત તમારી સાથે લગભગ ચોવીસે કલાક રહેતા તમારા ફોનથી કરીએ. તમારા ફોનમાં ચેટિંગ કરવા માટે, વિડિયો ગેમ્સ રમવા માટે કે ફોટોગ્રાફ ક્લિક કરવા માટે અનેક ફીચર્સ હશે. તમે તમારા ફોનમાં કેમેરો, ફીચર્સ, એપ્સ જોતા હશો, પણ એ સિવાય પણ તમારા ફોનમાં અઢળક સેમિકન્ડક્ટર્સ છે. આ સેમિકન્ડક્ટરના કારણે જ ફોનનાં ફીચર્સ કામ કરે છે. તમારા ફોનનું દિમાગ એટલે કે પ્રોસેસર અનેક સેમિકન્ડક્ટર્સનું બનેલું હોય છે. જેના લીધે જ તમારો ફોન સ્મૂથલી ચાલે છે. સેમિકન્ડક્ટરના કારણે જ તમારો ફોન ઇન્ટરનેટથી કનેક્ટ થાય છે અને તમે દુનિયાની સાથે કનેક્ટ થાવ છો. તમને સેલ્ફી લેવાનું ગમતું હશે તો તમારી આ સેલ્ફી અને વિડિયોનું પ્રોસેસિંગ પણ સેમિકન્ડક્ટરના કારણે જ થાય છે. GPSનો ઉપયોગ કરીને લોકેશન ટ્રેક કરવા માટે પણ આ છોટુનો જ ઉપયોગ થાય છે. એટલે જ અમે કહીએ છીએ કે, સેમિકન્ડક્ટરને છોટુ ના સમજો.
ફોન પછી હવે ટીવીની વાત કરીએ. તમે કલાકો સુધી ટીવીની આગળ બેસી રહેતા હશો. તમે ટીવી પર ક્રિસ્ટલ ક્લિયર ઇમેજ જોતા હશો અને સ્પષ્ટ અવાજ સાંભળો છો એ સેમિકન્ડક્ટરના કારણે જ શક્ય બન્યું છે. ફોનની જેમ તમારા ટીવીમાં પણ અનેક સેમિકન્ડક્ટર્સ છે. આ સેમિકન્ડક્ટરનું કામ સિમ્પલ છે. પ્રોસેસિંગ કરીને ઇમેજને તમારી ટીવી સ્ક્રીન પર લાવવામાં એ મદદ કરે છે. આ તમામ સેમિકન્ડક્ટર્સ સાથે મળીને કામ કરે છે. એટલે જ તમે ટીવી પર ચમકતા રંગો જોઈ શકો છો. અમે ગ્રાફિક રજૂ કરીએ છીએ તો એની એક-એક વિગત તમને ખ્યાલ આવે છે. વીસ વર્ષ પહેલાં અને અત્યારે ટીવી જોવાનો અનુભવ બદલાયો છે. એનું કારણ સેમિકન્ડક્ટર જ છે.
હવે, કારની વાત કરીશું. ફોન અને ટીવીની જેમ કાર માટે પણ સેમિકન્ડક્ટર ખૂબ જરૂરી છે. પહેલાંના જમાનાની કાર અને અત્યારની કાર વચ્ચેનો ફરક સેમિકન્ડક્ટરના કારણે જ આવ્યો છે. હવે, કાર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટેનું સાધન રહ્યું નથી. હવે તો કારમાં ADVANCE ટેક્નોલોજી છે. જેના લીધે કારમાં સવારી વધારે સુરક્ષિત, અસરકારક અને માણવાલાયક બની છે. આ ટેક્નોલોજીના મૂળમાં સેમિકન્ડક્ટર જ છે. જેમ કે, સેન્સર્સના કારણે તમારી કારને કોઈ અડચણ હોય તો એ ડિટેક્ટ કરે છે. કન્ટ્રોલ સિસ્ટમ્સના કારણે પેટ્રોલ કે ડીઝલનો અસરકારક રીતે ઉપયોગ થાય છે. વળી, તમે લાંબી રોડ ટ્રિપમાં કારમાં મ્યુઝિક પણ સાંભળી શકો છો. ઇનશોર્ટ, તમારી સવારીને છોટું જ માણવાલાયક બનાવે છે.
છોટુની મોટી વાત આટલેથી પૂરી નથી થઈ. સેમિકન્ડક્ટરનો લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટવોચ માટે પણ ઉપયોગ થાય છે.
સેમિકન્ડક્ટરના ઉપયોગનું પિક્ચર હજી પૂરું થયું નથી. આ છોટુના કારણે જ હવે ફ્રિજ અને વોશિંગ મશીન બોરિંગ મશીન નથી રહ્યા. એ પડદા પાછળના સીક્રેટ એજન્ટની જેમ તમારા ફ્રીજમાં તમારું જમવાનું ફ્રેશ રાખે છે અને તમારાં કપડાં ચોખ્ખાં કરે છે. છોટુની મોટી કિંમત છે. એટલે જ તો દુનિયામાં એના માટે ફાઇટ ચાલી રહી છે. હવે, એ રિંગમાં ભારત ઉતર્યું છે અને એ પણ પૂરી શક્તિ સાથે. સેમિકન્ડક્ટર્સના એકસાથે ત્રણ પ્લાન્ટ્સનું ભૂમિપૂજન કરીને પ્રધાનમંત્રીએ એ મેસેજ આપી દીધો છે. ભારતમાં સેમિકન્ડક્ટર ફેસિલિટીઝ ઊભી કરવામાં અમેરિકા ખૂબ મદદ કરી રહ્યું છે. અમે તમને સેમિકન્ડક્ટરનો ક્યાં ઉપયોગ થાય છે એ સમજાવ્યું. હવે, એની પાછળ આંતરરાષ્ટ્રીય સ્તરે કેવા પ્રકારનું રાજકારણ રમાય છે એ પણ એટલું જ રોમાંચક છે. એને પણ તમારે સમજવું જરૂરી છે.
સેમિકન્ડક્ટરનું કામ ઇલેક્ટ્રિસિટીને કન્ટ્રોલ કરવાનું છે, પણ ભારતમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સથી ચીનને કરન્ટ લાગશે એ નક્કી જ છે. ભારતના સેમિકન્ડક્ટર એટલે કે ચિપના મિશનની દુનિયાભરમાં ચર્ચા છે. અમેરિકા, જપાન અને તાઇવાનની સેમિકન્ડક્ટર કંપનીઓ ભારતમાં આવી રહી છે. એટલે ચીનના શ્વાસ અદ્ધર થઈ ગયા છે.
એનું કારણ પણ સમજવા જેવું છે. સેમિકન્ટક્ટરના ઉત્પાદનમાં તાઇવાનની સાથે ચીનનો પણ દબદબો છે. સેમિકન્ડક્ટરનું મહત્ત્વ અમે તમને સમજાવ્યું. એટલે તમને ખ્યાલ આવી જાય કે, ફોનથી લઈને ફ્રિજ સુધી અને મોબાઇલથી લઈને કાર સુધીની પ્રોડક્ટ્સમાં સેમિકન્ડક્ટર જરૂરી છે. આ સેમિકન્ડક્ટરના બિઝનેસમાં ટોચના દેશોમાં ચીન સામેલ છે. હવે, ભારત ચીનનું વર્ચસ્વ તોડવા જઈ રહ્યું છે.
તમારામાંથી અનેક લોકો કાર બૂક કરાવવા ગયા હશે ત્યારે કદાચ સેલ્સમેન પાસેથી જવાબ મળ્યો હશે કે, અમુક મહિના રાહ જોવી પડશે. તમે કારણ પૂછશો તો જવાબ મળશે કે, ચિપ નથી આવી. ચિપના બિઝનેસ પર ચીન અને તાઇવાનનો દબદબો છે. એટલે આ રીતે આખી દુનિયાએ પરેશાન થવું પડે છે. દુનિયામાં સેમિકન્ડક્ટર્સના બિઝનેસમાં તાઇવાનનો હિસ્સો 65 ટકા જેટલો છે. જ્યારે ચીનનો હિસ્સો પાંચ ટકા છે. તાઇવાન અને ચીન વચ્ચે ભલે દુશ્મની હોય, પણ તેઓ બિઝનેસના હિતોથી પણ જોડાયેલા છે.
અમેરિકા સહિતના દેશો સેમિકન્ડક્ટર માટે તાઇવાન અને ચીન પર આધાર રાખે છે. એ તેમને બિલકુલ પસંદ નથી. કેમ કે, તાઇવાન અને ચીન વચ્ચે યુદ્ધ થાય તો એવી સ્થિતિમાં લગભગ આખી દુનિયામાં સેમીકન્ડક્ટરની ક્રાઇસિસ થઈ જાય. એટલે જ હવે, અમેરિકા સહિતના દેશો ભારતને કહી રહ્યા છે કે, ભારત તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. કેમ કે, આ દેશો ચીનની દાદાગીરી સહન કરવા તૈયાર જ નથી. ભારત માટે માહોલ અનુકૂળ છે. ચીનની હાલત અત્યારે ખરાબ છે. ચીનનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર ડૂબી રહ્યું છે. એટલે જ દુનિયાના દેશો માની રહ્યા છે કે, ચીન ડૂબતો સૂરજ છે જ્યારે ભારત ઊગતો સૂરજ છે.
આ પરિસ્થિતિ રાતોરાત બદલાઈ નથી. 1960ના દશકથી જ ભારતમાં સેમિકન્ડક્ટર યુનિટ્સ સ્થાપવા માટે વિચાર કરાયો હતો, પણ અમલ નહોતો થયો. અત્યારની કેન્દ્ર સરકાર સેમિકન્ડક્ટરનું મહત્ત્વ સમજી ચૂકી હતી. એટલે જ થોડાં વર્ષો પહેલાંથી જ ભારતમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી ઊભી કરવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રયત્નોનું કેન્દ્રસ્થાન ગુજરાત છે. આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમ્યાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એના વિશે જાણકારી આપી હતી. પીએમ મોદીએ તેમની અમેરિકાની મુલાકાત દરમ્યાન પણ સેમિકન્ડક્ટરના બિઝનેસ પર જ ફોકસ કર્યું હતું. અમેરિકાના પ્રેસિડન્ટ સાથેની વાતચીતમાં પણ તેમણે સેમિકન્ડક્ટર ફેસિલિટીનો મુદ્દો ઉઠાવ્યો હતો. એટલું જ નહીં તેમણે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીની કંપનીઓના સીઇઓ સાથે વાતચીત પણ કરી હતી. દુનિયામાં સેમિકન્ટક્ટર ઇન્ડસ્ટ્રીમાં ટોચની પાંચ કંપનીઓમાં સામેલ માઇક્રોનના અધિકારીઓની સાથે પણ પીએમ મોદીએ વાતચીત કરી હતી. જેનું જ પરિણામ છે કે, માઇક્રોન કંપની ભારતમાં આવી છે. માઇક્રોન ભારતમાં ટેક્નોલોજી અને રોજગારી લાવી છે. માઇક્રોનના પ્રેસિડન્ટ સંજય મેહરોત્રાએ આ વર્ષના વાઇબ્રન્ટ સમિટમાં કહ્યું હતું કે, ભારતને સેમિકન્ડક્ટર્સ માટેનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાના પીએમ મોદીના વિઝનથી ભારતની આર્થિક પ્રગતિને બળ મળશે. હવે, ખરેખર ભારતમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી ધમધમશે. અમે એનો બીજો ફાયદો ગણાવીશું. ભારત સરકારે મોબાઇલ ફોન્સના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપ્યું છે. એટલે ભવિષ્યમાં ફોન્સ પણ સસ્તાભાવે તમને મળી જશે. તમે મેઇડ ઇન ચાઇના ફોનને ડમ્પ કરી શકશો.
તમે ગર્વની સાથે સંપૂર્ણપણે મેઇડ ઇન ઇન્ડિયા લેટેસ્ટ ફોનમાં તમારી સેલ્ફી લઈ શકશો અને વિડિયો ગેમ પણ રમી શકશો. આ ફોનમાં છોટુ એટલે કે સેમિકન્ડક્ટર પણ મેઇડ ઇન ઇન્ડિયા હશે અને એના તમામ સ્પેરપાર્ટ્સ પણ મેઇડ ઇન ઇન્ડિયન રહેશે.