Expert Opinion: PM મોદી દુનિયાના કોઈ પણ ખુણામાં જાય એની ચર્ચા અચૂક થાય છે. તેઓ તાજેતરમાં જ ઇટાલીમાં G7 સંમેલનમાં ભાગ લઈને દેશમાં પાછા આવી ગયા. જોકે, તેમની આ મુલાકાતની હજી સુધી ચર્ચા થઈ રહી છે. આ ચર્ચાનું એક કારણ ઇટાલીનાં PM જ્યોર્જિયા મેલોનીનો PM મોદી સાથેનો એક વીડિયો છે.
Namaste instead of handshake🚩
PM Modi arrives at G-7 Venue, Meets Italian PM Giorgia Meloni 🇮🇹 🇮🇳 #Melodi pic.twitter.com/5eedbcijhI
— Varsha Singh (@varshaparmar06) June 14, 2024
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઇરલ થયો. લોકો જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ વીડિયોમાં PM મોદી અને મેલોની બંનેના ચહેરા પર ભરપૂર સ્માઇલ જોવા મળી રહ્યું છે. એ જોઈને ભારત અને ઇટાલીમાં મોટી સંખ્યામાં લોકોના ચહેરા પર સ્માઇલ આવી ગયું છે. જોકે, આ સ્માઇલ જોઈને કેટલાક લોકોને ચિંતા થવા લાગી છે. BJPના નેતા તો કહેવા લાગ્યા છે કે, કેટલાક નેતાઓને હવે કદાચ જેલ દેખાઈ રહી છે. આ આખો મામલો ઓગસ્ટાવેસ્ટલેન્ડ VVIP હેલિકોપ્ટરની ખરીદીમાં કૌભાંડનો છે. વાત UPAના સમયગાળાની છે.
કોંગ્રેસની આગેવાનીવાળી UPA સરકારે માર્ચ 2005માં જ નવા હેલિકોપ્ટર ખરીદવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી. એ સમયના PM મનમોહન સિંહે એક ખાસ શરત ઉમેરાવી હતી. આ શરત મુજબ આ ડિફેન્સ ડીલમાં જો કોઈ દલાલ કે વચેટિયો હોવાનું બહાર આવશે તો ડીલ રદ કરી દેવામાં આવશે. જોકે, આગળ જતાં આ ડિફેન્સ ડીલમાં વચેટિયાઓ પકડાયા. એટલે જ વિવાદ વધારે છે. એ સમયે પ્રણવ મુખર્જી સંરક્ષણ મંત્રી હતા જ્યારે એસ.પી. ત્યાગી એરફોર્સના વડા હતા.
Hi friends, from #Melodi pic.twitter.com/OslCnWlB86
— Giorgia Meloni (@GiorgiaMeloni) June 15, 2024
12 VVIP હેલિકોપ્ટર ખરીદવા માટે નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. ઓગસ્ટાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટર બનાવતી કંપની સિવાય અમેરિકા અને રશિયાની કંપનીઓએ પણ અરજી કરી હતી. રશિયન કંપનીની અરજી તો શરૂઆતના તબક્કામાં જ ફગાવી દેવાઈ હતી. ઑક્ટોબર 2006થી માર્ચ 2007 દરમ્યાન એ.કે. એન્ટોની સંરક્ષણ મંત્રી હતા. એ દરમ્યાન જ ત્યાગી રિટાયર થઈ ગયા હતા.
આખરે ફેબ્રુઆરી 2010માં 3600 કરોડ રૂપિયાની એક ડીલ કરવામાં આવી હતી. ઓગસ્ટાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટર્સની ખરીદી માટેના કોન્ટ્રેક્ટ પર સાઇન કરવામાં આવી. આ હેલિકોપ્ટર્સ ભારતના રાષ્ટ્રપતિ, PM અને સરકારમાં મહત્ત્વની અન્ય વ્યક્તિઓ માટેનાં હતાં. ઓગસ્ટાવેસ્ટલેન્ડનું હેડક્વાર્ટર બ્રિટનમાં છે જ્યારે એની પેરેન્ટ કંપની ફિનમેકેનિકાનું હેડક્વાર્ટર ઇટાલીમાં છે.
આ ડીલમાં ગોટાળો થયો હતો. UPA સરકારમાં તો સ્વાભાવિક રીતે આ કથિત કૌભાંડની એ સમયે તપાસ જ નહોતી થઈ. જોકે, ઇટાલીમાં એની તપાસ જરૂર થઈ હતી. ઇટાલીની તપાસ એજન્સીઓએ આ ડીલની તપાસ કરી. ફેબ્રુઆરી 2012માં આ ડીલ માટે કટકી અપાઈ હોવાની વાત બહાર આવી. ઇટાલીની તપાસ એજન્સીઓએ દાવો કર્યો કે, ફિનમેકેનિકાએ આ કોન્ટ્રેક્ટ મેળવવા માટે ભારતના કેટલાક નેતાઓ અને એરફોર્સના કેટલાક અધિકારીઓને 360 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. ત્રણ વચેટિયાઓનાં નામ પણ જાહેર કરાયા. જેમાં ક્રિશ્ચન મિશેલ, ગુઇદો હાશ્કે અને કાર્લો ગેરોસા સામેલ છે. આવી હકીકત બહાર આવી ત્યાં એના પહેલાં જ ભારતને ત્રણ ઓગસ્ટાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટર મળી ચૂક્યાં હતાં. જોકે, એનો ઉપયોગ નહોતો થતો.
ઇટાલીમાં તપાસ એજન્સીઓએ તપાસ કર્યા બાદ એક્શન લેવાની શરૂઆત કરી. ફેબ્રુઆરી 2013માં ઇટાલીની કોર્ટમાં આ ડીલનો મામલો ચાલ્યો. આ કેસમાં ફિનમેકેનિકાના CEO ઓરસી અને ઓગસ્ટાવેસ્ટલેન્ડના ચીફ બ્રૂનો સ્પેગ્નોલિનીની ઇટાલીમાં ધરપકડ કરવામાં આવી. ઇટાલીની કંપનીએ હેલિકોપ્ટર વેચવા માટે લાંચ આપી. હવે, લાંચ આપવામાં આવી છે તો સ્વાભાવિક રીતે કોઈએ તો લાંચ લીધી જ હોય. એટલે જ ભારતમાં સત્તામાં રહેલા લોકો પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા. એ સમયે UPAની સરકાર હતી. BJPએ આ મુદ્દે એ સમયની કેન્દ્ર સરકારને ઘેરી હતી. એટલે આખરે સંરક્ષણ મંત્રાલયે ઓગસ્ટાવેસ્ટલેન્ડને એના પછી જે કંઈ પણ પેમેન્ટ કરવાનું હતું એ રોકી દીધું હતું.
ઇટાલીની અદાલતમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ થયું હોવાના કારણે એ સમયની UPA સરકાર પર આ મામલે એક્શન લેવાનું ખૂબ જ પ્રેશર હતું. ભારતમાં આ ડીલની તપાસ CBIને સોંપવામાં આવી હતી. CBIએ એરફોર્સના ભૂતપૂર્વ વડા એસ. પી. ત્યાગી, તેમના ત્રણ ભાઈઓ, ઓરસી અને સ્પેગ્નોલિની સહિત નવ વ્યક્તિઓની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. દેશમાં કોઈ પણ પ્રકારની ડિફેન્સ ડીલ થાય તો સ્વાભાવિક રીતે સંરક્ષણ મંત્રીની સંમતિ હોય. PMની પણ મંજૂરી હોય જ. આમ છતાં આ ભ્રષ્ટાચારના કેસમાં એક પણ નેતાનું નામ જ નહોતું.
ઇટાલીની અદાલતમાં આ મામલે સુનાવણી થઈ તો ભારતના અનેક નેતાઓનાં નામ આવ્યા. આ ડીલ માટે અનેક નેતાઓને કટકી આપવામાં આવી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો. કોર્ટના દસ્તાવેજોમાં રહેલા એક નામની ખૂબ ચર્ચા થઈ હતી. આ નામ હતું સિગ્નોરા ગાંધી. શું સિગ્નોરા વાસ્તવમાં સોનિયા ગાંધી છે ? દિલ્હીની ગલીઓમાં આવી ખૂબ ચર્ચા થવા લાગી હતી. માત્ર આ એક નામની ચર્ચા નહોતી. એ સમયના PM મનમોહન સિંહ, અહેમદ પટેલ, પ્રણવ મુખર્જી, વીરપ્પા મોઇલી. કે. એમ. નારાયણન અને ઑસ્કાર ફર્નાન્ડિઝ સહિત અનેક નેતાઓ શંકાના દાયરામાં આવી ગયા હતા.
ઓગસ્ટાવેસ્ટલેન્ડ કંપની પાસેથી ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું પુરવાર થયું હોવા છતાં પણ એ સમયે ભારત સરકારે એના પર પ્રતિબંધ નહોતો મૂક્યો. એપ્રિલ 2013માં સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટોનીએ લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, ભારતીય આર્મીને હથિયારો વેચવા માટે ઓગસ્ટાવેસ્ટલેન્ડ પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. એટલું જ નહીં આ કંપનીએ ઇન્ડિયન નેવીને હેલિકોપ્ટર્સ વેચવા માટે ટેન્ડર પણ ભર્યું હતું.
2014ની લોકસભાની ચૂંટણી પહેલાં UPA સરકાર કૌભાંડો માટે બદનામ થઈ ગઈ હતી. BJPએ એ સમયની કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલનને ઉગ્ર બનાવ્યું. વળી, આ જ સમયે અણ્ણા હજારેનું આદોલન ચાલી રહ્યું હતું. એટલે આખરે લોકસભાની ચૂંટણીના બરાબર પહેલાં UPA સરકારે ઓગસ્ટાવેસ્ટલેન્ડ સાથેની ડીલ રદ કરી દીધી હતી. ભારત સરકારે તો આ કંપનીને પહેલાં જ પેમેન્ટનો અમુક ભાગ આપી દીધો હતો. જોકે, એની પણ ભરપાઈ કરવા માટે સરકાર પર પ્રેશર હતું. એટલે જ એ સમયની કેન્દ્ર સરકારે એડ્વાન્સ બેંક ગેરંટી તરીકે ઓગસ્ટાવેસ્ટલેન્ડે આપેલી રકમને લઈ લીધી. આ ડીલની તમામ શરતો પૂરી કરવાની ગેરંટી તરીકે આ કંપનીએ 1700 કરોડ રૂપિયા જમા કર્યા હતા. આ રૂપિયા ભારત અને ઇન્ટરનેશનલ બેંકોમાં જમા હતા.
જોકે, 2014માં સત્તા બદલાઈ. જેની સાથે જ ભારત સરકારની નીતિ અને નિયતમાં પણ ફરક આવ્યો. કેન્દ્રમાં સત્તાપરિવર્તન થવાની સાથે જ ઓગસ્ટાવેસ્ટલેન્ડ કેસની તપાસમાં ઝડપ આવી. UPA સરકારના શાસનમાં મુખ્ય આરોપીઓને બચાવવાના પ્રયાસો થયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેમણે એ ડીલ માટે ગ્રીન સિગ્નલ આપ્યું હતું, જેમણે એના પર હસ્તાક્ષર કર્યા હતા એવા લોકોની વિરુદ્ધ કોઈ જ પગલાં નહોતા લેવાયાં. જોકે, આખરે છેલ્લાં 10 વર્ષમાં જ આ કેસમાં તપાસ આગળ વધી છે.
ભારત અને ઇટાલી બંને દેશોમાં આ કેસમાં તપાસ કરવામાં આવી રહી હતી. ઓગસ્ટ 2014માં ઇટાલીની નીચલી અદાલતે ફિનમેકેનિકાના CEO ઓરસી અને ઓગસ્ટાવેસ્ટલેન્ડના ચીફ બ્રૂનો સ્પેગ્નોલિનીને બે વર્ષની સજા ફટકારી હતી. ભારત સરકારમાં રહેલા કેટલાક લોકોને લાંચ આપવા બદલ આ સજા થઈ હતી.
2016માં CBIએ આ કેસમાં તપાસને ઝડપી બનાવી. જોકે, એની સાથે જ ભારતની વિરુદ્ધ અભિયાન ચલાવતા અખબાર ધ ટેલિગ્રાફે એક ખોટો રિપોર્ટ પબ્લિશ કર્યો. જેનાથી આખી દુનિયાનું ધ્યાન ખેંચાયું. આ અખબારે આ કેસમાં આરોપી વચેટિયા ક્રિશ્ચન મિશેલની વાત સાચી માનીને એક રિપોર્ટ લખ્યો. આ રિપોર્ટમાં લખવામાં આવ્યું કે, 2015માં ન્યૂ યોર્કમાં આયોજિત UNની મહાસભા દરમ્યાન PM મોદીએ એ સમયના ઇટાલીના PM મેટેયો રેંઝીની સાથે સોદાબાજી કરવાની કોશિશ કરી હતી. ભારતમાં કેદ ઇટાલીયન નાગરિકોના બદલામાં PM મોદીએ ઓગસ્ટાવેસ્ટલેન્ડના કેસમાં ગાંધી પરિવારની વિરુદ્ધ પુરાવા માગ્યા હતા. ભારતના વિદેશ મંત્રાલયે આ આરોપને બકવાસ ગણાવ્યો હતો.
2016માં જ CBIએ આ કેસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ ચાર્જશીટમાં ચોંકાવનારો આરોપ મૂકવામાં આવ્યો. 2010ની ઓગસ્ટાવેસ્ટલેન્ડની ડીલ થઈ હોત તો ભારતની તિજોરીને લગભગ 2666 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોત. જો આ આરોપો સાચા હોય તો ઇટાલીની કંપનીએ ભારતમાં નેતાઓ અને અધિકારીઓને 360 કરોડ રૂપિયાની લાંચ આપીને 2666 કરોડનો પ્રોફિટ કરવાનું કાવતરું રચ્યું હતું. ભારતમાં આ કેસમાં CBIની સાથે ED પણ તપાસ કરી રહી હતી. EDએ એની ચાર્જશીટમાં આરોપ મૂક્યો હતો કે, વચેટિયા ક્રિશ્ચન મિશેલને આ ડીલથી 225 કરોડ રૂપિયા મળ્યા હતા. EDએ એપ્રિલ 2019માં એની ચાર્જશીટમાં ધડાકો કર્યો હતો. આ ચાર્જશીટમાં સોનિયા ગાંધીના ખાસ વિશ્વાસુ અહેમદ પટેલનું નામ લેવાયું હતું.
UPA સરકારે આ કેસમાં તપાસ કરી રહેલી ઇટાલીની એજન્સીઓને મહત્ત્વના પૂરાવા જ ના આપ્યા. જેના કારણે ઇટાલીમાં તપાસ ખોરવાઈ ગઈ હતી. 2014 પછી ત્યાં પણ તપાસ ઝડપી થઈ. ઇટાલીની મિલાન કોર્ટે ઓરસીને સાડાચાર વર્ષ જ્યારે સ્પેગ્નોલિનીને ચાર વર્ષની સજા ફટકારી હતી.
ભારતમાં ડિસેમ્બર 2016માં આ કેસમાં મોટી એક્શન લેવામાં આવી હતી. એર ફોર્સના ભૂતપૂર્વ વડા એસ. પી. ત્યાગી અને તેમના પરિવારજન સંજીવ ત્યાગીની CBIએ ઘરપકડ કરી. ત્યાગીએ જ હેલિકોપ્ટરના ઉત્પાદન માટેની તમામ શરતો ઇટાલીયન કંપનીની તરફેણમાં રહે એવી કોશિશ કરી હતી.
2018માં ભારતને મોટી સફળતા મળી હતી. વચેટિયા ક્રિશ્ચન મિશેલને દુબઈથી પકડી લેવાયો. તેની સાથે તેનો પાર્ટનર રાજીવ સક્સેના પણ પકડાયો. ભારતમાં UPA સરકારના નેતાઓને લાંચ આપવા માટે રાજીવની કંપનીનો જ ઉપયોગ કરાયો હોવાનો આરોપ મુકાયો છે. મિશેલે સોનિયા ગાંધીનું નામ લીધું હોવાનો BJP સરકારે દાવો કર્યો હતો.
UPA સરકારે ઓગસ્ટાવેસ્ટલેન્ડ કેસને સંબંધિત તમામ ફાઇલ્સને છુપાવી દીધી કે નષ્ટ કરી હોવાનો આરોપ છે. બીજી તરફ UPA સરકારે આ કેસની કોઈ જ વિગતો ભારતને ન આપવા માટે ઇટાલી પર ખૂબ જ પ્રેશર કર્યું હતું. PM મોદીની સરકાર અત્યાર સુધી આ કેસમાં આરોપીઓના પૂરેપૂરાં સ્ટેટમેન્ટ્સ, અપીલ્સનું પૂરેપૂરું લખાણ, કોર્ટનું ફાઇનલ જજમેન્ટ ઇટાલી પાસેથી માગતી હતી. એક વખત આ તમામ વિગતો જાહેર થઈ જાય તો રાજકીય ભૂકંપ નક્કી જ છે.
BJPના નેતાઓનાં નિવેદનો પરથી રાજકીય ભૂકંપની તૈયારીઓનો ખ્યાલ આવે છે. અમે ફરી પાછા PM મોદીની ઇટાલીની મુલાકાતની વાત કરીશું. આ મુલાકાતથી કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હોવાની ચર્ચા છે. દિલ્હીની ગલીઓમાં થતી ચર્ચાને સાચી માનીએ તો જણાય કે, કોંગ્રેસ અત્યારે ડરી ગઈ છે. ઓગસ્ટાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના કૌભાંડની ફાઇલ પૂરેપૂરી ખૂલી જશે તો એની પાંખ કપાઈ શકે છે.
BJPના IT સેલના ચીફ અમિત માલવિયે એક TWEET કરીને એનો અંદાજ આપી દીધો હતો. તેમણે આ TWEETમાં લખ્યું હતું કે, નરેન્દ્ર મોદી PM બન્યા એના પહેલાં જ ભારતના સૌથી મોટા ડિફેન્સ કૌભાંડનાં હાડપિંજરોને ઇટાલીમાં દફનાવવામાં આવ્યા હતા. હવે PM મોદીની ત્રીજી મુદતમાં આ હાડપિંજરો જીવંત થશે. જેની શરૂઆત ઇટાલીની મુલાકાતથી થઈ ગઈ છે.
એવી પણ ખૂબ ચર્ચા થઈ રહી છે કે, PM મોદીની ઇટાલીની વિઝિટ દરમ્યાન જ ઇટાલીએ ઓગસ્ટાવેસ્ટલેન્ડ કેસમાં કોર્ટના સમગ્ર ચુકાદાની નકલ ભારતને આપી છે. આ ચુકાદો 225 પાનાનો છે. એ સિવાય પણ આ કેસને સંબંધિત ડોક્યુમેન્ટ્સ ભારતને સોંપવામાં આવ્યા છે. એટલે જ આ કેસમાં હવે ફુલસ્પીડમાં એક્શન લેવાઈ શકે છે.
આખરે ભારતને પુરાવા મળી ગયા હોવાની ચર્ચા છે. જો આ વાત સાચી હોય તો નજીકના જ સમયમાં સોનિયા ગાંધી, મનમોહન સિંહ અને બીજા કેટલાક નેતાઓની વિરુદ્ધ પગલાં લેવાઈ શકે છે. ડિફેન્સ ડીલમાં કટકી ખાવામાં આવી હોવાના આરોપો સાચા હોય તો આવા લોકોની વિરુદ્ધ આકરાં પગલાં લેવાય એ જ દેશના હિતમાં છે.